દિલ્હી-
આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે નાગોર્નો-કારાબાખ વચ્ચે ચાલી રહેલી લડાઇમાં મૃત લોકોની સંખ્યા 600ને પાર થઈ ગઈ છે. રશિયાની આગેવાની હેઠળ યુદ્ધવિરામની ઘોષણા છતાં બંને દેશોની લડાઇમાં સૈનિકો અને નાગરિકો મૃત્યુ પામ્યા છે. નાગોર્નો-કારાબખનાં લશ્કરી અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમના 16 લશ્કરી જવાનો યુદ્ધમાં મૃત્યુ પામ્યા હતા. આ સાથે, 27 સપ્ટેમ્બરથી શરૂ થયેલી લડાઇમાં 532 સૈનિકોનાં મોત નિપજ્યાં છે. અઝરબૈજાનને તેની સેનાને થયેલા નુકસાન વિશે માહિતી આપી નથી, પરંતુ બંને પક્ષો દ્વારા કરવામાં આવતા દાવાઓને જાેતાં કુલ જાનહાનિની સંખ્યા ઘણી વધારે હોવાની આશંકા છે. અઝરબૈજાન કહ્યું કે બે અઠવાડિયાની લડાઇમાં તેના ૪૨ સામાન્ય નાગરિકો માર્યા ગયા છે. નાગોર્નો-કારાબાખના માનવાધિકાર લોકપાલ અર્તક બેલારયાને સોમવારે મોડી રાત્રે કહ્યું કે અઝરબૈજાનથી અલગ થયેલાં આ વિસ્તારમાં ઓછામાં ઓછા 31 સામાન્ય નાગરિકો મૃત્યુ પામ્યા છે અને સેંકડો અન્ય ઘાયલ થયા છે.
રશિયાની મધ્યસ્થી બાદ શાંતિ કરાર છતાં બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલુ છે. કરાર દરમિયાન રશિયના સર્ગેઈ લાવરોવે જણાવ્યું હતું કે કેદીઓ અને અન્ય કબજે કરાયેલા લોકોની આપ-લેના માનવી ઉદ્દેશની સાથે સૈનિકોના મૃતદેહોની આપ-લે પર સંમતિ સાથે યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી છે. દસ્તાવેજમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અઝરબૈજાન અને આર્મેનિયા નાગોર્નો-કારાબાખમાં શાંતિની પુનઃસ્થાપના અંગે ઓએસસીઇ મિંસ્ક જૂથના પ્રતિનિધિઓની મધ્યસ્થી સાથે વ્યવહારિક વાટાઘાટો શરૂ કરવા સંમત થયા છે.
બંને દેશો 4400 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા નાગોર્નો-કારાબખ નામના ભાગ પર કબજાે કરવા માગે છે. નાગોર્નો-કારાબખ ક્ષેત્ર આંતરરાષ્ટ્રીય સ્તરે અઝરબૈજાનનો ભાગ છે પરંતુ આર્મેનિયાના વંશીય જૂથો દ્વારા કબજાે કરવામાં આવ્યો છે. ૧૯૯૧માં આ પ્રદેશના લોકોએ પોતાને અઝરબૈજાનથી સ્વતંત્ર જાહેર કરી અને આર્મેનિયાનો ભાગ જાહેર કર્યો હતો. અઝરબૈજાનને તેની કાર્યવાહીને સંપૂર્ણપણે નકારી કાઢી હતી. ત્યારબાદ અમુક અંતરાલ પર બંને દેશો વચ્ચે વારંવાર તકરાર થતી રહે છે.