વડોદરા, તા. ૨૫
કારેલીબાગ વિસ્તારમાં વીઆઈપી રોડ પર આવેલા મકાનના માલિકોએ તેમનું મકાન બેંક ઓફ બરોડામાં તારણ પર મુકી તેની પર જંગી રકમની લોન મેળવી હતી. આ લોનની સમયસર ભરપાઈ નહી થતા બેંક ઓફ બરોડાએ ઉક્ત મિલકતને પાંચ વર્ષ અગાઉ સીલ મારી તેનો કબજાે બેંક ઓફ બરોડાને સોંપ્યો હતો. જાેકે આ મિલકતના માલિક દંપતીએ બેંકે મારેલુ સીલ તોડી બેંકવાળી મિલકતમાં ગેરકાયદે પ્રવેશ કરી તેનો ઉપયોગ શરૂ કર્યો હોવાની જાણ થતાં બેંક સત્તાધીશોએ મકાનમાલિક દંપતી વિરુધ્ધ કારેલીબાગ પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. અટલાદરના વિક્રમા ડુપ્લેક્સમાં રહેતા નિતેશ શર્મા હાલમાં સયાજીગંજ વિસ્તારના સુરજપ્લાઝામાં આવેલી બેંક ઓફ બરોડા શાખામાં ગત સપ્ટેમ્બર માસથી ચીફ મેનેજર તરીકે ફરજ બજાવે છે તેમજ ગ્રાહકો પાસેથી લોનની રકમની રિકવરીનું કામ કરે છે. કારેલીબાગ વિસ્તારમાં વીઆઈપી રોડ પર શ્રીપાદનગર સોસાયટીમાં સી-૯ નંબરના માલિકો રાજેશભાઈ રણછોડભાઈ પટેલ અને તેમના પત્ની ચંપાબેન રણછોડભાઈ પટેલે તેમની ઉક્ત મિલકતને બેંક ઓફ બરોડાની રાવપુરાની બ્રાન્ચમાં તારણમાં મુકી તેની પર લોન મેળવી હતી. જાેકે ત્યારબાદ લોનની સમયસર ભરપાઈ નહી થવાના કારણે બેંક ઓફ બરોડા દ્વારા ગત ફેબ્રુઆરી ૨૦૧૭માં સિક્યુટરાઈઝેશન એન્ડ રિકન્ટ્રકશન ઓફ ફાયનાન્શીયલ એસેટ એન્ડ ઈન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરીટી ઈન્ટરેસ્ટ એક્ટ હેઠળ લોન રિકવરી માટે કાર્યવાહી કરાઈ હતી અને તેના અનુસંધાણમાં ઉક્ત મિલકતનું મામલતદાર અને કારેલીબાગ પોલીસની ની હાજરમાં પંચક્યાસ કર્યા બાદ તેને સીલ મારવામાં આવ્યું હતું અને ઉક્ત મિલકતનો કબજાે બેંક અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો.
જાેકે બેંક તારણવાળી મિલકતને સીલ હોવા છતાં ઉક્ત દંપતી અને અન્ય લોકોએ બેંક ઓફ બરોડાના કબજાવાળી ઉક્ત મિલકતનું ગત ૮-૯-૨૦૧૭ના રોજ ગેરકાયદે સીલ તોડી નાખી તેમાં ગેરકાયદે પ્રવેશ કરીને ચોરીનો પ્રયાસ કર્યો હતો. આ બાબતની બેંક સત્તાધીશોને જાણ થતા તેઓએ ગત નવેમ્બર-૨૦૧૭માં કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા માટે અરજી કરી હતી. આ અરજી સંદર્ભે મામલતદાર દ્વારા બેંક ઓફ બરોડાને સોંપાયેલી તારણવાળી મિલકતનું સીલ તોડી તેનો ગેરકાયદે ઉપયોગ કરતા મકાનમાલિક દંપતી રાજેશ રણછોડભાઈ પટેલ અને ચંપાબેન રણછોડભાઈ પટેલ (સી-૯, શ્રીપાદનગર, વીઆઈપીરોડ) વિરુધ્ધ કારેલીબાગ પોલીસે લેન્ડ ગ્રેબીંગ એક્ટ ગુનો નોંધ્યો હતો. આ બનાવની એચ ડિવિઝનના એસીપી એચ.જી. બાંભણીયાએ વધુ તપાસ હાથ ધરી છે.