માત્ર 4 કલાકના કામને કારણે સુરતના ડાયમંડ ઉદ્યોગની હાલત કફોડી

સુરત-

કોરોનાના કહેર વચ્ચે સુરતમાં આવેલા ડાયમંડ ઉદ્યોગમાં કામ કરતા રત્નકલાકારો ની હાલત કફોડી બની છે. રત્નકલાકાર અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોમાં કોરોનાનું સક્રમણ વધતા હાલ બપોરે ૨થી સાંજે ૬ વાગ્યા સુધી કારખાના અને બજારો ચાલુ રાખવાની પરવાનગી આપવામાં આવી છે. જેના પગલે હીરા પ્રોસેસિંગની કામગીરી ટલ્લે ચઢી છે. આ જ કારણે ફક્ત સુરત જ નહીં અમદાવાદ, અમરેલી અને ગારિયાધાર સહિતના વિસ્તારના રત્નકલાકારોને કામ મેળવવામાં ફાંફા પડી રહ્યા છે. આ સાથે જ સમયમાં ફેરફાર કરવાની માંગ પણ ઉઠી રહી છે. કોરોના મહામારી વચ્ચે સુરતનો ડાયમંડ ઉદ્યોગ શરુ તો થયો પણ વાયરસના સંક્રમણને અટકાવવા માર્ચ માસમાં અમલમાં મૂકાયેલા લાૅકડાઉન બાદથી આજ દિન સુધી હીરા ઉદ્યોગને પૂરતો વેપાર મળી શકયો નથી.

બીજી તરફ અનલોક સાથે કારખાના અને બજાર શરૂ તો કરવામાં આવ્યા પરંતુ રત્નકલાકારો અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અન્ય લોકો વાયરસથી સક્રમિત થતા હાલ તા. ૩૧ જુલાઈ સુધી વરાછાનું ચોક્સી અને મીની બજાર બંધ કરવામાં આવ્યું છે. બીજી તરફ મનપાના આદેશ મુજબ હાલમાં હીરા બજાર અને કારખાનાઓ બપોરે 2 થી સાંજે 6 વાગ્યા એમ માત્ર 4 કલાક જ ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે. પરિણામે એક માત્ર સુરત જ નહીં પરંતુ અમદાવાદ, અમરેલી, ગારિયાધાર સહિતના વિસ્તારના રત્નકલાકારોને કામ મેળવવા ફાંફા પડી રહ્યા છે. જેથી મનપાની પોલીસીમાં ફેરફાર કરી હીરા બજાર અને કારખાનાઓ શરૂ કરવા માટેના સમયમાં વધારો કરવા ગત રોજ ચેમ્બર ઑફ કોમર્સ અને આજે સુરત ડાયમંડ એસોસિએશને મનપા કમિશનરને રજુઆત કરી છે.

આ અંગે ડાયમંડ એસોસિએશનના મહામંત્રી બાબુ વીડિયાએ જણાવ્યું હતું કે, સુરતમાં ઘણા હીરા ઉદ્યોગકારો એવા છે કે જે રફ હીરાનું એસોર્ટીંગ કરી, લેસર કટિંગ કરી ફોર પીની પ્રક્રિયા માટે તેને સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતમાં મોકલે છે. સુરતમાં માત્ર 4 કલાક બજાર અને કારખાનાઓ ખોલવાની મંજૂરીના કારણે સુરત સહિત રાજ્યના અન્ય શહેરોના લોકોને પણ કામ મળી શકતું નથી. જેથી સવારે 10 થી સાંજે 6 વાગ્યાનો સમય કરવામાં આવે તો અટવાયેલા કામો પાર પડી શકે એમ છે. હાલ આવી પરિસ્થિતિને લઈને રત્નકલાકારો બેકાર બની રહ્યા છે અને સુરત સાથે અન્ય શહેરમાંથી રત્નકલાકારોએ પલાયન શરૂ કરી દીધું છે. જાે કારખાના અને હીરા બજારનો સમય વધારવામાં અહીં આવે તો આ ઉદ્યોગ આગામી એક વર્ષ સુધી બેઠો થઈ શકે તેવું નથી લાગી રહ્યુ છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution