લીંબાલીમાંથી યુવકની સળગાવી દીધેલી લાશ મળી આવી

આણંદ, સોજિત્રા તાલુકાના લીંબાલી ગામના ચરા વિસ્તારના ખેતરમાંથી સળગાવેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ અંગેની જાણ થતાં જ પોલીસે સ્થળ પર તપાસ કરતા સળગાવેલી લાશ લીંબાલી ગામના યુવકની હોવાનું અને તે રાત્રિથી જ ભેદી સંજાેગોમાં ગુમ થયો હોવાનું ખૂલ્યું હતું. આ મામલે સોજિત્રા પોલીસે હત્યાનો ગુનો નોંધી પાંચથી છ જેટલાં શકમંદોની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. પ્રેમ પ્રકરણને લઇને યુવકની હત્યા કરાયાની શંકા સેવાઇ રહી છે. આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, સોજિત્રા તાલુકાના લીંબાલી ગામના ચરા વિસ્તારના ખેતરમાં પુળાની ઘોઇમાં બળેલી હાલતમાં યુવકની લાશ મળી આવતાં આજુબાજુનાં ખેડૂતોએ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવીને તપાસ હાથ ધરી હતી. આ બનાવની જાણ વાયુવેગે ફેલાતા લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યાં હતાં. આ બનાવને લઈને સોજિત્રા પોલીસ અને આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને એફએસએલની ટીમો દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં સળગી ગયેલા યુવકના શરીર પર એક ટેટુ મળી આવ્યું હતું. અને હાથના કાળા ઉપરથી કડું મળી આવ્યું હતું. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં ગામમાં જ રહેતો ૨૨ વર્ષીય ઋત્વિક બચુભાઈ રાઠોડ હોવાનું ખૂલ્યું હતું. તેના પિતાએ કડા અને હાથના ટેટુના આધારે તેની ઓળખ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક યુવક બુધવારે રાત્રિના સમયે સામાજિક પ્રસંગમાં હાજરી આપવા નીકળ્યો હતો અને એ પછી ભેદી સંજાેગોમાં ગુમ થયો હતો. પરિવારજનો તેની શોધ કરી રહ્યા હતા, જ્યાં સવારે તેનો બળી ગયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. પોલીસે રાત્રિના સમયે તેના સંપર્કમાં રહેલા પાંચથી છ શકમંદને રાઉન્ડ અપ કરી તપાસ હાથ ધરી છે. જાેકે, મોડી સાંજ સુધી આ મામલે કોઈ નક્કર માહિતી મળી શકી નહોતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution