નવા ચૂંટાયેલા પાંચ ઉમેદવારોને અધ્યક્ષ શપથ લેવડાવશે

ગાંધીનગર કોંગ્રેસમાંથી રાજીનામું આપીને પેટા ચૂંટણીમાં વિજેતા બનેલા ઉમેદવારોને આવતીકાલે વિધાનસભા અધ્યક્ષ ધારાસભ્ય પદના શપથ લેવડાવશે. આ ચૂંટાયેલા ધારાસભ્યો પૈકીનાં બે સભ્યોના મંત્રી બનવાની આશા પર નિરાશા છવાઈ ગઈ છે. કારણ કે, હાલમાં રાજ્ય સરકારના વિસ્તરણ કરવામાં નહીં આવે તેવું જાણવા મળ્યું છે. લોકસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસનાં વિજાપુરના ધારાસભ્ય ચતુરસિંહ જે. ચાવડા, ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ, પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી તેમજ વિસાવદરના ‘આપ’ના ધારાસભ્ય ભૂપત ભાયાણી અને વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામાં આપી દીધા હતા. જેના કારણે આ છ વિધાનસભા બેઠક ખાલી પડી હતી. જાે કે, વિસાવદર સિવાયની પાંચ બેઠક માટે લોકસભાની સાથોસાથ પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપ તરફથી વિજાપુરના ઉમેદવાર ચતુરસિંહ જે. ચાવડા, ખંભાતના ઉમેદવાર તરીકે ચિરાગ પટેલ, પોરબંદરના ઉમેદવાર તરીકે અર્જુન મોઢવાડિયા, માણાવદરના ઉમેદવાર તરીકે અરવિંદ લાડાણી અને વાઘોડિયાના ઉમેદવાર તરીકે ધર્મેન્દ્રસિંહ વાઘેલા ચૂંટણી લડ્યા હતા. આ તમામ ઉમેદવારો પેટા ચૂંટણીમાં જીતી ગયા હતા. વિધાનસભાની પેટા ચૂંટણી જીતેલા ઉમેદવારોને આવતીકાલે વિધાનસભા ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ધારાસભ્ય પદના શપથ લેવડાવશે. આ પાંચેય ઉમેદવારો શપથ લીધા બાદ ધારાસભ્ય બનશે. આ પાંચમાંથી અર્જુન મોઢવાડિયા અને સી. જે. ચાવડાને મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. જાે કે, હાલમાં ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારનું વિસ્તરણ કરવામાંની સંભાવના નહિવત છે. જેથી અર્જુન મોઢવાડિયા અને સી. જે. ચાવડાએ મંત્રી બનવા માટે એકાદ બે મહિનાની રાહ જાેવી પડે તેવું સૂત્રોએ જણાવ્યું હતું.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution