વડોદરા, તા. ૨૮
વડોદરાના વિકાસને વેગ આપનાર મધ્ય ગુજરાતની સૌથી મોટી આઈટી ટીપી ૨૦૧૫થી સરકારમાં પેન્ડિંગ હતી. લાંબા સમયથી સરકારમાં ઘોચમાં પડેલી આઈટી ટીપીને હવે, આગળ વધારવાનો ર્નિણય વુડા દ્વારા લેવામાં આવ્યો છે. જે અંતર્ગત મધ્ય ગુજરાતની સૌથી મોટી ૧૬૧૯.૪૮ હેક્ટરની ટીપીને હવે, ૨૦૦થી ૨૫૦ હેક્ટરના આઠ ભાગમાં વિભાજીત કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. સમયસર આઇટી ટીપીને મંજૂરી મળી ગઈ હોત તો વડોદરા એજ્યુકેશન હબની સાથે સાથે આઈટી હબ બની ગયું હોત અને રોજગારીની અનેક તકો પણ ઉભી થઇ હોત.
વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળ એટલે કે વુડાની બોર્ડ બેઠક ગત સોમવારે મળી હતી. જેમાં વુડા દ્વારા મધ્ય ગુજરાતની સૌથી મોટી આઇટી ટીપી -૩ને જુદા જુદા આઠ ભાગમાં વિભાજીત કરવાનો ર્નિણય લીધો છે. ૨૦૧૫માં વુડા દ્વારા દુમાડ, દેણા, વિરોદ, કોટાલી, સુખલીપુરા અને આમલીયારા ગામોની ૧૬૧૯.૪૮ હેકટર જમીનમાં આઇટી ટીપી -૩ તૈયાર કરી મંજૂરી માટે રાજ્ય સરકારમાં મોકલવામાં આવી હતી. જે ટીપીમાં ખાસ આઇટી ઝોન ફાળવાયો હતો. જેથી શહેરના વિકાસને નવી દિશા મળી રહે. જાેકે, તે ટીપી મંજૂર કરવા કરતા પહેલા વિશ્વામિત્રી નદી વચ્ચે આવતી હોવાથી તે અંગે જરૂરી કાર્યવાહી કરવા માટે રાજ્ય સરકારના શહેર વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના સચિવ દ્વારા જરૂરી સૂચના આપવામાં આવી હતી. જાેકે, તે સૂચનાનો અમલ થઇ શકે તેમ ન હોવાથી અંતે હવે, વુડા દ્વારા આઈટી ટીપી -૩ને આઠ ભાગમાં વિભાજીત કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.
વુડા દ્વારા લેવામાં આવેલા ર્નિણય અનુસાર ૧૦૨ હેકટરથી ૨૨૭ હેક્ટરમાં સમગ્ર ટીપીને વિભાજીત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૫માં જયારે આઈટી ટીપી સરકારમાં મંજૂરી માટે મોકલવામાં આવી ત્યારે તેમાં બે યુનિવર્સિટીને પણ જગ્યા ફાળવવામાં આવી હતી. જેમાં જીએસએફસી યુનિવર્સિટી અને આઈઆઈઆઈટી, વડોદરાનો સમાવેશ થાય છે. પરંતુ બંનેને
ફાળવવામાં આવેલી જગ્યા સુધી જવા માટે એપ્રોચ રોડ ન હોવાથી બંને યુનિ. હાલ અલગ જગ્યાએ ચાલી રહી છે. જેમાં જીએસએફસી યુનિ. જીએસએફસીના કેમ્પસમાં જયારે આઈઆઈઆઈટી, વડોદરા ગાંધીનગર ખાતે ચાલી રહી છે.
શું હતો આઇટી ટીપી-૩નો વિવાદ?
વુડા દ્વારા ૨૦૧૫માં આઇટી ટીપ તૈયાર કરવામાં આવી ત્યારે શહેરના કેટલાક બિલ્ડરો દ્વારા દેણા અને દુમાડના અંતરિયાળ વિસ્તારની જમીન ખરીદી તેને નેશનલ હાઇવે નજીક લઇ આવવામાં આવી હતી. તે સમયે જમીનને પગ આવતા જમીનો ૨થી ૩ કિલોમીટર ચાલીને નેશનલ હાઇવે નજીકે આવી જતા ભારે વિવાદ થયો હતો. જે સરકારને પણ ધ્યાને આવ્યો હતો. ૧૬૧૯.૪૮ હેક્ટરની ટીપીમાં આઇટીના બલ્ક રિઝર્વેશનના લઈને થયેલા વિવાદમાં સરકાર દ્વારા અનેક સુધારા પણ સૂચવવામાં આવ્યા હતા.
સરકારના ટીપી વિભાગનું ગાંડપણ વિશ્વામિત્રીને રિએલાઈન કરવા સૂચના
આઇટી ટીપી-૩ તૈયાર કરી સરકારમાં મંજૂરી માટે મોકલવામાં આવી ત્યારે સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા પત્ર લખીને ટીપી વિસ્તારમથી પસાર થતી વિશ્વામિત્રી નદી ને સર્પાકાર છે તેને જળસંપત્તિ વિભાગ સાથે સંપર્કમાં રહીને રી એલાઇમેન્ટ એટલે કે સીધી કરવાનો આદેશ કરાયો હતો. જયારે બીજી તરફ નેશનલ ગ્રીન ટ્રિબ્યુલન દ્વારા પાણીના કુદરતી પ્રવાહ સાથે છેડછાડ ન કરવા આદેશ કરાયો છે. તેમ છતાં સરકારના ટીપી વિભાગ દ્વારા વિશ્વામિત્રી નદીના વહેણને બદલીને શહેરમાં પૂરના સંકટને આમંત્રણ આપી શહેરીજનોની સલામતી જાેખમમાં મુકવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. જેના પગલે સમગ્ર ટીપી સ્કીમ ઘોચમાં પડી હતી.
૨૦૧૫માં અનેક આઇટી કંપની રોકાણ કરવા તૈયાર હતી
૨૦૧૫માં મુસદ્દારૂપ આઈટી ટીપી - ૩ સરકારમાં મોકલવામાં આવે ત્યારે સમય મર્યાદામાં તેને મંજૂરી મળી ગઈ હોત તો આજે વડોદરા એજ્યુકેશન હબની સાથે સાથે આઇટી હબ પણ બની ગયું હોત. બેગ્લોરની અનેક કંપની દ્વારા વડોદરામાં રોકાણની તૈયારીઓ પણ કરી દેવામાં આવી હતી. જેનાથી વડોદરાની એમ એસ યુનિવર્સિટી સહિત આસપાસના એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નોકરી મેળવવા બેગ્લોર જવાની નોબત જ ન આવતી. જાેકે, હવે, આઇટી ટીપી-૩ને આઠ ભાગમાં વિભાજીત કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે જે જાેતા સમયસર મંજૂરી આપવામાં આવે તો વડોદરાના વિકાસને એક નવી ગતિ અને દિશા જરૂર મળશે.
આઇટી ટીપી-૩ને કયા આઠ ભાગમાં વિભાજિત કરાઈ ?
સૂચિત મુસદ્દારૂપ નગર રચના યોજના ક્ષેત્રફળ (હેકટર)
- સુ.મુ.ન.ર.યો.નં. ૦૩/૧ (દુમાડ) ૧૭૯
- સુ.મુ.ન.ર.યો.નં. ૦૩/૨ (દુમાડ) ૨૦૫
- સુ.મુ.ન.ર.યો.નં. ૦૩/૩ (દેણા) ૨૦૨
- સુ.મુ.ન.ર.યો.નં. ૦૩/૪ (દેણા) ૨૨૭
- સુ.મુ.ન.ર.યો.નં. ૦૩/૫ (વિરોદ) ૧૬૫
- સુ.મુ.ન.ર.યો.નં. ૦૩/૬ (સુખલીપુરા) ૧૪૯
- સુ.મુ.ન.ર.યો.નં. ૦૩/૭ (સુખલીપુરા) ૧૦૨
- સુ.મુ.ન.ર.યો.નં. ૦૩/૮ (કોટાલી-આમલીયારા) ૨૧૦