જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ દુર થયા પછી રચાનારી પ્રથમ સરકાર નવી આશાનું કિરણ બનશે

જ્મ્મુ અને કાશ્મીરમાં છેલ્લે ૨૦૧૪માં વિધાનસભાની ચૂંટણી ચોજાયા બાદ દસ વર્ષમાં આ રાજ્યની જનતા પ્રચંડ રાજકીય પરિવર્તનોની સાક્ષી બની છે. અને દસ વર્ષ પછી હાલમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી બાદ સત્તા પર આવનારા પક્ષ માટે કાશ્મીરનું રાજકારણ અને વહિવટ સમુળગા બદલાઈ ગયેલા હશે.

સ્વતંત્રતા પછી અવિરત હિંસાખોરી તેમજ આંતરરાષ્ટ્રીય વિવાદોથી સળગતા રહેલા આ પહાડી રાજ્ય માટે આ એક નવી આશાના કિરણ સમાન બની રહેશે. કાશ્મીરીઓએ પાકિસ્તાને પોતાના સ્વાર્થ માટે ફેલાવેલો ભયાનક આતંકવાદ જાેયો છે. આ સરહદી રાજ્યને ભારતથી અલગ કરવા માટે સામાન્ય જનતાને હિંસાની આગમાં હોમનારા અલગતાવાદી નેતાઓને જાેયા છે. પાકિસ્તાન પ્રેરિત કટ્ટરવાદમાં ભાન ભુલીને કાશ્મીરના ગૌરવ સમાન પંડિતોની કત્લેઆમ કરતા ધર્મઝનુની ટોળાઓને જાેયા છે. ભારત વિરૂદ્ધ જનતામાં ઝેર ઘોળનારા તત્ત્વોના દેશવિરોધી ષડયંત્રો જાેયા છે.

પણ અવિરત હિંસાના દાવાનળમાં દાઝતી રહેતી કાશ્મીરી પ્રજા માટે હવે દિવસો પલટાયા છે. હા, અલગતાવાદી તત્વો હજી પણ છે અને કોંગ્રેસથી માંડીને સ્થાનિક નેશનલ કોન્ફરન્સ જેવા પક્ષો હજી પણ કાશ્મીરની સ્વાયત્તતાની તરફેણ કરીને અને વિધાનસભા ચૂંટણીમાં પણ તેને મુદ્દો બનાવીને કાશ્મીરીઓને ગેરમાર્ગે દોરવાની કોશીશો કરી રહ્યા છે. પરંતુ કલમ ૩૭૦ નાબુદ થયા પછી આ અલગતાવાદી તત્વોની શક્તિ હવે ક્ષિણ થઈ ગઈ છે. એક સમય હતો કે અલગતાવાદી તત્વો પોતાની વિચારધારા જનતા પર થોપવા માટે આતંકવાદ અને હિંસાખોરી ફેલાવતા હતા. પણ હવે તેમને પણ લોકતાંત્રિક પ્રક્રિયાને અનુસરવા માટે ફરજ પડી છે. વિધાનસભા ચૂંટણીના પગલે લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારના હાથમાં શાસનનો દોર આવશે તેનાથી વિશ્વને પ્રબળ સંદેશો મળશે કે કાશ્મીરીઓ આતંકવાદ અને હિંસાના માર્ગને પસંદ કરતા નથી.

કોઈ પણ રાજકીય પક્ષ કે નેતા ગમે તેટલા ધમપછાડા કરે તો પણ હવે કલમ ૩૭૦ નાબુદ કરીને આ રાજ્યને ભારત સંઘમાં સંપુર્ણપણે વિલિન કરાયુ તે પથ્થરની લકીરને ભુંસી શકે તેમ નથી. અલગતાવાદી વિચારધારાને પાકિસ્તાન દ્વારા ઉત્તેજન આપવામાં આવતુ હતુ તે દિવસો હવે ભુતકાળ બની ગયા છે. બલ્કે હવે પાકિસ્તાનના કબ્જામાં રહેલા કાશ્મીરની પ્રજામાં પણ ભારત સાથે ભળી જવાની માંગ બળવત્તર બની રહી છે.

કોઈ પણ પ્રદેશના વિકાસ અને પ્રગતિ માટે સર્વપ્રથમ શરત એ હોય છે કે તે પ્રદેશમાં શાંતિનું વાતાવરણ અને રાજકીય સ્થિરતા હોવી જાેઈએ. જે પ્રદેશમાં હિંસાખોરી અને અરાજકતા પ્રવર્તતા હોય તે પ્રદેશનો વિકાસ શક્ય નથી. કલમ ૩૭૦ હટ્યા બાદ ચૂંટાયેલી સરકાર કાર્યભાર સંભાળશે ત્યારે તેને એક વાતની ખાતરી રહેશે કે હવે વિકાસ માટે અવરોધ બની ચુકેલા આતંકવાદના જાેખમનો સામનો કરવો નહીં પડે. રાજ્યમાં શાંતિ અને સલામતીનું વાતાવરણ ડહોળનારા તત્વોની મેલી મુરાદ બર નહીં આવે. લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકાર હોવાથી રાજ્યના વિકાસ અને પ્રજાના હિતમાં નિર્ણયો લેવામાં તેને વિઘ્નો નહીં નડે. કાશ્મીરની પ્રજા માટે સારા દિવસો આવ્યા હોવાની આ નિશાની છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution