રાજયમાં હાહાકાર મચાવનાર ચાંદીપુરા વાયરસથી સરકાર દોડતી થઈ

ગાંધીનગર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક અગત્યની બેઠક યોજી હતી. જેમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગેના પગલાંઓની સમીક્ષા કરી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં મુખ્યમંત્રીએ રાજ્યના મ્યુનિસિપલ કમિનશરો, જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને તેમના જિલ્લાની કામગીરીની વિગતો મેળવી હતી. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી હાહાકાર મચાવનાર ચાંદીપુરા વાયરસની સ્થિતિને લઈને આજે સાંજે મુખ્યમંત્રી નિવાસ સ્થાને એક મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી અને આરોગ્ય વિભાગના અધિકારીઓ અને ડોક્ટરો જાેડાયા હતા. બેઠકમાં ગુજરાતમાં ફેલાયેલા ચાંદીપુરા વાયરસની સ્થિતિ તેમજ તેના માટેના અટકાયતી પગલાઓ અંગે ચર્ચા કરીને મહત્વના ર્નિણયો લેવાયા હતા. બેઠકમાં રાજ્યના તમામ જિલ્લા, મહાનગરના આરોગ્ય અધિકારીને વીડિયો કોન્ફરસન્સથી જાેડવામાં આવ્યા હતા. તેમજ રાજ્યની તમામ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ તંત્રના ડોક્ટરોને પણ જાેડાયા હતા.બેઠકમાં મુખ્યમંત્રી દ્વારા સંબંધિત જિલ્લાઓમાં આ વાયરસ- રોગને અટકાવવા માટે મેલેથિયન પાવડર દ્વારા ડસ્ટિંગ માટેની ડ્રાઈવ હાથ ધરવા તેમજ કોઈ પણ તાવના કિસ્સામાં તાત્કાલિક સઘન સારવાર અપાય તે બાબત સુનિશ્વિત કરવા માટેનું માર્ગદર્શન અપાયું હતું. જ્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ રોગચાળા સામે રક્ષણ આપતા ઉપાયો માટે આશા વર્કર બહેનો, આંગણવાડી કાર્યકર બહેનો, નર્સ બહેનો જેવા પાયાના કર્મીઓ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં હાથ ધરવા પણ સૂચન કર્યું હતું.

એએમસી સંચાલિત તમામ હોસ્પિટલોને તાકીદ કરાઇ

રાજ્યમાં ચાંદીપુરા વાઇરસની સ્થિતીની લઇને સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. ગ્રામ્ય વિસ્તારો બાદ ગાંધીનગર અને અમદાવાદમાં પણ શંકાસ્પદ કેસ નોંધાયા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા તેના હેલ્થ વિભાગ હસ્તકની હોસ્પિટલોને તાકીદ કરી છે. જેમાં એએમસી દ્વારા એલજી, શારદાબેન અને વીએસ હોસ્પિટલોને ખાસ તાકીદ કરાઈ છે. આ હોસ્પિટલોમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા દર્દી આવે તો તુરંત ઉચ્ચ કક્ષાએ જાણ કરવા જણાવાયું છે. એટલે કે, ચાંદીપુરાના શંકાસ્પદ કેસની એએમસી દ્વારા સીધી રાજ્ય સરકારમાં જાણ કરાશે. હાલ એએમસીના ચોપડે શહેરમાંથી એકપણ શંકાસ્પદ કેસ નથી. પરંતુ અમદાવાદ શહેરના બે શંકાસ્પદ કેસ અસારવા સિવિલ હોસ્પિટલમાં નોંધાયા છે. અને આ શંકાસ્પદ કેસના નમૂના લેબોરેટરી ટેસ્ટિંગ માટે પુણે મોકલાયા છે.

રાજકોટમાં મળેલા પાંચ શંકાસ્પદ કેસોમાં તમામના મોત

રાજકોટમાં ચાંદીપુરા વાયરસના પાંચ શંકાસ્પદ કેસો સામે આવ્યા છે, આ તમામ દર્દીઓના મોત નિપજ્યાં છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા છે. જાે કે આ પાંચેય કેસમાં દર્દીના મોત થયા છે. જેથી આરોગ્ય વિભાગ દ્વારા લક્ષણોને આધારે નમૂનાલઈને લેબોલેટરીમાં મોકલી અપાયા છે. આ પાંચ કેસોમાં મોરબીના બે દર્દી અને પડધરી હડમતિયા, જેતપૂર અને કે પરપ્રાંતિય દર્દીનું મોત નિપજ્યું છે. જે અંગે આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution