પતિ-પત્નીના દાંપત્યજીવનના શરૂઆતના વર્ષો ઘણા જ મધુર અને યાદગાર હોય છે. લગ્નજીવનના એ બે ત્રણ વર્ષો બંને એકબીજા માટે જીવ્યા હોય છે. હરવું-ફરવું, મોજમસ્તી અને જવાબદારી વગરનું નિષ્ફિકર જીવન એ આજીવનનું એક સંભારણું બની જાય છે.
લગ્નના અમુક વર્ષો બાદ ઘરમાં બાળકનું આગમન થાય છે. આમ તો બાળકનો જન્મ એ પરિવાર માટે સૌથી મોટો ઉત્સવ હોય છે. એક બાળકનો જન્મ આખા પરિવારની ખુશીનું કારણ હોય છે.પતિ-પત્ની સિવાય પરિવાર પણ ઘરમાં બાળકની કિલકારી સાંભળવા ઉત્સુક હોય છે અને બાળકના આગમનથી પરિવારમાં ખુશીનો માહોલ જાેવા મળે છે. બાળકનું આગમન થતાં પતિ-પત્ની માતાપિતાનો દરજ્જાે મેળવે છે. બંને પોતાનો સૌથી વધારે સમય બાળકને આપતા હોય છે. બાળક પહેલીવાર આંખો ખોલે ત્યારથી એની એક એક હરકતોને પોતાના જીવનનું યાદગાર સંભારણું બનાવવા માંગતા હોય છે. આ સમય દરમ્યાન પતિ-પત્ની પોતાનો અંગત સમય અને પોતાની અંગત જિંદગી વિસરી જતાં હોય છે અને બાળકમય બની જતા હોય છે.
બાળકનું આગમન એ એક ઉત્સવ છે તો સાથોસાથ બાળક એ માતા-પિતાની સૌથી મોટી જવાબદારી છે . બાળકને પૂરતી સગવડો અને તમામ પ્રકારના સુખ આપવાની માતા-પિતાની પ્રબળ ઝંખના હોય છે. તેમની દુનિયા બાળકની આસપાસ બનીને રહી જાય છે. બાળકને તમામ પ્રકારના સુખસુવિધા, સારામાં સારું ભણતર અને સારી જીવનશૈલી આપવા માટે આવકના સ્ત્રોતો વધારવા અને એના માટે પોતાની જિંદગીના સૌથી વધારે સમય કમાવા માટે આપવામાં પુરુષ વ્યસ્ત થઈ જતો હોય છે. સ્ત્રી કે જે માતા બને છે એ બાળકને સંસ્કાર આપવામાં અને એનો સારો ઉછેર કરવામાં પોતાની જાતને વ્યસ્ત કરી દે છે. બાળકને સારા સંસ્કાર, યોગ્ય ખાનપાન અને એના શારીરિક-માનસિક તેમજ બૌદ્ધિક વિકાસ પાછળ પોતાનો બધો સમય વિતાવતી હોય છે. બાળકનાં જન્મ પછીના પાંચથી છ વર્ષ અતિ મહત્વના હોય છે. આ વર્ષ દરમિયાન તેનો શારીરિક,માનસિક અને બૌદ્ધિક વિકાસ સૌથી વધારે થતો હોય છે. બાળક જેમ જેમ મોટું થાય એમ એમ એના ખર્ચ પણ વધે છે. માતાની જવાબદારી પણ વધે છે. બાળક સારા ખરાબ વચ્ચેનો ભેદ પારખી શકે એ કામ પણ એમના માતા-પિતાએ જ કરવાનું હોય છે. બાળક ઘરની બહાર નીકળતું થાય પછી અનેક લોકોના સંપર્કમાં આવે છે. દરેક માણસો સારા છે કે ખરાબ એની ચકાસણી કરવાથી લઈને ખરાબ લોકોના સંપર્કમાં આવવાથી બચવા સુધીની તાલીમ આપવાની માતા પિતાની જવાબદારી હોય છે અને આવી જવાબદારીઓ નિભાવતાં નિભાવતાં પતિ-પત્નીના જીવનનો એટલો સમય પસાર થઇ જાય છે કે આ સમય દરમિયાન પતિ-પત્ની મોટાભાગે માતા-પિતા બનીને રહી જતા હોય છે જે સુખી દામ્પત્યજીવન માટે નુકશાનકર્તા છે. એવું બનતું હોય છે કે બાળકનું આગમન એ દાંપત્યજીવનનો અંત બની જાય છે.
પતિ-પત્ની બંનેએ એ ન ભૂલવું જાેઈએ કે બાળક એ એમના પ્રેમની નિશાની છે. બાળકના આગમનથી પતિ-પત્નીની જિંદગી ખતમ નથી થઈ જતી. પતિ પત્નીએ બાળક સિવાય પણ એકબીજાને સમય આપતા રહેવું. બાળકની જવાબદારી નિભાવતાં નિભાવતાં એકબીજા પ્રત્યેની જવાબદારીમાં કચાશ આવે અથવા એક બીજાની લાગણી દુભાય તો એ દાંપત્યજીવન માટે નુકશાનકર્તા છે. પોતાનો કિંમતી સમય બાળકને આપવાની સાથે સાથે પતિ-પત્ની બંનેએ પોતાના સમય અને બાળકનું ટાઇમટેબલ એવી રીતે ગોઠવવું જાેઈએ કે બંને એકબીજાને પૂરતો સમય આપી શકે. આ સમયને પતિ-પત્નીનો સમય રાખવો જાેઈએ જેમાં બંને એકબીજા પ્રત્યેની પોતાની લાગણી વ્યક્ત કરી શકે અને બાળકોને લગતા કેટલાક આયોજન કરી શકે અને આ રીતે એકબીજાને સમય આપીને દાંપત્યજીવનને તરોતાજા રાખી શકે. બાળકના આગમનથી જીવન તો હર્યુભર્યું બને છે પરંતુ ક્યાક બાળકોની જવાબદારીઓમાં ખોવાઈને દાંપત્યજીવન ખોરંભે ચડી જતુ હોય છે. આખો દિવસ બાળકોના કામકાજ અને જવાબદારી તેમજ એની માંગણીઓને પૂરી કરવામાં સ્ત્રી એ ભૂલી જાય છે કે એ કોઈની પત્ની પણ છે અને એના પતિને પણ એના પ્રેમની, સાંભળની તથા અટેન્શનની અને આકર્ષણની જરૂર હોય છે. આખો દિવસ પોતાના કામમાં વ્યસ્ત રહેતી પત્ની પતિ માટે સજવા-ધજવાનું પણ ભૂલી જતી હોય છે. આવા સમયે પતિને પોતે નજરઅંદાજ થયાની લાગણી કોરી ખાતી હોય છે. પતિ ક્યારેક ફરિયાદ કરવાનું વિચારે તો પણ એ પત્નીની જવાબદારીને સમજતો હોય છે. સતત મન મનાવતો પતિ ક્યારે ઈચ્છા અને જરૂરિયાતની વચ્ચે લોલકની જેમ ઝુલતો કોઈ નવા પાત્ર પાસે ફંગોળાઈને જતો રહે એવું પણ આ સમયગાળા દરમિયાન બનવાની સંભાવના હોય છે. જાે આ સમયે પતિની લાગણી અને માંગણીને સાચવી લેવામાં આવે તો દાંપત્યજીવનને તૂટતું બચાવી શકાય છે. જે પત્ની બાળકના આગમન પછી પોતાને ફક્ત માતા માનતી હોય છે તેનું લગ્નજીવન કાં તૂટી જાય છે અથવા તો એમાં પતિ-પત્ની વચ્ચે સહજીવન જેવું કશું જ બચતું હોતું નથી.
બાળકની ફરજ અને જવાબદારીમાં પતિ-પત્નીએ એકબીજા પ્રત્યેની ફરજ અને જવાબદારી ક્યારેય ન ભૂલવી જાેઈઅ.ે કારણકે બાળક એ પતિ-પત્નીના પ્રેમની નિશાની હોય છે. બાળકના પ્રેમમાં જ્યારે બંને એકબીજાને ભૂલી જતાં હોય છે ત્યારે એના પરિણામ અતિ ગંભીર આવે છે, જે બાળકના ભવિષ્ય પર વધારે અસર કરતું હોય છે. બાળક પતિ-પત્નીને માતા-પિતા બનાવે છે પણ માતા-પિતા પહેલા બંને પતિ-પત્ની છે એ ક્યારેય ન ભૂલવું જાેઈએ. બાળકોને પતિ-પત્નીએ પ્રેમ અને જતનથી બનાવેલા માળામાં આવેલા પંખીઓ છે. એ આજે આવ્યા છે અને કાલે ઉડી જવાના, પરંતુ પતિ-પત્ની આજીવન એકબીજાના સાથીદાર છે. મોટાભાગના કિસ્સામાં એવું બનતું હોય છે કે ઘર-પરિવાર અને બાળકોમાં ખોવાઈ જતી પત્ની પતિ માટે સમય નથી ફાળવી શકતી. પતિના કામકાજથી ઘરે આવવાના સમયે કામવાળી જેવી પત્ની ધીમે ધીમે પતિના મનમાંથી પોતાનું સ્થાન ગુમાવી દે છે. પુરુષ સતત એટેન્શન ઇચ્છતો હોય છે. પત્ની તરફથી પોતાને પહેલા જેટલો પ્રેમ કે સમય ન મળતો હોવાના કારણે એ દિશા ભટકી શકે છે. કેટલાય કિસ્સા એવા જાેવામાં આવે છે કે પતિ હોંશે હોંશે ફિલ્મની ટીકીટ લાવે અને પત્નીને બાળકોમાંથી ફુરસદ જ ન હોય. ધીમે ધીમે પતિ એક કંપની શોધે છે અને સમય જતાં એ કંપની પતિના હૃદય સુધી પહોંચી જતી હોય છે. પત્ની બે પાંચ વર્ષે જ્યારે બાળકોમાંથી ફ્રી થાય ત્યારે એને સમજાય છે કે પોતે કેટલી મોટી ભૂલ કરી છે પણ એ ભૂલ સુધારી શકાતી હોતી નથી અને ક્યારેક એ પતિપત્નીના સંબંધ વિચ્છેદનું કારણ બને છે.