વડોદરા,તા.૧૬,
પાલિકાની દબાણ શાખા દ્વારા દબાણ હટાવો અભિયાન છેલ્લા ત્રણ દિવસથી શરુ કરવામાં આવ્યું છે. જેના દ્વારા અટલાદરા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સિક્યુરિટી સ્ટાફ સહીતનો કાફલો ઉતારી દેવામાં આવ્યો હતો. જેઓએ ટીપી સ્કીમ ૨૦ ના અટલાદરા હરિનગર, પાર્વતી નગર અને આસપાસના વિસ્તારમાં બાર મીટરની રસ્તા રેષામાં આવતા સંખ્યાબંધ દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. જેમાં સોસાયટીઓના અને અન્ય મકાનોની વધારાના દબાણની કમ્પાઉન્ડ વોલો, મકાનોની આગળના ભાગે કરેલા ઓટલાના દબાણો, ગેટ સહિતના વધારાના બાંધકામને દૂર કરવામાં આવ્યા હતા. આ બાબતે જે તે દબાણકર્તાઓને પાલિકા દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હતી. પરંતુ તેમ છતાં સ્વેચ્છાએ દબાણો ન હટાવતા પાલિકાની દબાણ શાખા દ્વારા દબાણો હટાવી દેવામાં આવ્યા છે. જેમાં સો મીટર જેટલી કમ્પાઉન્ડ વોલ, પાંચ જેટલા ઓટલાઓ જે પંદર ફૂટ બાય સાહીઠ ફૂટ જેટલા હતા. ત્રણ ગેટના ગેરકાયદેસર બાંધકામો દૂર કરાયા હતા. હરિનગર , હીરાબાનગર,પાર્વતીનગરના પાંચ સ્થળો અને બે કોમ્પ્લેક્ષોના પણ દબાણો દૂર કરાયા હતા.