સુરત-
સુરતના ટેકસટાઇલ ઉધોગ ગુજરાતની આર્થિક કરોડરજ્જુ માનવામાં આવે છે. આ ઉધોગ લાખો લોકોને રોજગારી પુરી પાડે છે. પરંતુ છેલ્લા દોઢ વર્ષથી કોરોનાના કારણે આ ઉધોગની રોનકને ગ્રહણ લાગ્યું છે. કોરોનાની પહેલી લહેરમાં દેશમાં લાગેલા સંપૂર્ણ લોકડાઉનની અસરથી હજી આ ઉધોગ બહાર આવી શક્યો નથી. ત્યારે આ સેકન્ડ વેવમાં પણ મીની લોકડાઉનના કારણે ઉધોગ પર પડતા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે.
શહેરમાં કોરોનાના કેસો વધતા ટેકસટાઇલ ઉધોગ આગામી તારીખ 17 મે સુધી માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની મોટી અસર માર્કેટના વેપાર પર જોવા મળશે તે નક્કી છે. પહેલાથી મંદીનો માર સહન કરી રહેલા વેપારીઓને આ મીની લોકડાઉન મોટી અસર કરશે. કોરોનાને કારણે લાગેલા મીની લોકડાઉનની સ્થિતિમાં 12 થી 15 હજાર કરોડના પેમેન્ટ અટવાયા છે. સુરતના ટેકસટાઇલ માર્કેટની વાર્ષિક ટર્ન ઓવર 50 હજાર કરોડથી વધુનું છે. પણ કોરોનાની અસરના કારણે તેના પર પણ મોટી અસર આવી છે. આવી પરિસ્થિતિ જો લાંબો સમય રહી તો માર્કેટના વેપારીઓ અને કારીગરોને બેકાર થઈને કાયમી ઘરે બેસવાનો વારો આવશે.