ભારતમાં ક્રિકેટની લોકપ્રિયતા એટલી બધી છે કે ક્રિકેટ એ જ ભારતની ઓળખ એવું બની ગયું છે. જે સારી વાત છે અને ગૌરવ લેવાની વાત પણ છે. પરંતુ આ એક માત્ર રમતને કારણે અનેક રમતો ઢંકાઈ ગઈ છે અને અનેક રમતના ખેલાડીઓ તેના માટે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે છતાં દુઃખની વાત એ છે કે સરકાર દ્વારા અન્ય રમતો કે અન્ય રમતોના ખેલાડીઓને પ્રોત્સાહન મળે એવા ખાસ ઉપાયો કરવામાં આવતા નથી. જે અંગે તાજેતરમાં જ વર્લ્ડ જુનીયર ચેસ ચેમ્પિયન બનેલ દિવ્યા દેશમુખે કહેલી કેટલીક વાતો જાણવા જેવી છે.
દિવ્યા દેશમુખ તાજેતરમાં વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયન બની છે. વિશ્વમાં ભારતના નામનો ડંકો વગાડ્યો છે. પરંતુ તેની જેટલી વાહવાહી થવી જાેઈએ એના પ્રમાણમાં લગભગ નહીં જેવી થઈ છે અને તેના પ્રત્યે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર કે જે તે એસોસિએશન છે તે ઉદાસીન છે એમ કહેવું અતિશયોક્તિ નથી. દિવ્યા દેશમુખે અંતરની વેદના દર્શાવતા કહ્યું કે એમ તો અમારે ચાર કલાક ચેસ બોર્ડ પર રમવાનું હોય છે પરંતુ આ ચાર કલાક માટે વર્ષોથી મહેનત કરવી પડે છે. વર્ષોના વર્ષ કલાકો સુધી રોજિંદી પ્રેક્ટિસ બાદ નિપુણતા આવે છે.
તેના કહેવા પ્રમાણે એક ચેસ પ્લેયર શરીરથી પણ મજબૂત રહેવું જરૂરી છે. ચેસ પ્લેયરના નાતે માનસિક રીતે અથવા તેઓએ શારીરિક રીતે પણ મજબૂત રહેવું જ પડે છે. તેઓએ થાકથી દૂર રહે એ જરૂરી છે. તેના કહેવા પ્રમાણે લોકોને એ ખબર નથી કે દરેક ચેસ ખેલાડી ૨૪ કલાકમાંથી ૧૨,૧૩ કલાક જેટલો સમય પ્રેક્ટિસ કરતા હોય છે. તેને એ વાત તરફ ધ્યાન દોર્યું કે હાલના સમયમાં ચેસ ખેલાડીને નિપુણતા મેળવવા માટે નવા સંશોધનો પણ માર્કેટમાં આવી ગયા છે. અને તેના સથવારે રમતમાં કૌશલ્ય મેળવી શકાય છે. હાલના સમયમાં ચેસના ખેલાડીઓ પાસે ઉચ્ચ સ્તરીય એન્જિનનો એક્સેસ હોય છે. તેમની પાસે જીએમ પ્રેપ જેવી સુવિધા પણ હોય છે એટલે ચેસ ખેલાડીઓ આ આધુનિક સંસાધનોના આધારે તે શ્રેષ્ઠ ખેલાડી બની શકે છે.
ચેસ માનસિક રમત છે. તેને પોતાનો દાખલો આપતા કહ્યું કે માનસિક રમતના કારણે પ્રેક્ટિસ અને સ્પર્ધા દરમિયાન માનસિક રીતે ખૂબ થાકી જવાય છે. ઘણીવાર એવું પણ બન્યું છે કે તે પોતે મેચ દરમિયાન માનસિક દબાણના કારણે રડવા લાગી હતી. તેને એમ પણ કહ્યું કે તે પેનીક એટેકનો સામનો કરી ચૂકી છે. તેણે મેચ પહેલા એન્ઝાઈટીનો સામનો પણ કર્યો છે. તેનો કહેવાનો ભાવાર્થ એ છે કે જે ખેલાડી ખૂબ જ મહેનત કરે છે છતાં પણ તેના મહેનતના પ્રમાણમાં તેને જાેઈતી પ્રસિદ્ધિ, વાહવાહી અને રોકડ પુરસ્કારો કે નાણાકીય લાભ મળતા નથી. આ બધું એક તરફી જ હોય છે અને તે બધું ફાળે જાય છે ક્રિકેટરોના .
તેને સ્પષ્ટતા કરી કે ક્રિકેટરોને જે કંઈ મળે છે તેનો તે વિરોધ નથી કરતી. પરંતુ તેમની સરખામણીમાં અન્ય રમતોની ઉપેક્ષા થવી જાેઈએ નહીં. અને તેઓને પણ ક્રિકેટર જેટલા નહીં તો ક્રિકેટરોના ૨૫ ટકા જેટલી રકમ પણ અને ૧૦ ટકા પણ પ્રસિદ્ધિ મળવી જાેઈએ. તેને વધુમાં કહ્યું કે એક ચેસ ખેલાડીએ શારીરિક અને માનસિક બંને રીતે મજબૂત રહેવું પડે છે. મગજને સતત કાર્યરત રાખવા માટે મેડીટેશન અને યોગા કરવું પડે છે. ચેસ ખેલાડીએ માત્ર મગજ ચલાવવાનો છે આ માનસિકતા ખોટી છે. તેમાં પણ માનસિક રીતે અને સાથે સાથે શારીરિક રીતે પણ મજબૂત રહેવું જરૂરી છે તો જ તે સ્પર્ધામાં ટકી શકે છે. જેના માટે શારીરિક કસરતો પણ કરવી જરૂરી છે.
તેણે પોતાનો દાખલો જણાવ્યો કે તે આઉટડોર સ્પોર્ટસ પર પણ ખાસ ધ્યાન આપે છે. તેને પોતાના દિલની વેદના દર્શાવતા કહ્યું કે ચેસમાં તમને લાઈન લાઈટ માત્ર કેન્ડીડેટ્સ અને વર્લ્ડ કપમાં સ્થાન મેળવવા અને સારા પ્રદર્શન કરવાથી જ મળે છે. જ્યારે ક્રિકેટમાં રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ દેખાવ કરે તો પણ તેની નોંધ લેવામાં આવે છે. અને ઘણો બધો નાણાકીય ફાયદો થાય છે. ત્યારે ચેસના ખેલાડી દિવ્યા દેશમુખ પોતાની વેદના વ્યક્ત કરતા આગળ કહે છે કે અન્ય રમતોની જેમ ચેસમાં સ્પોન્સરશિપ ભાગ્યે જ મળે છે. ખાસ કરીને ટોચના ખેલાડીઓને જ થોડા ઘણા પ્રમાણમાં સ્પોન્સરશિપ મળે છે.
ચેસમાં દર્શકોની ભૂમિકા સુરક્ષાના કારણે ઓછી રાખવામાં આવે છે. તેનો પણ ગેરફાયદો થાય છે. સોશિયલ મીડિયા ફોલોઅર્સ અંગે વાત કરતા તેને કહ્યું કે ચેસમાં દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ એ છે કે હાલ ચેસ ખેલાડીઓને એટલી લોકપ્રિયતા નથી મળતી જેટલી ક્રિકેટને મળી રહી છે. દિવ્યા દેશમુખની આ વાતો ચોક્કસપણે સમજી શકાય કે ભારતમાં ક્રિકેટ સિવાયની રમતના ખેલાડીઓને કેવી માનસિક યાતના ભોગવી પડે છે. આ ભેદભાવની નીતિને કારણે આ ભેદભાવો સત્વરે શક્ય હોય એટલા પ્રમાણમાં દૂર થવો જાેઈએ. તો જ આપને અન્ય રમતોમાં પણ આગળ આવી શકીશું. બાકી એકમાત્ર ક્રિકેટ સામે હાથ જાેડીને ઊભા રહેવા જેવી સ્થિતિ થશે. ચેસના ખેલાડીઓને રાષ્ટ્રીય કે રાજ્ય કક્ષાએ તેની સફળતાની કોઈ નોંધ લેવાતી નથી કે જરૂરી એને ફાયદો આપવામાં આવતો નથી. પરંતુ ક્રિકેટની રમતમાં આ લાભ ચોક્કસ મળે છે.
દિવ્યા દેશમુખ સિવાય પણ અન્ય રમતના ખેલાડીઓ પોતાનો વિરોધ નોંધાવી ચૂક્યા છે અને સરવાળે એમ કહી શકાય કે કોઈ માત્ર ગણતરીના ખેલાડીઓ વિરોધ કરતા નથી. વિરોધ ફક્ત ક્રિકેટની તુલનામાં અન્ય રમતોના ખેલાડીઓ પ્રત્યે રાખવામાં આવતા ભેદભાવનો છે. આ ભેદભાવ દૂર થવો જાેઈએ એવું દરેક રમતના ખેલાડીઓનું એક સુરે કહેવું છે જે હવે સરકારે એસોસિએશનની સમજવાની જરૂર છે.