ભારત અને રશિયાના ગાઢ બની રહેલા સંબંધોથી અમેરિકાના પેટમાં તેલ રેડાયું

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના એક વરિષ્ઠ અધિકારીએ ભારતને ચેતવણી આપી છે કે રશિયા સાથે લાંબા ગાળાના, વિશ્વસનીય ભાગીદાર તરીકે સંબંધો વિકસાવવા એ સારી વાત નથી. ભારત-ચીન સંઘર્ષમાં રશિયા ભારતને બદલે ચીનનો પક્ષ લેશે. વોશિંગ્ટન રશિયા સાથે ભારતના સંબંધો પર સતત નિવેદનો આપી રહ્યું છે. રશિયા સાથે ભારતના ગાઢ બની રહેલા સંબંધોથી અમેરિકા ખૂબ જ ચિંતિત છે.

 યુએસ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની મોસ્કો મુલાકાત અંગેના પ્રશ્નોના જવાબમાં આ ટિપ્પણી કરી હતી.

સુલિવન ગયા મહિને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે મુલાકાત માટે ભારતની મુલાકાતે આવ્યા હતાં. સુલિવને કહ્યું, “અમે ભારત સહિત વિશ્વના દરેક દેશને સ્પષ્ટ કહી દીધું છે કે લાંબા ગાળાના, વિશ્વસનીય ભાગીદાર તરીકે રશિયા પર દાવ લગાવવો એ સારો નિર્ણય નથી.” સુલિવાને કહ્યું કે “રશિયા ચીનની નજીક આવી રહ્યું છે. હકીકતમાં, તે ચીનનું જુનિયર પાર્ટનર બની રહ્યું છે. અને જ્યારે પણ સ્ટેન્ડ લેવાની વાત આવે છે, ત્યારે રશિયા ભારતને બદલે ચીનનો પક્ષ લેશે. વડાપ્રધાન મોદીને અલબત્ત, તાજેતરના વર્ષોમાં ભારત સામેની ચીની આક્રમણની ઊંડી સમજણ હશે.” જાેકે સુલિવને સ્વીકાર્યું કે ભારત જેવા દેશોના રશિયા સાથે ઐતિહાસિક સંબંધો છે અને આ રાતોરાત નાટકીય રીતે બદલાવાના નથી. આ એક લાંબી રમત છે. યુનાઇટેડ સ્ટેટ્‌સ ભારત જેવા દેશો સહિત વિશ્વભરના લોકશાહી ભાગીદારો અને સહયોગીઓમાં રોકાણ કરી રહ્યું છે, અને અમને લાગે છે કે આપણે આગળ વધીશું તેમ તેનું વળતર મળશે, તેમણે કહ્યું. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સુલિવનની આ ટિપ્પણી પહેલા પેન્ટાગોન, વ્હાઇટ હાઉસ અને સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ રશિયા સાથે ભારતના સંબંધો અને આ જ મુદ્દે મોદીની મોસ્કો મુલાકાત પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી હતી. એટલે કે મોદીના રશિયા પ્રવાસ પર અમેરિકાના ઉચ્ચ સ્તરેથી આ ત્રીજી ટિપ્પણી છે. વડાપ્રધાન મોદી ૨૨મી ભારત-રશિયા વાર્ષિક સમિટ માટે બે દિવસ માટે રશિયામાં હતાં. યુક્રેન-રશિયા યુદ્ધના કારણે પશ્ચિમી દેશો આ મુલાકાત પર ચાંપતી નજર રાખી રહ્યાં હતાં. મંગળવારે પુતિન સાથેની વાતચીત દરમિયાન વડા પ્રધાન મોદીએ રશિયન રાષ્ટ્રપતિને કહ્યું હતું કે યુક્રેન સંઘર્ષનો ઉકેલ યુદ્ધના મેદાનમાં શક્ય નથી અને બોમ્બ અને ગોળીઓ વચ્ચે શાંતિના પ્રયાસો સફળ થતા નથી. ભારત રશિયા સાથે તેની વિશેષ અને વ્યૂહાત્મક ભાગીદારીનો મજબૂત બચાવ કરી રહ્યું છે અને યુક્રેન સંઘર્ષ છતાં તેના સંબંધોમાં ગતિ જાળવી રાખી છે. ૨૦૨૨માં યુક્રેન પર રશિયાના આક્રમણની ભારતે હજુ સુધી નિંદા કરી નથી અને વાતચીત અને મુત્સદ્દીગીરી દ્વારા સંઘર્ષના ઉકેલની સતત હિમાયત કરી છે. રશિયાએ ભારતને સસ્તું તેલ આપીને અને શસ્ત્રોની સપ્લાય કરીને સંબંધોને મજબૂત કરવાનો પ્રયાસ પણ કર્યો છે.

ભારત અને રશિયાના સંબંધો સમયની એરણ પર નિવડેલા છે. સ્વતંત્ર ભારતની પહેલી સરકારના સમયથી રશિયા ભારતની પડખે ઉભું રહ્યું છે. જ્યારે અમેરિકા સાથેના ભારતના સંબંધો પ્રમાણમાં નવા વિકસેલા સંબંધો છે. અમેરિકા પણ આ વાત સમજે છે અને તે ભારતના વૈશ્વિક રાજકારણમાં મહત્વ અને તેના શક્તિશાળી સ્થાનને પણ સારી રીતે સમજી રહ્યું છે. તેથી તે ભારતને રશિયાથી દુર રાખી પોતાની તરફેણમાં લાવવા કોશીશ કરે છે. જાેકે ભારત મુત્સદ્દીભરી રીતે કોઈ પણ એક દેશ કે જુથ સાથે નહીં, પરંતુ તમામ સાથે સારા સંબંધો વિકસાવી વૈશ્વિક હિતને અગ્રેસર રાખવાના વલણમાં સફળતાપુર્વક અડીખમ રહ્યું છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution