છેડતીના મુદ્દે થયેલા ઝઘડામાં પિતા-પુત્રો દ્વારા યુવકની નિર્મમ હત્યા

વડોદરા, તા. ૧૮

કારેલીબાગ જલારામનગરમાં રહેતા પાડોશીઓ વચ્ચે પરિણીતાને ફોન પર મેસેજાે મોકલીને છેડતી કરવાના મુદ્દે ગત રાત્રે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીમાં એક યુવકે દરમિયાનગીરી કરતા જ છેડતીબાજ યુવક તેમજ તેના પિતા અને ભાઈએ આ અમારો મામલો છે તું શું કરવા વચ્ચે પડે છે તેમ કહીને યુવકને ચાકુના ઘા ઝીંકી તેમજ પાઈપના ફટકા મારીને જાહેરમાં હત્યા કરી હતી. આ બનાવની હરણી પોલીસને જાણ કરાતા પોલીસે હત્યારા પિતા-પુત્રો સહિતની ત્રિપુટીને ઝડપી પાડી હતી.

કારેલીબાગ જલારામનગરમાં રહેતો અને છુટ્ટક મજુરી કરતો ૨૮ વર્ષીય કમલેશ ચીમનભાઈ માળીએ ગત ૨૦૧૯માં હોમગાર્ડઝમાં ફરજ બજાવતા અનસુયાબેન ઉર્ફ પાયલ સાથે લવમેરેજ કર્યું હતું અને છેલ્લા બે માસથી તે પત્ની સાથે ખોડિયારનગર પાસે પીળા વુડાના મકાનમાં ભાડેથી રહેવા માટે ગયો હતો. ગઈ કાલે તે જલારામનગરમાં રહેતા માતા ભાનુબેનને મળવા માટે ગયો હતો જયાં તેને મિત્ર ભુપેન્દ્ર પટેલ મળ્યો હતો. ભુપેન્દ્રએ તેને જણાવ્યું હતું કે મારી પત્ની રૂપાબેનને જલારામનગરમાં રહેતો કૈાશીક નટવરસિંહ દરબાર વોટ્‌સએપ પર ‘હાય’ના મેસેજ મોકલી છેડતી કરે છે. રાતે આઠ વાગે ભુપેન્દ્ર પટેલ મિત્ર કમલેશને લઈને કૈાશિક દરબારના ઘર પાસે ગયા હતા જયાં ભુપેન્દ્ર અને કૈાશિક વચ્ચે પત્નીને મેસેજ મોકલી છેડતીના મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ આ ઝઘડામાં કમલેશે દરમિયાનગીરી કરતા જ કૈાશિક તેમજ તેના પિતા નટવર છત્રસિંહ દરબાર અને ભાઈ કલ્પેશે આ અમારો અંદરનો મામલો છે, તું શું કરવા વચ્ચે પડે છે ? તેમ કહીને કલ્પેશ પર તુટી પડ્યા હતા. પિતા-પુત્રની ત્રિપુટીએ કલ્પેશને ચાકુના ઘા ઝીંકી તેમજ માથામાં પાઈપના ફટકા મારી અને તેમજ ચપ્પલ મુકવાનું સ્ટેન્ડ ફટકારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ ઈજાના કારણે કલ્પેશ માળીનું સારવાર મળે તે અગાઉ જ ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવની હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યારા પિતા-પુત્રો સહિતની ત્રિપુટીની અટકાયત કરી હતી.

હુમલાખોર પૈકીનો એક તાજેતરમાં જ જામીનમુક્ત થયો છે

આ બનાવ અંગે મૃતક કમલેશની બહેન ભારતી પ્રજાપતિએ જણાવ્યું હતું કે મારો ભાઈ ગત રાત્રે રૂપાબેન તેમજ તેના પતિ ભુપેન્દ્ર અને દિયર સાથે કૈાશિકને સમજાવવા માટે ગયો હતો. જાેકે મારા ભાઈ પર હુમલો થતા જ ભુપેન્દ્ર અને તેનો ભાઈ ત્યાંથી ભાગી ગયા હતા જયારે રૂપાબેન ત્યાં ઉભા રહ્યા હતા અને તેમણે ૧૦૮માં ફોન કર્યો હતો. આ ત્રિપુટી પૈકી એક આરોપી છ માસ પહેલા બસમાં છેડતીના ગુનામાં જેલમાં હતો અને બે માસ અગાઉ તે પૈસા ભરીને જામીન પર છુટ્યો છે.

કમલેશે લોહીલુહાણ હાલતમાં દોટ મુકતા ઉત્તેજના ફેલાઈ

ત્રિપુટીના નિર્મમ હુમલા બાદ કમલેશે જીવ બચાવવા માટે બુમરાણ મચાવી લોહીલુહાણ હાલતમાં દોટ મુકી હતી. તેને લોહીલુહાત હાલતમાં દોડતો જાેતા જ જલારામનગરમાં ઉત્તેજના ફેલાઈ હતી. હુમલાના સ્થળેથી થોડે દુર જતા જ કમલેશ રોડ પર ફસડાઈ પડ્યો હતો જેને પગલે ત્યાં કમલેશના પરિવારજનો અને રૂપાબેન ત્યાં દોડી ગયા હતા.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution