નડિયાદ : ખેડા શહેરની મુખ્ય ચોકડી પાસે આવેલાં પેટ્રોલ પંપ નજીકના વિસ્તારમાં રહેતાં અંદાજિત ૨૦ પરિવારો આખા ખેડાના મળ-મૂત્રની વાસથી મહિનાઓથી પીડાઈ રહ્યાં છે. સૂત્રોના જણાવ્યાં મુજબ, શહેરમાં ભૂગર્ભ યોજના અંતર્ગત નખાયેલી ગટર લાઇનમાં કોન્ટ્રેક્ટરે કરેલી ભૂલના પરિણામે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સ્થાનિકોના મતે આખા શહેરમાંથી ભૂગર્ભ ગટર યોજનાની લાઇન મુખ્ય ચોકડી પાસેથી પેટ્રોલ પંપ તરફ સીધી લાવ્યાં બાદ તેને ખેડા બ્રિજ તરફના રસ્તે વાળવામાં આવી છે. બીજીતરફ પેટ્રોલ પંપની બાજુમાં નદી પર આવેલાં બ્રિજ અને સ્મશાન તરફના મકાનોની ભૂગર્ભ ગટરની લાઈન પેટ્રોલ પંપ પાસેની શહેરમાંથી આવતી મુખ્ય લાઈન સાથે જાેેડી દેવાઈ છે, પરંતુ કોન્ટ્રેક્ટરે આ લાઈનો જાેડતાં સમયે લેવલ અને ઢાળનું ધ્યાન ન રાખતાં સ્મશાન તરફના રહીશો મુશ્કેલીમાં મૂકાયાં છે. સમગ્ર ઘટનામાં શહેરની મુખ્ય લાઇનને પેટ્રોલ પંપ તરફથી ખેડા બ્રિજ તરફના રસ્તે વાળવામાં આવી છે ત્યાં મુખ્ય લાઇનમાં કરાયેલું અન્ય જાેડાણ ઢાળ વાળા વિસ્તારમાં હોવાથી ગટરનું પાણી ખેડા બ્રિજ તરફ જવાને બદલે સ્મશાન તરફના ઢાળ તરફ જાય છે, જેથી આ રહીશોનું ગટરનું પાણી મુખ્ય લાઈનમાં જવાને બદલે મુખ્ય લાઈનનું ગટરનું પાણી રહીશોના ઘર તરફ જાય છે. જ્યાં આ પ્રદૂષિત મળ-મૂત્રવાળા પાણીને જવાનો બીજાેે કોઈ માર્ગ ન મળતાં ત્યાં બનાવાયેલી ગટરો ઉભરાય છે. પરિણામે મળ-મૂત્રવાળંુ ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી રહીશોના ઘરની આસપાસ અને સ્મશાન જવાના મુખ્ય માર્ગ પર બહાર આવે છે. તેનાં કારણે નાગરિકોને ત્યાં રહેવંુ ખૂબ મુશ્કેલ પડી રહ્યું છે. તેમજ આ દુર્ગંધ વચ્ચે જીવવાની મજબૂરી ઊભી થઈ છે. આ સંદર્ભે ખેડા નગરપાલિકાને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. ઉપરાંત સ્થાનિક કાઉન્સિલરો સહિત પાલિકાના ઉચ્ચ અધિકારીઓનું પણ વારંવાર ધ્યાન દોરવામાં આવ્યું છે. તેમજ સ્થાનિક ધારાસભ્ય કેસરીસિંહ ચૌહાણને પણ આ સમસ્યાથી અવગત કર્યા છે.