શહેર પોલીસે વધુ દસ બાળકોને ભીખ માંગતા બચાવી લઈ મેડિકલ ચેકઅપ માટે મોકલી આપ્યાં

અમદાવાદ, શહેરમાં છેલ્લા કેટલાક સમયથી બાળકોને ભીખ મંગાવવા માટેનું આખું નેટવર્ક ચાલી રહ્યું છે. બાળકો પાસે મજબૂર અને લાચારીનો ચહેરો દેખાડીને વાહનચાલકો પાસે ભીખ મંગાવવાનું રેકેટ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ શોધી રહી છે. તે દરમિયાન વધુ દસ બાળકોને અમદાવાદ શહેર પોલીસે બચાવી લીધા છે અને તેમને હાલ મેડિકલ ચેકઅપ માટે મોકલવામાં આવ્યા છે. અમદાવાદ શહેરના એરપોર્ટ વસ્ત્રાપુર જેવા પોસ્ટ અને વધુ પ્રમાણમાં અવરજવર થતા હોય તેવા વિસ્તારમાં બાળકો પાસે ભીખ મંગાવતા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે પોલીસે હાલ બાળકોના માતા-પિતા સામે ફરિયાદ નોંધી છે, જ્યારે બાળકોનું મેડિકલ ચેકઅપ કરાવીને તેમની સાથે કોઈ શોષણ કે અનૈતિક કામ થયું છે કે નહીં? તે તપાસવાની કામગીરી ચાલી રહી છે. શહેર પોલીસ તેમજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમ દ્વારા બાળકોને રેસક્યૂ કરીને તેમને ફરીથી યોગ્ય જિંદગી મળે તે માટેની આખી ઝુંબેશ ચાલી રહી છે. તેમાં પણ ખાસ કરીને બાળકોના માતા-પિતા તેમની પાસે ભીખ મંગાવતા હોવાનું અનેક વખત સામે આવ્યું છે. આ વખતે અમદાવાદ શહેર પોલીસે કરેલી કામગીરીમાં શહેરના એરપોર્ટ વિસ્તારમાંથી ભીખ માગતી બે બાળકી તેમજ એક બાળકનું રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ નવરંગપુરા, વસ્ત્રાપુર, પાલડી અને અલગ-અલગ વિસ્તારમાંથી કુલ ૬ બાળકીઓ અને ચાર બાળકોને ભીખ માંગતા પોલીસે બચાવ્યા છે અને તેમની હાલ રેસ્ક્યૂ કરીને મેડિકલ ચેક માટે લઈ જવામાં આવે છે. કુલ ૧૦ બાળકોને પોલીસે રેસ્ક્યૂ કરીને હાલ તેમને સુરક્ષિત જગ્યાએ લઈ જવાની કામગીરી કરી છે. સાથે તેમના માતા-પિતા સામે ભીખ મંગાવવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. બાળકોને આગામી સમયમાં તેમનું સામાજિક ઘડતર થાય તે માટે ભણવાની અને મેડિકલ સુરક્ષા આપવાની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઇવ ચાલુ રહેશે, તે અંગે પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution