ગાંધીનગર-
કોરોનાની બીજી લહેરમાં સેંકડો વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે બીજી લહેર દરમિયાન ગુજરાતમાં આરોગ્યની સેવાઓ સામે સવાલો ઉભા કરીને કોંગ્રેસે ભાજપ સરકારને આડે હાથ લીધી છે. એટલું જ નહીં આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા કોવિડ-૧૯ ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર જિલ્લામાં પંચાયતની સીટ દીઠ આ યાત્રા યોજાશે.
આ અંગે ગાંધીનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સુર્યસિંહ ડાભીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશ મંદી, મોંઘવારી તથા કોરોનાની મહામારી બાદની કપરી સ્થિતિથી પીડાઇ રહ્યો છે. આવી સ્થિતિમાં રાજ્ય સરકાર વિવિધ ઉજવણીઓ કરી રહ્યું છે. જે કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિઓની મજાક છે. ત્યારે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર પાયાના પ્રોજેક્ટ તરીકે સમગ્ર ગુજરાતમાં આગામી બે મહિના સુધી કોવિડ-૧૯ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અનુસંધાને ગાંધીનગર જિલ્લામાં જિલ્લા પંચાયત સીટ પ્રમાણે આ યાત્રા યોજાશે. જેમાં મૃતકોને ચાર લાખ રૃપિયાની રોકડ સહાય, કોવિડ દર્દીઓના મેડિકલ બીલની ચુકવણી, સરકારી તંત્રની ઘોર નિષ્ફળતાની ન્યાયીક તપાસ તથા મૃત્યુ પામેલા સરકારી કર્મચારીઓના સંતાનને કાયમી નોકરીની માંગણી કરવામાં આવશે. આ માટેનું ન્યાયપત્ર પણ કોંગ્રેસ પક્ષે ઘોષીત કર્યું હતું અને આ બાબતે કોંગ્રેસની વિશેષ કારોબારી બેઠક પણ મળી હતી. આ બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્ય, પ્રભારી, પ્રદેશના નેતા, તાલુકાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.