સુરત, સુરત શહેરમાં એક તરફ શિયાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે ત્યારે હજુ પણ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી અને મચ્છરજન્ય બીમારીના કેસો જાેવા મળી રહ્યા છે. જેના કારણે ખરેખર લોકો માટે પણ ચિંતાનો વિષય બની ગયો છે. સુરત શહેરમાં ડેન્ગ્યુની અસર થયા બાદ પાંડેસરામાં ચાર વર્ષના બાળક અને ૨૦ વર્ષની યુવતી તથા અમરોલીમાં તાવ આવ્યા બાદ બે યુવાનના મોત નીપજયા છે. શિયાળાની સિઝનમાં ડેન્ગ્યુથી બે વ્યક્તિનાં મોત થતાં ડેન્ગ્યુની પેટર્ન બદલાઇ છે કે કેમ તે અંગે પણ આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવ્યું છે. રોગચાળાથી ચારનાં મોત થતાં મહાનગર પાલિકાનું તંત્ર દોડતું થઇ ગયું છે. શહેરનાં પાંડેસરામાં ગીતાનગરમાં રહેતા માખણ લાલ નિશાદ ૧૫થી ૨૦ દિવસ પહેલા પરિવાર સાથે વતન ઉત્તર પ્રદેશ અયોધ્યા ખાતે ગયા હતા. ત્યાં તેનો ચાર વર્ષ પુત્ર પ્રિયાંશુ ડેન્ગ્યુની અસર થતા ત્યાં ડોક્ટર પાસે સારવાર કરાવતા સાજાે થયો હતો. બાદમાં ગત તારીખ ૮મીના રોજ માખણલાલ પરિવાર સાથે સુરત ખાતે આવી ગયા હતા. ત્યારબાદ ફરી તેમના પુત્ર પ્રિયાંશુ અને તાવ આવ્યો હતો. જેથી તેનો રીપોર્ટ કરાવતા ડેન્ગ્યુની અસર થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર માટે સિવિલમાં લાવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યો હતો. પ્રિયાંશુંને એક ભાઈ અને એક બહેન છે તેના પિતા કલર કામ કરે છે. બીજા બનાવમાં પાંડેસરામાં ડુંડી ગામમાં આનંદ હોમ્સમાં રહેતી ૨૦ વર્ષીય રીતુ દિનેશ શર્માને છેલ્લા પાંચ છ દિવસથી તાવ આવતો હોવાથી ડોક્ટર પાસે સારવાર કરાવવા ગઈ હતી. જાે કે તેના ડેન્ગ્યુની અસર થઈ હતી. ગત સાંજે તેની તબિયત વધુ લથડતા બેભાન થઈ જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબી હોય તેને મૃત જાહેર કરી હતી. રીતુના પિતા ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ત્રીજા બનાવમાં અમરોલી કોસાડ આવાસમાં રહેતો ૩૫ વર્ષીય સંજય રાવજીભાઈ સોલંકી ને બે દિવસથી તાવ આવતો હતો. સવારે તેની તબિયત વધુ લથડતા બેભાન થઈ ગયો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર માટે ઇમરજન્સી ૧૦૮ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેના મૃત જાહેર કર્યો હતો. જ્યારે તે સુગરની બીમારીથી પણ પીડાતો હતો અને છૂટક મજૂરી કરતો હતો. ચોથા બનાવમાં અમરોલી એસએમસી પ્લોટ પાસે અંજની ઇન્ડસ્ટ્રીમાં કાચ કટીંગ કરવાના કારખાનામાં રહેતો અને ત્યાં જ કામ કરતો ૨૧ વર્ષીય સુહેલ સફિક ઇદ્રીસને બે દિવસથી તાવ આવતો હોવાથી દવા ચાલતી હતી. જાે કે ગત બપોરે ત્યાં અચાનક તબિયત લથડતા બેભાન થઈ ગયો હતો. જાેકે ૧૦૮ ને જાણ કરતાં ત્યાં પહોંચીને સ્ટાફે તેને મૃત જાહેર કર્યો હતો. તે મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે અને તેની બે બહેન પણ છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં હાલમાં ઝાડા, ઉલટી, ડેન્ગ્યુ, મેલેરિયા, તાવ, શરદી, ખાંસી, સહિતની બીમારીમાં લોકો વધુ સપડાઈ રહ્યા છે. જેથી દર્દીઓ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ, સિવિલ અને તથા ખાનગી હોસ્પિટલ અને નજીકના દવાખાનામાં જઈ રહ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.