મુંબઈ-
મુંબઈ શેરબજારમાં બુધવારે તેજી તરફી રોકાણકારો ખુશખુશાલ થઈ ગયા હતા અને તેમની મૂડીમાં પણ નોંધપાત્ર વધારો થયો હતો, જેની પાછળ કારણ હતું કે બુધવારે તેજી તરફી પવન ફૂંકાતા ગયા વર્ષના સપ્ટેમ્બર માસ પછી આજે સૌથી મોટો ઉછાળો જોવાયો હતો.
ગત સપ્ટેમ્બર માસમાં 25મી તારીખે સેન્સેક્સમાં 800થી વધારે પોઈન્ટનો ઉછાળો જોવાયો હતો. હેવીવેઈટ શેરો એચડીએફસી, એચડીએફસી બેન્ક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને આઈસીઆઈસીઆઈ બેન્ક જેવા શેરોમાં સુધારાનું સેન્સેક્સના ઉછાળામાં 50 ટકા યોગદાન નું જ રહ્યું હતું. મિડ કેપ ઈન્ડેક્સ 2.31 ટકા વધ્યો હતો, જ્યારે સ્મોલ કેપ ઈન્ડેક્સ 1.66 ટકા વધ્યો હતો.
રોકાણકારોની મૂડીમાં ત્રણ લાખ કરોડનો વધારો થયો હતો. બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન અંદાજે સાડાત્રણલાખ કરોડથી વધીને આશરે 1,96,19,149.34 કરોડ થયું હતું. તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ વધીને બંધ રહ્યા હતા. અમેરિકામાં જો બિડેન પ્રમુખપદે 20મીએ શપથ લે તે પછી નવેસરના સ્ટીમ્યુલસ પેકેજની આશા અને સ્થાનિક સ્તર પર કંપનીઓના પ્રોત્સાહક પરિણામો પાછળ બજારમાં ખરીદી જોવા મળી હતી. રૂપિયો મજબૂત થતા વિદેશી રોકાણકારોની ખરીદી પણ વધી હતી. એફઆઈઆઈએ આશરે 257.65 કરોડની નેટ ખરીદી કરી હતી, જ્યારે ડીઆઈઆઈએ આશરે 199.40 કરોડની નેટ વેચવાલી કરી હતી.
વૈશ્વિક ક્રૂડ ઓઈલ માર્કેટમાં પણ સુધારો જોવાયો હતો અને બ્રેન્ટ ક્રૂડ ઓઈલ 1 ટકાથી વધુ વધીને બેરલદીઠ 55-56 ડોલર વચ્ચે ટ્રેડ થયું હતું. ફોરેક્સ માર્કેટમાં રૂપિયો ડોલર સામે 11 પૈસા વધીને 73.17 પર બંધ રહ્યો હતો