મુખ્યમંત્રીએ દંતેશ્વરની જમીનના વળતર મુદ્દે સર્વને ન્યાયની નીતિ ઘડવા સૂચન કર્યું

વડોદરા : વડોદરા મહાનગર પાલિકાના શાસકો દ્વારા દલા તરવાડીની નીતિ મુજબ વડોદરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની અંગત ભલામણવાળી દંતેશ્વરની સંપાદિત જમીનના બસો ગણાથી વધુ વળતર માટેની દરખાસ્ત પર રાજ્યના મુખ્યમંત્રીએ ટાઢું પાણી રેડી દેતા કેટલાયની મનની મુરાદ મનમાં રહી જવા પામી છે. આ દરખાસ્તને કોઈપણ ભોગે મંજુર કરાવીને રાજકીય ગુરુને ખુશ કરવાના પાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષના પ્રયાસો આખરે નિષ્ફળ નીવડ્યા છે. જેને લઈને પાલિકાના શાસક પક્ષના રાજકીય ક્ષેત્રે સ્નનાટો વ્યાપી ગયો છે. આ બાબતને લઈને પાલિકાના શાસક પક્ષ ભાજપમાં રીતસરના બે ભાગલા પડી ગયા હતા. જેમાં એક જૂથ રાજ્યના નર્મદા રાજ્ય મંત્રીની તરફેણનું હતું. જ્યારે બીજું ગ્રુપ વિધાનસભાના અધ્યક્ષના પક્ષનું હતું. જેને લઈને ત્રણ ત્રણ વખત દંતેશ્વરની વીસ વર્ષ અગાઉ સંપાદિત થયેલ જમીનનું સાડા પાંચ કરોડ જેટલું વળતર ચુકવવાની દરખાસ્ત સ્થાયી સમિતિમાં મુલતવી રાખવાની ફરજ પડી હતી. જો આ કામને મંજુર કરવામાં આવે તો આ પ્રમાણે ભૂતકાળમાં પાલિકા દ્વારા જેજે જગ્યાઓની સંપાદનની કાર્યવાહીમાં જમીનની કપાત કરવામાં આવી છે. એ તમામ કેસમાં પાલિકાને માથે આજ પ્રમાણે વળતર ચુકવવાની મોટી જવાબદારી આવી પડત. એ ગણતરી મળતા અંદાજે રૂપિયા ૪૦૦ કરોડ ઉપરાંતનું વળતર પાલિકાને ચૂકવવું પડે એમ હતું. આથી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે બોલાવેલી મિટિંગમાં રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, નર્મદા રાજ્ય મંત્રી યોગેશ પટેલ, મેયર ડો.જિગીષાબેન શેઠ, ડેપ્યુટી મેયર ડો. જીવરાજ ચૌહાણ, સ્થાયી સમિતિના અધ્યક્ષ સતીશ પટેલ સહિતનાઓની ઉપસ્થિતિમાં શહેરમાં જમીન સંપાદનના વળતર મામલે સર્વને ન્યાય મળે એવી સર્વગ્રાહી નીતિ બનાવવાનું સૂચન કર્યું હતું. જેને લઈને દંતેશ્વરની જમીનનું અધધ વળતર અપાવવાને માટે અધીરા અને હરખઘેલા બનેલાઓના ચહેરા પરનું નૂર ઉડી ગયું હતું. તેમજ આખરે આ દરખાસ્તને હાલ પૂરતી અભરાઈ પર ચઢાવી દેવામાં આવશે. એમ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution