અસંગઠીત ક્ષેત્રમાં કામદારોની હાલની સંખ્યા કોરોના પહેલાના સમય કરતા પણ ઓછી


મુંબઈ,તા.૧૬

 એપ્રિલ ૨૦૨૧થી માર્ચ ૨૦૨૨ના કોરોનાની મહામારી દરમિયાન અસંગઠીત કામદારોની સંખ્યામાં થયેલા ઘટાડા બાદ ઓકટોબર ૨૦૨૨થી સપ્ટેમ્બર ૨૦૨૩ દરમિયાન અસંગઠીત ક્ષેત્રમાં ૧.૧૭ કરોડ કામદારોનો ઉમેરો થવા છતાં અસંગઠીત ક્ષેત્રમાં ૧૦.૯૬ કરોડ કામદારોની હાલની સંખ્યા કોરોના પહેલાના સમયગાળા કરતા પણ ઓછી હોવાનું પ્રાપ્ત આંકડા જણાવે છે. ગુડસ એન્ડ સર્વિસીસ ટેકસ (જીએસટી) લાગુ થવાને કારણે તથા નોટબંધીની અસંગઠીત વેપાર ગૃહો પર મોટી અસર થવાથી આ ક્ષેત્રમાં કામદારોની સંખ્યામાં ઘટાડો જાેવા મળ્યો છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (એનએસઓ) દ્વારા જારી કરાયેલા રિપોર્ટમાં આ હકીકત સામે આવી છે. એનએસઓ દ્વારા જુલાઈ ૨૦૧૫થી જૂન ૨૦૧૬ના જારી કરાયેલા સર્વે રિપોર્ટમાં અસંગઠીત ક્ષેત્રમાં કામદારોની સંખ્યા ૧૧.૧૩ કરોડ જાેવા મળી હતી. જાે કે ૨૦૧૬થી ૨૦૨૩ના ગાળા દરમિયાન દેશમાં અવિધિસરના વ્યવસાયીકોની સંખ્યામાં વીસ લાખનો ઉમેરો થઈને તે કુલ ૬.૫૦ કરોડ પર પહોંચી ગયા હતા. અવિધિસરના વ્યવસાયીકો એટલે એવા વેપાર એકમો જેની કાનૂની રીતે કોઈ રચના કરવામાં આવી ન હોય. આ વેપાર એકમોમાં સામાન્ય રીતે અસંગઠીત રીતે વેપાર કરતા નાના વ્યવસાયીકોનો સમાવેશ થાય છે. નોટબંધી તથા જીએસટી જેવા પગલાંઓની સૌથી વધુ અસર અસંગઠીત ક્ષેત્રના વ્યવસાયીકોને થયાનું સર્વે રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. નોટબંધી તથા જીએસટી લાગુ કરાયા નહોત તો દેશમાં અસંગઠીત વેપાર એકમોની સંખ્યા આજે ૭.૫૦ કરોડ આસપાસ પહોંચી ગઈ હોત તેવો પણ રિપોર્ટમાં અંદાજ મુકાયો છે. આમ એક કરોડ એકમોનો ઉમેરો થઈ શકયો નથી. એક એકમમાં સાધારણ રીતે બેથી ત્રણ જણાને રોજગાર મળી જતો હોય છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution