શહેરીજનોનો રોષ ખાળવા વિશ્વામિત્રીના દબાણો પર બુલડોઝર ફરશે!

વડોદરા, વડોદરામાં તાજેતરમાં આવેલા વિશ્વામિત્રી નદીના પૂર માટે નદીના પટમાં તેમજ કાંસ પર થયેલા દબાણો જવાબદાર હોવાનંુ પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ત્યારે પાંચ જ દિવસમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની મુલાકાત પાછળ અને તર્કવિતર્ક થઇ રહ્યા છે. જાેકે, આઇબી દ્વારા પણ પૂરની સ્થિતી બાદ શહેરીજનોમાં ભાજપ પ્રત્યેના રોષની માહિતી રાજ્ય સરકાર સુધી પહોંચાડવામાં આવી છે. જે રોષને ખાળવા માટે જ હવે, વિશ્વામિત્રી નદીના દબાણો પર બુલડોઝર ફેરવવાનો તખ્તો તૈયાર કરાયો છે. જે માટે જ હર્ષ સંઘવી સતત વડોદરાની મુલાકાતે હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વડોદરા શહેરના ૬૦ ટકા વિસ્તારમાં વિશ્વામિત્રી નદીના પૂરના પાણી ફરી વળ્યાં હતા. પૂરના સમયમાં ભાજપના એક પણ નેતાઓ શહેરીજનોની મદદે આવ્યા નથી. એટલું જ નહીં પૂરના પાણી ઓસરી ગયા બાદ પણ ભાજપના નેતાઓ અનેક વિસ્તારોમાં દેખાયા નથી. તો અનેક વિસ્તારોમાંથી ભાજપના નેતાઓને જાકારો મળી રહ્યો છે. ભાજપના ચૂંટાયેલા નેતાઓ તેમજ શહેર સંગઠન સામે લોકોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. જે બાબતે આઇબી દ્વારા પણ રિપોર્ટ રાજ્ય સરકારને મોકલી આપવામાં આવ્યો છે. જેની સાથે જ વડોદરાના પ્રભારી અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પાંચ દિવસમાં સતત ત્રીજી વખત આજે વડોદરાની મુલાકાતે આવ્યા હતા. જાેકે, ગત શુક્રવારે હર્ષ સંઘવીએ શહેરના સયાજીગંજ, સલાટવાડા, ભુચરાજી મંદિર, વુડા સર્કલ, મંગલ પાંડે બ્રિજ, ફતેગંજ બ્રિજ, ગેંડા સર્કલ, સયાજી હોટલ, પરશુરામ ભટ્ટા, વિશ્વામિત્રી બ્રિજ, જેતલપુર બ્રિજ, માંજલપુર, સોમાતળાવ, વાઘોડિયા રોડ, વારસીયા રિંગ રોડ સહિતના સ્થળોની મુલાકાત લીધી હતી. જે મુલાકાત બાદ અનેક તર્કવિતર્ક થઇ રહ્યા છે. એવી પણ માહિતી બહાર આવી રહી છે કે, શહેરમાં આવેલા પૂર બાદ ફાટી નિકળેલા જનતાના રોષને ખાળવા માટે વિશ્વામિત્રી નદી પરના દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવનાર છે. જેમાં વિશ્વામિત્રી નદી પર તેમજ કાંસ પર દબાળો કરી બનાવવામાં આવેલા પ્રોજેક્ટ સરકારના નિશાન પર છે. ભાજપના સંગઠનના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા અનુસાર વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી તેમજ તેની સાથે જાેડાયેલા કાંસ પરના ૧૯થી વધુ દબાણોની યાદી પર તૈયાર થઇ ગઇ છે. જે દબાણો પર ટુંક જ સમયમાં બુલડોઝર ફેરવી શહેરની જનતાનો રોષ ખાળવાના પ્રયાસો કરાશે. જેથી આગામી વર્ષમાં આવનાર મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં હારનો સામનો કરવો ન પડે.

સરવેની બાદ રિવ્યું કરી કાર્યવાહી થશે  હર્ષ સંઘવી

વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદી પરના દબાણો દૂર કરવા માટે લોકસત્તા જનસત્તા સાથેની વાતચીતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વિશ્વામિત્રી નદીના પટમાં થયેલા દબાણોનો સરવે હાલ ચાલી રહ્યો છે. જે સરવે બાદ તેનો રિવ્યું કરવામાં આવશે. રિવ્યું થયા બાદ દબાણો સામે કાર્યવહી કરવામાં આવશે. જેની વિગતો અમે ટુંક સમયમાં જાહેર કરીશું.

એક દાયકામાં કરાયેલા ઝોન ફેર પરત ખેંચાશે

ઝોન ફેર કરવામાં પ્રચલીત ગુજરાત સરકાર દ્વારા છેલ્લા એક દાયકામાં શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી આસપાસની લાખો ફૂટ જગ્યાનો ઝોન ફેર કરવામાં આવ્યો છે. જે જગ્યાઓ ઝોન ફેર થયા બાદ જ ત્યાં બાંધકામ થયા છે જેના કારણે જ શહેરમાં પૂરની પરિસ્થિતીનું સર્જન થાય છે. ત્યારે હવે, શું સરકાર દ્વારા તમામ જમીનો પર કરવામાં આવેલા ઝોન ફેર પરત ખેંચવામાં આવશે કે કેમ તે પ્રશ્ન પણ ઊભો થઇ રહ્યો છે. 

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution