આણંદ, આણંદમાં દેશનું પ્રથમ સહકારી વિશ્વવિદ્યાલય સ્થાપવાના માર્ગ મોકળા થયા છે. બુધવારે લોકસભામાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટી બિલ-૨૦૨૫ને મંજૂરી મળી છે. આ યુનિવર્સિટી દેશભરની સહકારી મંડળીઓ માટે કુશળ માનવબળ તૈયાર કરશે. યુનિવર્સિટીનું નામકરણ ભારતીય સહકારી આંદોલનના અગ્રણી અને અમૂલના સ્થાપક ત્રિભુવનદાસ કિશીભાઈ પટેલના નામ પરથી કરવામાં આવ્યું છે. સહકાર મંત્રી અમિત શાહે આ અંગેની જાહેરાત કરી હતી. આણંદના સાંસદ મિતેષભાઈ પટેલે સંસદમાં જણાવ્યું કે આ વિશ્વવિદ્યાલય “સહ: સમૃદ્ધિ”ના સિદ્ધાંત પર કાર્ય કરશે. તેમણે આ ઐતિહાસિક ર્નિણય માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો આભાર માન્યો હતો. વિશ્વવિદ્યાલયમાં ડેરી, મત્સ્યપાલન અને બેન્કિંગ જેવા વિષયોનું શિક્ષણ અપાશે. ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા શિક્ષણનો વ્યાપ વધારવામાં આવશે. ત્રિભુવનદાસ પટેલે ૧૯૪૬માં ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની સ્થાપના કરી હતી, જે આજે અમૂલ તરીકે જાણીતું છે. તેમણે “એક વ્યક્તિ, એક મત”ના સિદ્ધાંત દ્વારા ખેડૂતોને સમાન અધિકાર આપ્યા. તેમના કાર્યની કદરરૂપે તેમને રેમન મેગ્સેસે એવોર્ડ અને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.