આધ્યાત્મિકતાનો મૂળ પાયો ર્નિભયતા

ગાંધીજી કહે છે, ‘આધ્યાત્મિકતાનો મૂળ પાયો ર્નિભયતા છે. ડરપોકમાં નીતિબળ સંભવે જ નહીં’

નેપોલિયન એકવાર એક યુદ્ધ ખેલતો હતો. એ સમયે તેના સૈન્ય સામે એક અગ્નિ વર્ષાવતો ગોળો આવી પડયો. તે ફૂટે તે પહેલાં નેપોલિયન તે ગોળા સામે પોતાનો ઘોડો દોડાવીને લઈ ગયો અને તેની નજીક ઊભા રહી તેના ફાટવાની રાહ જાેવા લાગ્યો. તેના સૈનિકોના શ્વાસ અદ્ધર થઈ ગયા. થોડીવારમાં જ તે ગોળો ફાટયો અને નેપોલિયન તથા તેનો ઘોડો બંને ઊછળીને બાજુએ પડયા. ઘોડો ઘવાયો પણ નેપોલિયન તો તરત ઊભો થઈ ગયો અને બીજાે ઘોડો મંગાવી ફરી યુદ્ધ વચ્ચે ઘૂમવા માંડ્યો. આથી તેના સૈન્યમાં ખૂબ જાેશ ચડયું. જે વીર છે તે મોતને પોતાની મુઠ્ઠીમાં લઈને ફરે છે અને ડરપોક મોતની મુઠ્ઠીમાં બેસીને જીવે છે. શેક્સપિયર કહે છે, “જે માણસ મધમાખીના ડંખથી ડરીને મધપૂડાનો ત્યાગ કરે છે તે મધ મેળવવા લાયક નથી.’

આપણું એ સદ્‌ભાગ્ય છે કે જગતમાં પંચાણું માણસો ભલે ડરપોક હોય પણ પાંચ માણસો તો શૂરા નીકળશે. આવા શૂરાઓથી જ આ પૃથ્વીની શોભા રહી છે. કોઈકે કહ્યું છે ને!-

'વાદળ ગરજે, મયૂર છૂપે નહિ; ત્રાડ પડે, શૂરો છૂપે નહિ.’

બાળપણમાં જેમને અંધારાનો ખૂબ ડર લાગતો એવા મોહનમાંથી મહાત્મા થયેલા ગાંધીજી અજાેડ વીરપુરુષ હતા. તેમના જીવનમાં અસંખ્ય પ્રસંગો દરમ્યાન તેમની વીરતા ઝળહળી ઊઠી હતી. અંગ્રેજાેની લાઠી ખાવાની હોય કે ગોળી ખાવાની હોય, પણ એ વીરપુરુષની છાતી કદી ધડકતી નહીં. તેઓ કહે છે, ‘સંખ્યાબળ ઉપર તો બીકણો નાચે. આત્મબળવાળા એકલા ઝૂઝે.’

ગુરુ ગોવિંદસિંહના પુત્રોને જીવતા ભીંતમાં ચણી દેવાતા હતા. કારણ હતું ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાનો ઇનકાર. ચણતાં ચણતાં પણ કાજીએ બે-ચાર વાર ફરી ઇસ્લામ ધર્મ સ્વીકારી જીવનદાન મેળવવા સમજાવ્યા પણ વીર બાળકોનો જવાબ હતો “શિર દિયા પણ શીલ ના કિયા.’

ભીરુ પુરુષને શૂરાનો સ્વાંગ પહેરાવી તેને શસ્ત્રાસ્ત્રથી સજ્જ કરવાથી નિઃશસ્ત્ર કરવાથી તેનામાં શૌર્ય ઉત્પન્ન થતું નથી. તે જ રીતે શૂરાને ભીરુનો સ્વાંગ પહેરાવી તેને નિઃશસ્ત્ર કરવાથી તેનામાં ભય ઉત્પન્ન થતો નથી.

આઝાદી પહેલાંનો આ બનાવ છે. મુંબઈથી અમદાવાદ જતી એક ટ્રેનના ફર્સ્ટ કલાસના ડબ્બામાં એક અંગ્રેજ બેઠો હતો. એ ડબ્બામાં કોઈ ફર્સ્ટ ક્લાસનો પેસેન્જર આવે તો તે ઘૂરકીને અંગ્રેજીમાં પૂછતો- કોણ છે તું??

તેનાં ઘૂરકિયાં તથા હાવભાવ જાેઈ કોઈ ફર્સ્ટ કલાસનો પેસેન્જર તે ડબ્બામાં ચડવા હિંમત જ ન કરતો.

એક સ્ટેશન આવ્યું. એક વિદ્યાર્થી ડબ્બામાં બેસવા માટે ચડતો હતો. તરત પેલા અંગ્રેજે ઘૂરકીને પૂછ્યું, ‘કોણ છે તું?’

પેલો યુવાન આદર્શવાળો હતો. તેનામાં ભરપૂર હિંમત હતી. અંગ્રેજના ઘૂરકાટથી સહેજ પણ ડર્યા વિના તેણે કહ્યું, ‘હું પ્રથમ વર્ગનો મુસાફર છું. મારી પાસે ફર્સ્ટ કલાસની ટિકિટ છે. હું આ ડબ્બામાં બેસવા માટે કાયદેસરનો હક્કદાર છું.’

અંગ્રેજ ખાનદાન હતો. તેણે તરત યુવાનને ડબ્બામાં આવકારી કહ્યું, ‘ભલે, અંદર આવો. તમારી ર્નિભયતાથી મને આનંદ થયો. હું છેક મુંબઈથી આવું છું. હું દરેક સ્ટેશને તમારા હિંદુસ્તાનીઓની ર્નિભયતાની કસોટી કરવા તેમને ડરાવવાનો પ્રયત્ન કરતો અને બધા જ ડરીને ભાગી જતા. પરંતુ તમે એક ર્નિભય યુવાન નીકળ્યા ખરા. તમારી સાથે બેસતાં મને જરૂર આનંદ થશે.’

માણસના ભયનું કારણ પાપ અને સ્વાર્થ છે. પાપી મનને તેનું પાપ ખુલ્લું પડી જશે તેનો સતત ભય લાગ્યા કરે છે. માણસ જ્યારે કંઈક ખોટું કામ કરે કે ત્યારે તે હંમેશાં ભયમાં જીવે છે. પ્રસિદ્ધ વાત છે કે ટિકિટ લીધા વિના ટ્રેનમાં બેઠેલાને કાળા કોટવાળો દરેક પેસેન્જર ટી.ટી. જ દેખાય છે. એ જ રીતે સ્વાર્થ પણ ભય સર્જે છે.

આપણા મનનું નિરીક્ષણ કરશું તો તરત જણાશે કે આપણે સતત જુદા જુદા ભયમાં જ જીવીએ છીએ. આપણાં નાનાં કાર્યો દરમ્યાન પણ ભય તરત દોડી આવે કે. જેમ કે, તમે સાઇકલ દુકાન બહાર મૂકી કંઈક ખરીદવા દુકાનમાં ચઢો છો તે પુર્વે બરોબર તાળું મારો છો. વળી દુકાનમાંથી પણ શક્ય હોય તો સાઇકલ પર નજર નાખ્યા કરો છો. ગૃહિણીએ ગેસ સિલિંડરનું બટન બંધ કર્યું હોય છે છતાં કરી થોડીવારે આવી તેને ચકાસી લે છે. તમે દુકાનમાં કંઈક ખરીદવા જાવ છો તે પૂર્વે તે વિશે બે વ્યક્તિઓની સલાહ લો છો. કારણ કે દુકાનદાર તમને છેતરી જશે તેનો ભય છે. તમે જાેશો તો તમને ડગલે ને પગલે ભય દેખાશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution