૧૧ સપ્ટેમ્બરની તારીખ વિશ્વને બદલી નાંખનારી બે ઘટનાઓની સાક્ષી


૧૧ સપ્ટેમ્બરની તારીખ વિશ્વને બદલી નાંખનારી બે ઘટનાઓની સાક્ષી છે. આ તારીખે બે અલગ અલગ વિચારધારાનો અનુભવ દુનિયાને થયો હતો. વર્ષ ૧૮૯૩માં શિકાગોની વિશ્વ સર્વ ધર્મ સંસદમાં વિચારકો તેમના વિચાર વ્યક્ત કરી રહ્યા હતા. દરેક ધર્માચાર્યએ વક્તવ્યમાં પોતાના ઈશ્વરની વાત કરી. ત્યારે સ્વામી વિવેકાનંદે પોતાના વક્તવ્યમાં સૌના ઈશ્વરની વાત કરી. સ્વામી વિવેકાનંદે ભારતીય વેદાંતના સિદ્ધાંતોને તર્કબદ્ધ રીતે દુનિયા સમક્ષ મુક્યા. હિંદુ ધર્મની ફિલોસોફી અને તત્વજ્ઞાનના ઊંડાણ અંગે વૈશ્વિક મંચ ઉપરથી સ્વામીજીનો મક્કમ અવાજ ગુંજ્યો હતો. સ્વામી વિવેકાનંદનું ભાષણ પૂરું થયું તે બાદ ત્યાં મોજુદ અન્ય ધર્માચાર્યોમાં સન્નાટો વ્યાપી ગયો. સ્વામી વિવેકાનંદના વક્તવ્ય પછી આગળ શું બોલવું તે નક્કી કરવું તેમની બાદના વક્તાઓ માટે મુશ્કેલ બની ગયું હતું. વર્ષ ૧૮૯૩ની તે તારીખ હતી ૧૧ સપ્ટેમ્બર.
અમરિકાના શિકાગોમાં ૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩ના દિવસે સ્વામી વિવેકાનંદે કદાચ ૧૦૮ વર્ષ પછી થનારા આતંકવાદી હુમલાને ભાખી લીધો હશે. તારીખ ૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૧ના રોજ અલ કાયદા દ્વારા અમેરિકા ઉપર સૌથી મોટો આતંકવાદી હુમલો કરાયો હતો. જેમાં ત્રણ હજાર નિર્દોષોના મોત થયા હતા; શિકાગોમાં સ્વામી વિવેકાનંદના વિશ્વ સર્વ ધર્મ પરિષદના ઉદઘાટનમાં બોલાયેલા શબ્દો સાક્ષી છે. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે ‘પંથવાદ, ધર્માંધતા અને તેમાંથી પેદા થતાં ભયંકર ધર્મઝનૂને આ સુંદર જગતને હિંસાથી ભરી દીધું છે. આ ધરતીને માનવ લોહીથી વારંવાર રંગી નાખી છે. માનવ સંસ્કૃતિઓનો નાશ કર્યો છે અને પ્રજાને નિરાશ કરી છે. સ્વામી વિવેકાનંદે વિશ્વ સર્વ ધર્મ સંસદના ઘંટારવને યાદ કરીને કહ્યું હતું કે આજે સવારે આ સભાના સ્વાગતમાં જે ઘંટારવ થયો હતો તે એક જ લક્ષ્ય તરફ જતાં જુદાંજુદાં માનવીઓ વચ્ચે રહેલી સંકુચિત વૃતિઓનો, તમામ ઝનૂનવાદો અને તલવારથી થતાં ત્રાસનો મૃત્યુ ઘંટ હશે તેવી હું આશા રાખું છું.’
૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૧ના વિશ્વની સૌથી મોટી આતંકવાદી ઘટના થઇ. જે માનવ ઈતિહાસમાં ૯/૧૧ની ઘટના તરીકે ઓળખાય છે. જયારે તેના બરાબર ૧૦૮ વર્ષ અગાઉ ૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩માં શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં ભારતના એક ભગવા વસ્ત્રધારી સંન્યાસીએ ભારતીય ફિલોસોફી અને હિંદુ ધર્મના તત્વજ્ઞાનની વાત કરી હતી. સ્વામીજીએ અમેરિકા ઉપર વિજય મેળ્યો હતો, કોઈ યુદ્ધ કે હિંસા અથવા બળજબરી વગરનો તે વિજય હતો. 'વસુધૈવ કુટુંમ્બકમ્‌’નો વિચાર પ્રેમ, સમજણ અને જ્ઞાન દ્વારા જનમાનસના આત્મા સુધી પહોંચાડી હૃદય ઉપરનો તે વિજય હતો. ભારતમાં ઉદ્‌ભવેલા અને વિશ્વમાં અનેક સ્વરૂપે પ્રસરેલા સનાતન હિંદુ ધર્મની ધ્વજ પતાકા પોતાના ઓજસ્વી ભાષણથી સ્વામી વિવેકાનંદે ફરકાવી હતી.
તે પણ અમેરિકા પર એક હુમલો હતો, પરંતુ આ હુમલો અમેરિકાના જ્ઞાનના અભિમાન ઉપર હતો. આ આધ્યાત્મિક હુમલામાં એક પણ વ્યક્તિ શારીરિક કે માનસિક રીતે ઘવાઈ નહતી કે મૃત્યુ પામી ન હતી. પરંતુ ત્યાં મોજુદ ધર્મ જ્ઞાનીઓએ અને વિશ્વએ હિંદુ ધર્મ ચિંતન અને તત્વજ્ઞાન સમક્ષ નતમસ્તક થવું પડ્યું હતું. વર્ષ ૧૮૯૩ના શિકાગોમાં થયેલા ૯/૧૧માં સ્વામી વિવેકાનંદ હીરો હતા. જેમને આજે પણ આદરથી નમન કરવામાં આવે છે.
વિશ્વ સર્વ ધર્મ સંસદમાં સ્વામી વિવેકાનંદે કહેલી વાતને જાે માનવ સમાજે યાદ રાખી હોત તો કદાચ વર્ષ ૨૦૧૧ના ૯/૧૧નો ભીષણ આતંકવાદી હુમલાની ઘટના બની ન હોત. અલગ અલગ માન્યતાઓ અને ધર્મો વચ્ચે સંવાદની પ્રક્રિયા થઇ શકી હોત. આતંકવાદીઓના જથ્થા તૈયાર કરનારા અલ કાયદાનું અસ્તિત્વ જ ન હોત. વિશ્વધર્મ સંવાદથી કદાચ ધર્મના નામે ચાલતો આતંકવાદ કે કટ્ટરવાદ નિર્મૂળ કરી શકાયો હોત. ઓસામ બિન લાદેન અને તેના અનુયાયીઓની કટ્ટર વિચારધારાને જન્મતા પહેલા જ વિશ્વમાંથી રૂખસદ આપી દેવાઈ હોત.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution