દારૂબંધીના કડક અમલની જાહેરાત કરવા છતાં બૂટલેગરો અવનવા કીમિયા અજમાવી શહેરમાં વિદેશી દારૂનો જથ્થો ઘૂસાડવામાં સફળ રહે છે. ત્યારે વિમાન માર્ગે દિલ્હીથી વડોદરા લવાયેલ ઊંચી કિંમતનો ઇમ્પોર્ટેડ સ્કોચ બોટલોના જથ્થા સાથે બે જણાને હરણી પોલીસે ઝડપી પાડયા હોવાનો બનાવ પોલીસના ચોપડે નોંધાયો છે. એર ઈન્૦ીયાના વિમાનમાં દિલ્હીથી મુસાફરી કરી સાથે લાવેલી ૩૧ બોટલો જેની કિંમત રૂા.૬૨ હજાર ઉપરાંતની હોવાનું બહાર આવ્યું છે.
હરણી પોલીસને બાતમી મળી હતી કે મંગળવારના રોજ સાંજે દિલ્હીથી વડોદરા આવતી એર ઈન્ડિયાની ફલાઈટમાં બે ઈસમો વિદેશી દારૂનો જથ્થો લઈને આવી રહ્યા છે એના આધારે એરપોર્ટ ચોંકીના સ્ટાફ દ્વારા વોચ ગોઠવાઈ હતી એ દરમિયાન સવા સાત વાગે એરપોર્ટમાંથી બે ઈસમો પાર્થ મુકેશભાઈ શ્રીમાળી (રહે. મકાન નં. ૧૪, મહાલક્ષ્મી સોસાયટી, વાલમ હોલ પાસે, હરણી) અને યાત્રિક ઉર્ફે સોનુ દિલીપભાઈ શ્રીમાળી (રહે. મકાન નં.ઈ/૫૧, ક્રિષ્ણા પાર્ક સોસાયટી, રેલવે સ્ટેશન રોડ, પાદરા) ટ્રોલીમાં બેગો અને થેલા લઈને આવતા અટકાવ્યા હતા.
બંનેને બેગો સાથે હરણી પોલીસ મથકે લાવી બેગોની તપાસ કરતાં ઈમ્પોર્ટેડ સ્કોચની ૩૭ બોટલો મળી આવી હતી, જેની ખરીદી દિલ્હી ગુડગાંવથી કરી હતી. તપાસ દરમિયાન બંને ઈસમો દિલ્હીથી શહેરમાં વિમાન માર્ગે દારૂનો જથ્થો લાવી ઊંચી કિંમતે વેચતા હોવાનું બહાર આવ્યું છે અને આ અગાઉ પણ બંને ઈસીમો ત્રણથી ચાર વાર દિલ્હીથી વિમાન માર્ગે દારૂનો જથ્થો લાવવામાં સફળ રહ્યા હોવાનું બહાર આવ્યું છે.
ચાર વાર ૩૫૦ બોટલો વિમાન માર્ગે લાવ્યાની કબૂલાત
દિલ્હી એનસીઆરના ગુડગાંવમાં ઈમ્પોર્ટેડ સ્કોચનો ભાવ તદ્દન ઓછો હોવાથી ત્યાંથી વિમાન માર્ગે શહેરમાં મોંઘી બ્રાન્ડનો જથ્થો લાવી ચાર ગણા ભાવે વેચાણ કરાતો હતો. બંનેએ પૂછપરછ દરમિયાન હરણી પોલીસને જણાવ્યું હતું કે અગાઉ ચાર વાર આવી રીતે વિમાન માર્ગે અત્યાર સુધી ઈ૫૦ ઉપરાંત બોટલો લાવી વેચાણ કર્યું હોવાનું બંનેએ કબૂલાત કરી હતી. હરણી પોલીસે બંને પાછળ મોટું માથું હોવાની શંકાના આધારે કોલ ડિટેઈલ કઢાવવાની કાર્યવાહી હાથ ધરી છે.