નર્મદા જિલ્લાના કોરોના વોરિયર્સને બે માસથી પગાર માટે વલખાં

રાજપીપળા,  નર્મદા જિલ્લામાં કોવિડ હોસ્પિટલમાં સેવા બજાવી ચૂકેલા ૫૦ જેટલા આરોગ્ય કર્મીઓને ગુજરાત સરકારે જાહેર કરેલી યોજનાના પ્રોત્સાહન વેતન મળ્યું ન હોવાનો એક કિસ્સો અગાઉ સામે આવ્યો હતો.એ ૫૦ કર્મીઓનો પ્રશ્ન હજુ તો હલ નથી થયો ત્યાંતો રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં આઉટસોર્સના વિવિધ આરોગ્ય કર્મીઓને જે તે એજન્સીએ છેલ્લા ૨ મહિનાથી પગાર ન આપ્યો હોવાનો બીજાે એક કિસ્સો સામે આવ્યો છે.નર્મદા કલેકટર પાસે તેઓ આ મામલે રજુઆત કરવા પહોંચ્યા હતા અને વહેલી તકે પગાર મળે એવી માંગ કરી હતી.ગુજરાત સરપંચ પરિષદ નર્મદા ઝોન પ્રમુખ નિરંજન વસાવા તમામ આઉટસોર્સના આરોગ્ય કર્મીઓની સાથે કલેકટર પાસે પહોંચ્યા હતા.પોતાની રજુઆતમાં જણાવ્યું હતું કે અમને છેલ્લા બે મહિનાથી એજન્સીઓ અને કોન્ટ્રાકટરો દ્વારા પગાર ચૂકવવામાં આવ્યો નથી.જેથી અમેં મકાનનું ભાડું પણ નથી આપી શકતા કે નથી અમારો રોજીંદો વ્યવહાર સરખો ચાલતો. અમારામાંથી અમુક કર્મચારીઓ તો ૪-૫ વર્ષથી નોકરી કરે છે તે છતાં એમના એકાઉન્ટ પણ આજદિન સુધી ખોલાયા નથી. નર્મદા ઝોન સરપંચ પરિષદ પ્રમુખ નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે કર્મચારીઓ પગારની રજુઆત કરવા જાય તો કોન્ટ્રાકટર અને એજન્સી એમને છુટા કરવાની ધમકી આપે છે. ૧૯,૫૦૦ ની જગ્યાએ ૯૦૦૦ અને ૧૪૦૦૦ની જગ્યાએ ૮૦૦૦ પગાર આપવામાં આવે છે. વેક્સીન બહાર પાડવામાં આવી છે, તો આ કર્મચારીઓ ગામે ગામ જઈ નાના બાળકો ભાઈઓ-બહેનો વડીલોને કોરોના વેકસીન મુકવાની કામગીરી કરશે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution