સ્થાપત્યની સમગ્રતામાં એક અંશને ‘વિશેષ’ બનાવવાની કળા

કળાના દરેક ક્ષેત્રમાં તેના અંગો પરસ્પર સંકળાયેલા હોય. આવા સંકલન થકી જ ઉભરતી “સમગ્રતા”ની લાગણી થકી કળાના જે તે નમૂનાનો સંદેશો સ્પષ્ટ બને. આ એક વાક્ય જેવું છે. વાક્યનો દરેક શબ્દ અર્થપૂર્ણ રીતે અન્ય શબ્દો સાથે સંકળાયેલો હોય તો જ વાક્યનો અર્થ ઉદભવે. વાક્યના શબ્દો જાે પોતાની આગવી તથા “એકાકી” ઓળખ જાળવી રાખે તો વાક્યનો અર્થ સ્થાપિત ન થાય. વાક્યની આવી સમજ ફકરા તથા પ્રકરણ માટે પણ લાગુ પાડી શકાય. તે છતાં પણ વાક્યમાં અમુક શબ્દોનું ખાસ મહત્વ હોય છે. આ શબ્દો વાક્યના સંદર્ભમાં અગત્યનો ભાગ ભજવતા હોય છે. ઘણીવાર તો એક શબ્દ જ વાક્ય બની જાય. તેથી જ આવા શબ્દોને ઘાટા કે અલંકૃત રીતે લખવામાં આવે તો જે તે વાક્યનો સંદેશો વધુ સહજતાથી સ્પષ્ટ થાય. કળાના અન્ય ક્ષેત્રમાં - અને તેથી સ્થાપત્યમાં પણ આમ થતું જાેવા મળે છે. વાક્યમાં જેમ કેટલાક શબ્દો કે શબ્દ-સમૂહને વધુ મહત્વ અપાય છે તેમ સ્થાપત્યમાં પણ કેટલાક ભાગને વિશેષ બનાવાય છે. આનાથી સ્થાપત્ય થકી એક વિશેષ પ્રકારની અનુભૂતિ સ્થાપિત થતી હોય છે. આ જરૂરી પણ છે.

સ્થાપત્યના અંગો પરસ્પર સંકળાયેલા હોય તે સ્વાભાવિક છે. આ અંગો એકબીજાને આધારિત તથા “સમૂહ” તરીકે લેખાય છે. આ અંગો સામિપ્યમાં આવેલા હોય છે. તેમની બાંધકામની સામગ્રી તથા તકનીક પણ સમાન હોય છે. મકાનના બધા અંગોના માપ તથા પ્રમાણ પણ પરસ્પર અવલંબિત રહે છે. આ બધા જ અંગો પૂર્વનિર્ધારીત એક કાર્યહેતુ માટે હોવાથી પણ તેમની વચ્ચેનું સંકલન સ્વાભાવિક છે. વળી મકાનમાં સ્થાપત્યના અંગો પરસ્પર સમાન પૃષ્ઠ-ભૂમિકામાં રચાતા હોવાથી તેમનું પરસ્પરનું અવલંબન પણ સ્વાભાવિક છે અને તે બાબત સ્પષ્ટ પણ વર્તાતી પણ હોય છે.

સ્થાપત્ય એક રીતે વિશાળ કલાકૃતિ હોવાથી, તેની રચના પાછળ એક ચોક્કસ ભૂમિકા હોવાથી, તેનામાં “એકપણું” હોય તે સ્વાભાવિક છે. કોઈપણ મકાન વિવિધ જગ્યાએથી ભેગા કરેલાં જુદા જુદા અંગોને બનાવ્યું છે તેવું તો ન જ લાગવું જાેઈએ. મકાનની રચના પાછળ એક “અમૂર્ત” વિચાર હોય જે બધા જ અંગોને એક-સૂત્રતામાં બાંધી દે. આમ સ્થાપિત થયા પછી જ મકાનના જે તે અંગને વિશેષ બનાવવાનો પ્રયત્ન થઈ શકે.

સ્થાપત્યની રચનામાં કેટલાક ભાગને વિશેષ તથા ધ્યાનાકર્ષક બનાવાય છે. આમ કરવા માટેના કારણોમાં મુખ્યત્વે મકાનમાં કેન્દ્ર સ્થાપિત કરવાની જરૂરિયાત, મુલાકાતી કે ઉપયોગકર્તાની નજરને પકડી રાખવાની ઈચ્છા, મકાનના જે તે સ્થાન કે તેને સંલગ્ન જે તે ઉપયોગીતાનું મહત્વ સ્થાપિત કરવાની જરૂરિયાત, મકાનમાં પ્રયોજાયેલા ઘટકો કે તેનાથી નિર્ધારિત થતા સ્થાનનો સૂચવવો જરૂરી અગ્રતાક્રમ, સંભવિત એકધારાપણાને તોડવાની ઈચ્છા, સમગ્ર રચનાનું મહત્વ સ્થાપિત કરવાનું આયોજન કે પછી જે તે વ્યક્તિની વ્યક્તિગત પસંદગીને પ્રાધાન્ય આપવાની ચેષ્ટા - આ તથા આવા કારણોસર મકાનના જે તે ભાગને કે સ્થાનને અન્ય પરિસ્થિતિ કરતા “આગવા” બનાવાય છે. આવું આગવાપણું - વિશેષપણું મકાનને નવી જ ઓળખ આપે છે.

મકાનના કોઈ એક ભાગને બાંધકામની ભિન્ન સામગ્રીના ઉપયોગ થકી, તેના માપ કે પ્રમાણમાં બદલાવ લાવીને, તેનો આખરી ઓપ ભિન્ન બનાવીને, તેના સ્થાનને વ્યુહાત્મક મહત્વ આપીને, તેની ગોઠવણને વિશેષ બનાવીને, તેના રંગ-રોગાનમાં નવીનતા લાવીને, આવનજાવનના માર્ગ સાથે તેને સાંકળીને, તેના વિગતિકરણમાં સમૃદ્ધિ લાવીને, મકાનના સૌથી મહત્વના કાર્યહેતુ સાથે તેને ગોઠવીને કે આવા અન્ય કોઈ પ્રકારે વિશેષ બનાવાય છે.

સ્થાપત્યના જે તે ભાગને વિશેષપણું આપવાની આવી પ્રત્યેક રીતની અસર ભિન્ન ભિન્ન હોય. બાંધકામની સામગ્રીમાં ભિન્નતા લાવવાથી “અચંબા”નો ભાવ પ્રગટે. માપ કે પ્રમાણમાં બદલાવ લાવી તેને વિશાળતા આપવાથી “ભવ્યતા” ઉભરે. તેના આખરી ઓપને મઠારવાથી અનુભૂતિમાં સમૃદ્ધિ આવે. તેને વ્યૂહાત્મક સ્થાને મૂકવાથી અગ્રતાક્રમમાં તેનું મહત્વ વધી જાય. તેની ગોઠવણ વિશેષ બનાવવાથી નાટકીયતા સર્જાય. તેના રંગ-રોગાન બદલવાથી રમ્ય વિરોધાભાસ ઉભો કરી શકાય. આવન-જાવનના માર્ગ ઉપર તેને ગોઠવીને તેને ધ્યાનાકર્ષક બનાવી શકાય. તેનું બારીક વિગતિકરણ કરવાથી તેની દ્રશ્ય-અનુભૂતિ સમૃદ્ધ બને. મકાનના આવા ભાગને જાે મહત્વના કાર્ય-સ્થાન સાથે સાંકળવામાં આવે તો તે કાર્ય-સ્થાનનું મહત્વ પણ વધી જાય. સંભાવનાઓ ઘણી છે અને તેનું પરિણામ પણ ચોક્કસ છે. સાથે સાથે એ પણ સમજવાની જરૂર છે કે આવી પ્રત્યેક સંભાવના એક કરતાં વધુ પરિણામ આપી શકે. ધ્યાન એ રાખવાનું હોય કે આ બધું કરતી વખતે મકાનની સમગ્રતાની અનુભૂતિને ક્ષતિ ન પહોંચે.

કળાના અન્ય ક્ષેત્રની જેમ, સ્થાપત્યના અંગો આમ પણ પરસ્પર ચોક્કસ પ્રકારની ભૌતિક તેમજ વૈચારિક શૃંખલાથી જાેડાયેલા હોય. આવી શૃંખલા તકનીકી હોઇ શકે કે ઉપયોગીતા પ્રમાણેની. આ શૃંખલા દ્રશ્ય-અનુભૂતિ લક્ષી હોઈ શકે કે સ્થાન-આયોજન આધારિત. આ શૃંખલા મૂળભૂત બાબતોને આધારિત હોઈ શકે કે વિશેષ પ્રકારની મનોભૂમિકાની પૃષ્ઠ ભૂમિકામાં હોઈ શકે. આવી દરેક પરિસ્થિતિમાં તેમની વચ્ચેનું પરસ્પરનું અવલંબન સહજ છે. તેમાં જ્યારે પણ આવા વિશેષપણાનો ઉમેરો થાય ત્યારે તેની પાછળનું પ્રયોજન ચોક્કસ હોવું જાેઈએ, જેને આધારે એ નક્કી થઈ શકે કે આ વિશેષપણું કેવી રીતે, કેટલી માત્રામાં અને ક્યાં સર્જવું છે. જાેવાનું એ રહે છે કે તેનાથી ક્યાંક સ્થાપત્યની અનુભૂતિમાં નકારાત્મક “ઓછપ” ઊભી ન થાય.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution