નડિયાદ : મહેમદાવાદ તાલુકાના વાંઠવાણી ગામે આવેલાં નાગરપુરામાં સગાં પુત્ર દ્વારા સગી જનેતાની લાકડાના ડફણા માથામાં મારીને કરાયેલી હત્યાકેસમાં નવી સનસનીખેજ માહિતી બહાર આવી છે. આ માહિતી મુજબ, સગો પિતા જ પુત્રી સાથે અઢી વર્ષથી જાતીય દુષ્કર્મ ગુજારતો હોવાનો તપાસમાં ઘટસ્ફોટ તથાં ચકચાર મચી ગઈ છે.
સૂત્રોના જણાવ્યાં અનુસાર, વાંઠવાણી ગામે રહેતાં અને લઠ્ઠાકાંડના આરોપી વિનોદ ડગરી વિરુદ્ધ અસલાલી પોલીસ મથકે પ્રોહિબિશનનો ગુનો દાખલ થયો છે. આ ગુનામાં તે છેલ્લાં કેટલાંક સમયથી વોન્ટેડ છે. દરમિયાન રવિવારે બપોરના વિનોદ ડગરીના પુત્ર જીજ્ઞેશે પોતાની સગી માતા સુખીબેન સાથે ઝઘડો કરીને માથામાં લાકડાના ડફણા મારી હત્યા કરી નાખી હતી. માતાની હત્યા કરીને પોલીસ મથકે હાજર થયેલાં જીજ્ઞેશની પીઆઇ એન.ડી. નકુમે પૂછપરછ કરતાં તેણે કેટલીક ચોંકાવનારી માહિતી આપી હતી. આ માહિતીને લઈને પોલીસ પણ અચંબામાં પડી ગઈ હતી. પોલીસ સૂત્રોના જણાવ્યાં અનુસાર, વિદેશી દારૂના ગુનામાં નાશતો ફરતો વિનોદ ડગરી છેલ્લાં અઢી વર્ષથી પોતાની યુવાન પુત્રી ઉપર દુષ્કર્મ ગુજારતો હતો. પિતા વિનોદ પોતાની પુત્રીને એમ જણાવતો હતો કે, મારાં જામીન થતાં નથી, જેથી એક ભૂવાએ કહ્યું છે કે, જાે જામીન મંજૂર કરાવવા હશે તો સગી પુત્રી સાથે શારીરિક સંબંધ બાંધવા પડશે. મારું હિત ઈચ્છતી હોય અને મારાં જામીન કરાવવા હોય તો મારી સાથે સંબંધ રાખ, આવું કહી પુત્રીને ડરાવી ધમકાવીને બ્લેકમેલ કરી જાતિય દુષ્કર્મ ગુજારતો હતો. આ બાબતની જાણ જીજ્ઞેશને થઈ હતી. જીજ્ઞેશે પોતાની માતા સુખીબેનને આવાં નરાધમ પિતા સાથે તમામ પ્રકારનો સંબંધ કાપી નાંખવાનું જણાવ્યું હતંુ.
જાેકે, માતા સુખીબેન પુત્રની વાત માનવા તૈયાર ન હતાં. આ મુદ્દે માતા-પુત્ર સાથે અવાર-નવાર ઝઘડાઓ થતાં હતાં.
દરમિયાન રવિવારે બપોરે આ જ મુદ્દે બંને વચ્ચે ફરી ઝગડો થયો હતો. ઉશ્કેરાયેલાં જીજ્ઞેશે લાકડાનું ડફણું લઈને માતાને માથાના ભાગે ફટકારી દેતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. વાંઠવાણીના હત્યાકેસમાં નવો ખુલાસો થતાં પોલીસ પણ ચોંકી ઊઠી છે. પુત્રીની ફરિયાદને આધારે વિનોદ ઊર્ફે ડગરી ચંદુભાઈ ચૌહાણ વિરુદ્ધ બળાત્કાર અને પોક્સો એક્ટની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. હવે આરોપી વિનોદ ડગરી પકડાયાં બાદ આ કેસમાં બીજી કેટલીક ચોંકાવનારી વિગતો સપાટી પર આવે તેવી શક્યતાઓ છે.