કોરોના કાળમાં દુનિયામાં સોનાની માંગ ઘટી,પરંતુ ભારતમાં વધી

નવી દિલ્હી

દુનિયામા સોનાની માગમાં ઘટાડો થયો છે, પણ ભારતમાં સોનાની માંગ જાન્યુઆરી- માર્ચ 2021ના ત્રિમાસિક ગાળામાં ગયા વર્ષના આ ગાળાની સરખામણીએ 37 ટકા જેટલી વધીને 140 ટન પર પહોંચી ગઇ છે. આ સમયગાળામાં કોવિડ 19ના પગલાંથી મળેલી રાહત અને સોનાના ભાવ ઘટવાને કારણે માગમાં ઉછાળો જોવા મળ્યો. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલ (WGC)એ વાત ગુરુવારે કરી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલે જાહેર કરેલા આંકડા મુજબ વર્ષ 2020મા પ્રથમ ત્રિમાસિક ગાળા (જાન્યુ.-માર્ચ)માં સોનાની માગ 102 ટન હતી.

મૂલ્યના હિસાબે જોઇએ તો સોનાની માગ 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 57 ટકા જેટલી વધીને 58,800 કરોડ રૂપિયા સુધી પહોંચી છે જે ગયા વર્ષે 2020ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 37,580 કરોડ રૂપિયા હતી.જાન્યુ- માર્ચ 2021માં સોનાના ઘરેણાંની માગ 39 ટકા વધીને 102.50 ટન પર પહોંચી છે, જે ગયા વર્ષે આ સમયગાળામાં 73.9 ટકા હતી.

ઘરેણાંના મૂલ્યની વાત કરીએ તો ઘરેણાંની માગ 59 ટકા વધીને 43,100 કરોડ પર પહોંચી છે જે ગયા વર્ષે આ સમયગાળામાં 27.230 કરોડ રૂપિયા હતી.

જાન્યુ- માર્ચ 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સોનામાં રોકાણની ડિમાન્ડ 34 ટકા વધીને 37.5 ટકા થઇ ગઇ છે, જે ગયા વર્ષે આ સમયગાળામાં 28.1 ટન હતી. સોનામાં ઇન્વેસ્ટમેન્ટના મૂલ્યની વાત કરીએ તો ગયા વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાની સરખામણીએ 53 ટકા વધીને 15,780 કરોડ રૂપિયા થઇ છે, જે ગયા વર્ષે આ સમયગાળામાં 10.350 કરોડ રૂપિયા હતી.

જાન્યુઆરી- માર્ચ 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળામા વૈશ્વિક માગ 23 ટકા ઘટીને 815.7 ટન રહી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલના અહેવાલમાં જણાવ્યા મુજબ ગોલ્ડ ઇટીએફમાં રોકાણ હળવું થવાને કારણે અને સેન્ટ્રલ બેંક દ્રારા સોનાની ખરીદી ઓછી થવાને કારણે વૈશ્વિક સ્તરે સોનાની માગ ઘટી છે. જાન્યુઆરી -માર્ચ2020માં વૈશ્વિક સ્તરે સોનાની માગ 1059.9 ટન રહી હતી.

વૈશ્વિક સ્તરે સોનાના રોકાણની વાત કરીએ તો જાન્યુઆરી- માર્ચ 2021માં સોનામાં રોકાણની માંગમાં 71 ટકા જેટલું મસમોટું ગાબડું પડયું છે. 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સોનામા ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ 161.6 ટન રહી જે ગયા વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાલામાં 549.6 ટન હતી.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution