પ્રેમલગ્નની વાસ્તવિકતા રજૂ કરતી ફિલ્મ ‘પ્રિયતમા’

લેખકઃ સિદ્ધાર્થ છાયા | 


ઘણા પ્રેમલગ્નો લગ્ન થયા પછી સફળ થતા નથી. આ આજના જમાનાની વાત નથી, બહુ પહેલેથી આવું થતું આવ્યું છે. કદાચ એટલે જ છેક ૧૯૭૭માં આવેલી ફિલ્મ ‘પ્રિયતમા’ આ જ વાત કરી રહી છે અને સાબિત કરી રહી છે કે પ્રેમલગ્નો લગ્ન થયા પછી ઘણીવાર સફળ જતા નથી. આ ફિલ્મની વાર્તા રવિ અને ડોલીની છે. રવિ અને ડોલી બંનેનાં કોમન મિત્રો દ્વારા એકબીજાને મળે છે. પછી આ બંનેની મુલાકાતો વધતી જાય છે અને પછી જેમ બને છે તેમ બંને વચ્ચે પ્રેમ થઇ જાય છે. ફરીથી કહીએ તો જેમ બને છે તેમ ડોલીના પિતા જે જજ છે તેમને આ લગ્ન વિશે વાંધો હોય છે એટલે એમને મનાવવા તકલીફભર્યું કાર્ય હોય છે.


ઘણી સમજાવટ પછી પણ ડોલીના ન્યાયાધીશ પિતા માનતા નથી એટલે એમની મંજુરી વગર રવિ અને ડોલી લગ્ન કરી લે છે. હવે રવિ મધ્યમવર્ગીય પરિવારમાંથી આવે છે જ્યારે ડોલીના પિતા ઉચ્ચ પદે હોવાથી તેની લાઈફસ્ટાઈલ રવિથી ઘણી અલગ છે, એમ કહોને કે સાવ વિરુદ્ધ જ છે. ડોલીને જે બજારમાં જે વસ્તુ ગમે તે ખરીદી લેવાની આદત છે. લગ્ન પહેલા તો પિતા આર્થિક રીતે મજબૂત હતા એટલે ચાલી જતું પણ રવિના ઓછા પગારમાં આવા ખર્ચા શક્ય થાય એમ ન હતું. શરૂઆતમાં તો રવિ ડોલીને સમજાવે છે, પણ પછી બંનેના મન ખાટા થવા લાગે છે અને એક સમય એવો આવે છે કે વાત છેક છૂટાછેડા સુધી પહોંચી જાય છે.

તો, પ્રોબ્લેમ અહીં એવો છે કે પ્રેમ આંધળો હોય છે એ કહેવત અનુસાર જ્યારે પુરુષ અને સ્ત્રી એકબીજાના પ્રેમમાં પડે છે ત્યારે તેમને પ્રેમ અને પોતાના પ્રેમી અને પ્રેમિકા સિવાય બીજું કશું દેખાતું નથી. પણ આ થવું સ્વાભાવિક છે, પ્રેમ હોય છે જ એવો કે તમને ‘તેના’ સિવાય બીજું કશું જ ન દેખાય.

જ્યારે એકબીજા સિવાય રહી જ ન શકાય ત્યારે લગ્ન કરવાનો ર્નિણય લેવામાં આવે ત્યારે પણ પ્રેમ મન અને આત્મા પર કબજાે મેળવી ચૂક્યો હોય છે એટલે લગ્ન પછી શું થશે તેની કોઈજ ચર્ચા વગર જેમ રવિ અને ડોલીએ પિતા માને કે ન માને આપણે પરણવું જ છે એ નક્કી કરી બેસે છે.

લગ્ન પછી પ્રેમ તો હોય છે પણ સાથે સાથે જિંદગીની સત્ય બાજુ પણ સામે આવે છે. આવા સમયે થોડી મેચ્યોરીટી દેખાડીને અને એકબીજા સાથે શાંત ચિત્તે ચર્ચા કરીને રસ્તો શોધી શકાય છે. જેમ કે જાે ડોલી થોડી મેચ્યોરીટી દેખાડત તો રવિ તેને સમજાવી શક્યો હોત કે તેનો પગાર આટલો છે એટલે મોજશોખ થશે પણ એક લીમીટમાં. પરંતુ ડોલીએ કોઈ તક ન આપી અને રવિ શરૂઆતમાં પ્રેમના બંધનને કારણે બોલી ન શક્યો, છેવટે રવિનું ન બોલવું તેની મંજૂરી હોવાનું માની લેવામાં આવ્યું. જ્યારે રવિના નાક સુધી ડોલીના ખર્ચાઓનું પાણી આવી ગયું ત્યારે તેણે મોઢું ખોલવું પડ્યું જે ડોલીને બિલકુલ પસંદ ન આવ્યું અને છેવટે થયો ઝઘડો.

એવું નથી કે લવ મેરેજ પછી ઝઘડા જ થાય, હા આંકડાઓ એવું જરૂર દેખાડે છે કે ઘણા બધા લવ મેરેજ લગ્નના અમુક વર્ષોમાં જ તૂટી જતા હોય છે. પરંતુ વ્યક્તિગત અનુભવે કહી શકું કે મેં એવા અસંખ્ય લગ્નો જાેયા છે જે ત્રણ-ચાર દશકથી કોઇપણ પ્રકારના દેખીતા પ્રોબ્લેમ વગર સરસ ચાલી રહ્યા છે.એટલે દરેક પ્રેમ લગ્નને એક જ લાકડીએ હાંકવાની અહીં કોઈ વાત નથી, પરંતુ જ્યારે આખું જીવન એકસાથે વિતાવવાના કૉલ આપ્યા હોય તો તેના માટે બંને જણાએ થોડું ઘણું આઘુંપાછું કરીને પણ નાનીમોટી તકલીફ આપતી પળને સાંભળી લેવી જાેઈએ એટલું જ સમજાવાનો પ્રયાસ છે.

જાે પતિ કશું જતું કરશે તો પત્ની સમજશે જ અને જાે પત્ની કશું જતું કરશે તો પતિ પણ જતું કરશે જ તેમાં શંકાને કોઈ જ સ્થાન નથી. પણ પહેલું પગલું કોઈ એક વ્યક્તિએ લેવું પડશે. જાે લગ્ન પહેલાંના પ્રેમને ટકાવી રાખવો હોય કે તેને પોતાના આત્મા સામે સાચો સાબિત કરવો હોય તો આટલું તો કરી જ શકાય, ખરૂ ને?

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution