દિલ્હી-
કોરોના વાયરસે દિલ્હી સહિત દેશભરમાં હાહાકાર મચાવ્યો છે. આ દરમિયાન અરવિંદ કેજરીવાલ સરકારે કોરોનાનું સંક્રમણ ઘટાડવા માટે અનેક કડક પગલાં લીધા છે. જેમાં ફરજિયાત માસ્કનો પણ સમાવેશ થાય છે. આ દરમિયાન દિલ્હીના દરિયાગંજ વિસ્તારનો એક વીડિયો વાયરલ થયો છે. અહીં પોલીસકર્મીઓએ એક મહિલા અને તેના પતિને માસ્ક ન પહેરવા બદલ રોકયા હતા. આ દરમિયાન બંનેએ પોલીસ સાથે ગેરવર્તન કર્યું હતું. જે બાદમાં બંનેની ધરપકડ કરી લેવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં પતિ અને પત્ની પોલીસકર્મચારી સાથે ગેરવર્તન કરતા જોવા મળે છે.
પોલીસે મધ્ય દિલ્હીના પટેલ નગર નિવાસી પંકજ અને તેની પત્ની આભા યાદવ સામે ફરિયાદ દાખલ કરી છે. દિલ્હીમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસ વધી રહ્યા છે. આ કારણે જ અહીં નાઇટ કર્ફયુની સાથે સાથે વીકેન્ડ કર્ફયૂ પણ લગાવવામાં આવ્યો છે.પોલીસના જણાવ્યા પ્રમાણે બનાવ સાંજે સાડા ચાર વાગ્યાનો છે. કારમાં જઈ રહેલા એક યુગલને પોલીસે માસ્ક નહીં પહેરવા બદલ અટકાવ્યું હતું અને માસ્ક ન પહેરવાનું કારણ પૂછ્યું હતું. પોલીસે કારણ પૂછથા જ મહિલા પોલીકર્મીઓ સાથે ગેરવર્તન કરવા લાગી હતી અને કહેવા લાગી હતી કે તેણી દંડ નહીં ભરે. આ દરમિયાન મહિલાએ ધમકી આપતા કહ્યું કે, 'મારો બાપ પણ પોલીસમાં છે અને તે એસઆઈ છે. આવી ગયા માસ્કના નામે દંડ માંગનારા ભિખારીઓ...'
પોલીસે માસ્ક ન પહેરવાનું કારણ પૂછ્યું ત્યારે મહિલા તાડુકતા બોલી હતી કે, 'હું તો આને કિસ કરીશ. રોકી શકો તો રોકી લો.' આ અંગે મળતી માહિતી પ્રમાણે આ યુગલ પાસે કર્ફયૂ પાસ ન હતો અને તેઓએ માસ્ક પણ પહેર્યું ન હતું. મહિલાએ પોલીસ સાથે ગેરવર્તન કરતા કહ્યું હતું કે, કોરોના જેવું કંઈ જ નથી. કારણ વગર લોકોને પરેશાન કરવામાં આવી રહ્યા છે. આ અંગે પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, પોલીસ સાથે ઝઘડો કરવાના આરોપમાં યુગલને દરિયાગંજ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યું હતું, જે બાદમાં બંનેની ધરપકડ કરી લેવામાં આવી હતી.