લંડન-
ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલ પર પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરતા બ્રિટને તેને ભારતનો આંતરિક મામલો ગણાવ્યો છે. બ્રિટને કેનેડાથી વિપરિત એ પણ સ્પષ્ટ કરી દીધુ કે ખેડૂત આંદોલન ભારતનો આંતરિક મામલો છે અને તેમાં કોઈ પણ પ્રકારના હસ્તક્ષેપની જરૂર નથી. આ અગાઉ કેનેડાના પ્રધાનમંત્રીએ ભારતના વિરોધ છતાં ખેડૂત આંદોલન પર ટિપ્પણી કરી હતી. યુકેના વિદેશ, રાષ્ટ્રમંડળ અને વિકાસ કાર્યાલયના પ્રવક્તાએ કહ્યું કે ખેડૂતોનું આંદોલન ભારતનો આંતરિક મામલો છે. બુધવારે બ્રિટિશ સાંસદમાં પણ આ મુદ્દો ઉઠ્યો હતો.
લેબર પાર્ટીના શીખ સાંસદ તનમનજીત સિંહ ઢેસીએ હાઉસ ઓફ કોમન્સમાં ભારતના ખેડૂત આંદોલન પર સવાલ કર્યા હતા, જેના પર બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સને કોઈ પ્રત્યક્ષ પ્રતિક્રિયા આપી નહતી. બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સને સાંસદ ઢેસીના સવાલના જવાબમાં ભારત-પાકિસ્તાન બંનેનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે નિશ્ચિતપણે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે પણ કઈ થઈ રહ્યું છે તેના વિશે અમારી ગંભીર ચિંતાઓ છે, પરંતુ આ મુદ્દો બંને દેશોનો આંતરિક મુદ્દો છે અને ત્યાંની સરકારોએ ઉકેલવાનો છે. હું જાણું છું કે તેઓ (તનમનજીત સિંહ ઢેસી) તે પોઈન્ટની સરાહના કરે છે.
ગત અઠવાડિયે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ ખેડૂત આંદોલન પર નિવેદનો આપ્યા હતા. એક સવાલના જવાબમાં તેમણે આંદોલન પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે કેનેડા દુનિયાભરમાં ક્યાંય પણ થતા શાંતિપૂર્ણ વિરોધના અધિકાર માટે હંમેશા ઊભું રહેશે. ત્યારબાદ ભારતીય વિદેશ મંત્રાલયે કેનેડાના રાજદૂતને તલબ કર્યા હતા. રાજદૂતને જણાવવામાં આવ્યું હતું કે ભારતીય ખેડૂતો સંબંધિત મુદ્દાઓ પર કેનેડિયન પ્રધાનમંત્રી અને કેટલાક કેબિનેટ મંત્રીઓની ટિપ્પણી ભારતના આંતરિક મામલાઓમાં અસ્વીકાર્ય હસ્તક્ષેપ સમાન છે.