સોમનાથ,સોમનાથમાં પ્રાચીન સૂર્યમંદિરો હોવાનો ઉલ્લેખ ઇતિહાસમાં છે અને આ મંદિર મુગલો અને ગઝનવી શાસનકાળમાં તોડી પડાયા બાદ તેનું પુનઃનિર્માણ થયુ ન હોવા અંગેનો મેસેજ સાથે જર્જરીત સૂર્યમંદિરની સ્થિતિના ફોટા સોમનાથ નગરપાલિકાના પ્રમુખે પ્રધાનમંત્રીને ટિ્વટ કર્યો હતો. જેના પગલે પીએમઓના આદેશથી ગુજરાત ટુરીઝમની એન્જીનિંયર સાથેની ટીમ સોમનાથ આવી પહોંચી સ્થળનું નિરીક્ષણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે.સોમનાથ મહાદેવ મંદિર નજીકની ભૂમિમાં ૧૨ જેટલા પ્રાચીન સૂર્યમંદિરો પણ આવેલા હોવાનો ઉલ્લેખ છે. હાલ આ સૂર્યમંદિરો જાળવણીના અભાવે જર્જરીત અવસ્થામાં છે. સોમનાથ મંદિરના સાંનિઘ્યે નજીકમાં જ આવેલા એક સૂર્યમંદિરની મુલાકાતે થોડા દિવસ પહેલા સોમનાથ પાલીકાના પ્રમુખ પીયુષભાઇ ફોંક્ડી ગયેલ અને તેમણે મંદિરની જર્જરીત સ્થિતિ નિહાળી ફોટા પાડી એક મેસેજ સાથે પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદીને સૂર્યમંદિરના ફોટા પાંચ દિવસ પૂર્વે ટિ્વટ કર્યા હતા.
આ ટવીટમાં ફોટા સાથે મેસેજમાં પાલિકા પ્રમુખે લખેલ કે, સોમનાથની પ્રભાસક્ષેત્રની તીર્થ ભૂમિમાં અનેક સૂર્ય મંદિરો આવેલા છે તે પૈકીનું એક સૂર્ય મંદિર હિરણ નદીના કાંઠે આવેલા છે. આ ભૂમિમાં આવેલા સૂર્ય મંદિરો મુગલો અને ગઝનવીના સમયગાળા દરમ્યાન તોડી પાડવામાં આવેલ પરંતુ આપણે ફરીથી આ મંદિરોનું પુનઃનિર્માણ કરાવી શકયા નથી. આ મેસેજ પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને ટેગ પણ કર્યો હતો. આ ટિ્વટ મામલે પ્રધાનમંત્રી કાર્યાલય સક્રીય થયુ હતુ.