અમદાવાદ-
દેશની રાજધાની દિલ્હી ખાતે લોકસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે ૦૨/૦૨/૨૦૨૧ના રોજ બજેટ સત્રમાં લોકસભાના નિયમ ૩૭૭ હેઠળ લોકસભામાં નર્મદા જિલ્લાના કુલ ૧૨૧ ગામોને ઇકો સેન્સેટીવ ઝોનમાંથી તાત્કાલિક ધોરણે હટાવવામાં આવે એવી ભાજપ સાંસદ મનસુખ વસાવાએ માંગણી કરી હતી. મનસુખ વસાવાએ સંસદમાં રજુઆત કરતા જણાવ્યું હતું કે ઈકો સેન્સેટિવ ઝોન વિસ્તારના ૧૨૧ ગામોના ખેડૂતોની માલિકીની જમીનમાં સરકારી અધિકારીઓએ દખલગીરી કરવાની ચાલુ કરી દીધી છે. જેથી આદિવાસીઓની આર્થિક ગતિવિધિઓ થંભી ગઈ છે સાથે સાથે એમની આજીવિકામાં નુકસાન થવાની સંભાવનાઓ છે.
આ ઉપરાંત વસાવાએ કહ્યું હતું કે, આદિવાસીઓની એવી ઈચ્છા છે કે આદિવાસીઓની જંગલ અને જમીન સાથે છેડછાડ કર્યા વગર દેશનો વિકાસ થાય. સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના આદિવાસી વિસ્તારમાં શાંતિ અને વિકાસ માટે ૧૨૧ ગામોને ઈકો સેન્સેટિવ ઝોનમાંથી તાત્કાલિક મુક્ત કરવું હવે જરૂરી છે. મનસુખ વસાવાએ આ મુદ્દાઓને લઈને થોડા સમય પહેલાં જ ભાજપને પોતાનું રાજીનામું સોંપી દીધું હતું. પણ બાદમાં સમજાવટ બાદ તેઓએ પોતાનું રાજીનામું પરત લઈ લીધું છે. મનસુખ વસાવાએ સંસદમાં આ મુદ્દો ઉઠાવતાં ભાજપ પણ ચોંકી ઉઠ્યું હતું. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં વિપક્ષ પાસેથી મુદ્દો છીનવી લીધો હતો.