નાણાકીય ભીંસ અનુભવતી કેન્દ્ર સરકાર ચાલુ વર્ષે કોઇ નવી યોજના શરૂ નહીં કરે

નવી દિલ્હીઃ તા.૫

કોરોના વાઇરસ અને લાpકાડઉનની અસર હેઠળ સર્જાયેલા રાજકોષીય દબાણને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે ૩૧ માર્ચ, ૨૦૨૧ સુધી કોઇ નવી યોજના નહીં શરૂ કરવાનો નિર્ણય લીધો છે. નાણાં પ્રધાન નિર્મલા સિતારમને તમામ મંત્રાલયો અને વિભાગનો નિર્દેશ આપ્યો છે કે, આપણી પાસે જેટલું નાણાંકીય ભંડોળ છે, તેનો સાવધાની સાથે ખર્ચ કરવાની આવશ્યકતા છે. 

નાણાંપ્રધાને કહ્યુ કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ, આત્મનિર્ભર ભારત યોજના અને કોઇ અન્ય વિશેષ પેકેજની માટે નાણાંકીય ભંડોળની ચોક્કસપણે ફાળવણી કરવામાં આવશે. ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડિચર જે નાણાં મંત્રાલયના હસ્તક છે, તેના દ્વારા આ મેમોરેન્ડમ ઇશ્યૂ કરવામાં આવ્યો છે. આ મેમોરેન્ડમ અનુસાર જો કોઇ સ્કીમ ચાલુ નાણાંકીય વર્ષ માટે મંજૂર કરાઇ છે, તો તેને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવી રહી છે. આ આદેશ તેવી યોજનાઓ ઉપર પણ લાગુ થશે જેમની માટે ફંડને મંજૂરી આપવામાં આવી છે.કેન્દ્ર સરકારે માર્ચ ૨૦૨૧ સુધી રૂ.૫૦૦૦ કરોડ સુધીની કોઇ નવી યોજના શરૂ કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે. તે ઉપરાંત કેન્દ્રીય બજેટ અંતર્ગત જે યોજનાઓને મંજૂરી અપાઇ ચૂકી છે તેમને પણ આગામી માર્ચ ૩૧ સુધી સસ્પેન્ડ કરવામાં આવી છે. ખર્ચ વિભાગે સ્પષ્ટપણે કહ્યુ છે કે જો કોઇ યોજના આ નિર્દેશોનું પાલન નહી કરે તો તેને કોઇ ભંડોળ ફાળવવામાં આવશે નહીં અને તેના માટે કોઇ બજેટરી જોગવાઇ પણ કરવામાં આવશે નહીં. આ દિશાનિર્દેશોમાંથી કોઇ પણ પ્રકારની છુટછાટ માટે ખર્ચ વિભાગની મંજૂરી લેવી પડશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution