વડોદરા
કલામંદિરના ખાંચા પાસે રાખવામાં આવેલ કચરાના કન્ટેનરમાંથી એક ૬૦ વર્ષીય વૃદ્ધાનો મૃતદેહ મળી આવતાં આ વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. આ બનાવની જાણ સિટી પોલીસ મથકને કરવામાં આવતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વૃદ્ધાના મૃતદેહનો કબજાે મેળવી પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડયો હતો. પોલીસને મૃતક વૃદ્ધા આજવા રોડ પર રહેતી હોવાની પ્રાથમિક વિગત મળતાં પોલીસે તપાસનો દોર આગળ ધપાવતાં મૃતક વૃદ્ધાની ઓળખ થવા પામી હતી.
પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ આજવા રોડ હરિ ટાઉનશિપ પાસેના ઝુંપડામાં રહેતા ૬૦ વર્ષીય ગૌરીબેન ગોવિંદભાઈ વાડેદરા કાગળ વીણીને પોતાનું પેટિયું રળતી હતી અને રોજ કલામંદિર વિસ્તારમાં કોથળો લઈને કચરો વીણવા માટે આવતી હતી. ગઈકાલે તેણીની તોફાની વાવાઝોડા અને વરસાદમાં પણ કાગળ વીણવા માટે નીકળી હતી. આજે સવારે આ વૃદ્ધા ગૌરીબેનનો મૃતદેહ કચરાના કન્ટેનરમાંથી મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ સિટી પોલીસ મથકને કરવામાં આવી હતી. પોલીસ બનાવસ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી સાથે મૃતદેહનો કબજાે મેળવી પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. વૃદ્ધાના મોતનું કારણ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મળશે એમ પોલીસસૂત્રોએ જણાવ્યું હતું.