ખાખી વર્ધીને લાંછન લગાવતો કિસ્સો, LRD જવાને શિક્ષિકાની છેડતી કરી અને પછી..

અમદાવાદ-

ખાખી વર્ધી પર દાગ લાગતો હોવાનો વધુ એક કિસ્સો પ્રકાશનમાં આવ્યો છે. જેમાં રક્ષક જ ભક્ષક બન્યો છે. એક ખાનગી સ્કુલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ટીચરને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એલઆરડી જવાને શારીરીક અડપલા કર્યા હતા. આ અંગે શિક્ષિકાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

નવા નરોડામાં રહેતા અને એક ખાનગી સ્કુલમાં શિક્ષિકા તરીકે આઠ વર્ષથી ફરજ બજાવતા 42 વર્ષીય શિક્ષિકા ગુજરાત ગૌણ સેવા આયોગ દ્રારા આસીસ્ટન્ટ ટ્રાયલ ડેવલોપમેન્ટ અધિકારી વર્ગ 3 ની પરિક્ષાનું હોવાથી તે સ્કુલમાં પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો. આ દરમિયાન શિક્ષિકા પણ તેમની સ્કુલમાં ફરજ પર હાજર હતી અને પરિક્ષાની કામગીરી પૂર્ણ કરી બપોરના સમયે સ્કુલના કંમ્પાઉન્ડમાંથી એક્ટિવા લઈને શિક્ષિકા ઘરે જઈ રહ્યા હતા ત્યારે ખાખી ડ્રેસ પહેરેલ બંદોબસ્તમાં આવેલ પોલીસ કર્મીએ શિક્ષિકા પાસે આવીને તેની પકડી શારીરીક છેડતી કરી હતી. આ દરમિયાન શિક્ષિકાએ બુમાબુમ કરતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને પોલીસ કંટ્રોલમાં ફોન કરી જાણ કરી હતી. બાદમાં શિક્ષિકાને જાણવા મળ્યું હતું કે, છેડતી કરનાર એલઆરડી પોલીસ કર્મી મહીપતસિંહ ગોહીલ છે જે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજાવે છે. જેથી શિક્ષિકાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં એલઆરડી જવાન મહીપતસિંહ ગોહીલના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution