ગાંધીનગર, ગુજરાત સરકાર દ્વારા દર બે વર્ષે વાઈબ્રન્ટ સમિટ યોજાય છે ત્યારે આગામી વર્ષે જાન્યુઆરી-૨૦૨૨માં યોજાનારી ‘વાઈબ્રન્ટ સમિટ’માં મહત્તમ એમ.ઓ.યુ થાય તેવી લાગણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેરમાં આયોજિત નારેડસ્કો કોન્કલેવ-૨૦૨૧ માં પોતાના ઉદબોધન સમયે વ્યક્ત કરી હતી.નારેડસ્કો કોન્કલેવ-૨૦૨૧ માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના બાંધકામક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકોને આર્થિક ઉપાર્જનની સાથે જનકલ્યાણના પણ કાર્યો કરવાની નેમ વ્યક્ત કરી હતી.દેશમાં કૃષિક્ષેત્ર પછી ઉધોગ અને બાંધકામ ક્ષેત્ર સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર હોવાનું જણાવી રાજ્યમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને સાહસિક પ્રવૃત્તિઓને વેગ આપવા ગુજરાત સરકારે અનેકવિધ પગલાં હાથ ધર્યા હોવાનું પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ હતુ. જેના પરિણામ સ્વરૂપ જ છેલ્લા પાંચ વર્ષથી રાજ્યમાં બેરોજગારી દર ખૂબ જ નીચો રહ્યો હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દેશના વિકાસમાં ઉધોગ ક્ષેત્રની સાથોસાથ બાંધકામ ક્ષેત્ર પણ કદમ થી કદમ મિલાવીને રાષ્ટ્ર નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.આ પ્રસંગે તેમણે પ્રજાના મૂંઝવતા પ્રશ્નોને સરકાર સમક્ષ રજૂ કરીને તેના સત્વરે નિકાલ કરવા આ કોન્કલેવ એક મહત્વનું માધ્યમ સાબિત થઇ શકે છે તેમ જણાવ્યું હતું. સરકારની નીતી નિયમો મુજબ કાર્ય કરે છે પ્રજાને મૂંઝવતા પ્રશ્નો અને મુશ્કેલીઓના ઝડપી નિરાકરણ માટે નીતિ નિયમ બદલાવ કરવાની જવાબદારી સરકારની છે. જે દિશામાં અમારી સરકાર પ્રયત્નશીલ છે, તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ. ગુજરાતમાં રેરાનો કાયદો આવ્યા બાદ બાંધકામ ક્ષેત્રમાં પારદર્શિતા વધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દેશના જરૂરિયાત મંદ નાગરિકોને ઘરનું ઘર આપવાના સ્વપ્નને રાજ્યનું બાંધકામ ક્ષેત્ર શ્રેષ્ઠપણે ચરિતાર્થ કરી રહ્યું છે.આ કોન્કલેવમાં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પ્રજા દ્વારા ઉધરાવવામાં આવતું મહેસૂલ રાજ્યને સમૃદ્ધ બનાવવા અતિ મહત્વનું હોવાનું જણાવ્યું હતું. રાજ્યનો સર્વાંગી વિકાસ કરવા માટે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકાર દરેક વ્યવસાય દરેક ક્ષેત્રને પ્રોત્સાહન આપી રહી હોવાનું તેઓએ ઉમેર્યુ હતુ.મહેસૂલ મંત્રીએ આ પ્રસંગે એમ પણ જણાવ્યું હતું કે, પ્રજાલક્ષી સરકારી સેવાઓનું ડિજીટલીકરણ કરીને વહીવટી પારદર્શિતામાં ઉતરોતર વધારો કરાઈ રહી હોવાનું જણાવી પ્રજાના પ્રશ્નોના સત્વરે નિરાકરણ માટે લાગણીશીલ સરકાર સતત પ્રયત્નશીલ અને ચિંતિત હોવાનું જણાવ્યું હતું. રાજ્યની પ્રજાની સરકારે સેવાઓથી લાભાન્વિત કરવા વર્તમાન સરકાર દ્વારા અનેક નવતર અભિગમ હાથ ધરાયા છે, તેમ ત્રિવેદીએ જણાવ્યુ હતુ.આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, બાંધકામ ક્ષેત્ર વિકસિત અવસ્થામાં છે જેણે સુર્વણકાળ ગણી શકાય. દેશમાં નાગરિકોને રોજગારી આપવામાં ઉધોગ અને બાંધકામ ક્ષેત્રનો સિંહફાળો રહેલો છે.નારેડસ્કોના હોદ્દાની રૂએ ચીફ પેટ્રોન એટલે કે મુખ્ય આશ્રયદતા એવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘ફાયનાન્સ ફેસિલિટેશન સેન્ટર’નો શુભારંભ કરાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, નારેડસ્કો રિયલ એસ્ટેટ ડેવલોપર્સને, સરકાર અને નાગરિકોને સંકલિત કરતુ સાહસ છે.આ કોન્કલેવમાં અમદાવાદના ડેપ્યુટી મેયર ગીતા પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, સચિવો, નારેડસ્કોના સ્થાનિક તેમજ રાષ્ટ્રીય હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં ઉધોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા.