મુંબઈ-
'થલાઈવી'માં તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાનો રોલ નિભાવ્યા બાદ કંગના રનૌત હવે પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના રોલમાં દેખાશે. એક્ટ્રેસે તેના એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે આ અપકમિંગ પોલિટિકલ ડ્રામાનું ટાઇટલ હાલ નક્કી નથી થયું અને આ ઇન્દિરા ગાંધીની બાયોપિક પણ નથી. કંગનાના જણાવ્યા અનુસાર ઘણા ફેમસ એક્ટર્સ પર આ પ્રોજેક્ટમાં સામેલ હશે. કંગનાની ઓફિસથી રિલીઝ થયેલા ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું છે, 'જી હા, અમે પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છીએ અને સ્ક્રિપ્ટ ફાઇનલ સ્ટેજમાં છે. આ ઇન્દિરા ગાંધીની બાયોપિક નથી, પણ ગ્રાન્ડ પ્રીમિયર ફિલ્મ છે.
આ ફિલ્મ મારી જનરેશનના લોકોને ભારતની વર્તમાન સામાજિક અને પોલિટિકલ સ્થિતિ સમજવામાં મદદ કરશે. કંગનાના જણાવ્યા મુજબ, ફિલ્મની સ્ટોરી એક બુક પર આધારિત છે. જાેકે, તેણે એવું નથી જણાવ્યું કે આ કઈ બુક છે અને કોણે લખી છે. તે આ ફિલ્મને પ્રોડ્યુસ કરશે અને ઇન્દિરા ગાંધીના શાસન કાળની ઇમરજન્સી અને ઓપરેશન બ્લુ સ્ટાર જેવી ઘટનાઓ દેખાડશે. 'રિવોલ્વર રાની'માં કંગના રનૌત સાથે કામ કરી ચૂકેલા ડિરેક્ટર સાઈ કબીર ફિલ્મની સ્ટોરી અને સ્ક્રીનપ્લે લખી રહ્યા છે અને તે જ ફિલ્મના ડિરેક્ટર પણ છે.
મોટા બજેટમાં બની રહેલી આ ફિલ્મમાં સંજય ગાંધી, રાજીવ ગાંધી, મોરારજી દેસાઈ અને લાલ બહાદુર શાસ્ત્રી જેવા ઘણા મોટા નેતાઓની રાજનીતિ પણ જાેવા મળશે. સાઈ કબીર ભોપાલ પહોંચીને 'ધાકડ'નું શૂટિંગ કરી રહેલી કંગના સાથે મીટિંગ્સ કરી ચૂક્યા છે.