વડોદરા, તા.૨૯
૧૦મી એમ.જી. વડોદરા મેરેથોનની તા.૮મી જાન્યુઆરીએ યોજાનાર છે. ત્યારે આ મેરેથોનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વડોદરા મેરેથોનનું ફ્લેગ ઓફ કરવામાં આવશે. સવારે ૭.૩૦ કલાકે ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ, રમતગમત, સાંસ્કૃતિક અને યુવા બાબતોના મંત્રી હર્ષ સંઘવી સવારે ૫.૩૦ કલાકે ૪૨.૨ કિ.મી.ની ફુલ મેરેથોન, ૨૧.૧ કિ.મી.ની હાફ મેરેથોન, ૧૦ કિ.મી.ની ક્વાર્ટર મેરેથોનને ફ્લેગ ઓફ કરશે. આ વખતે પ્રથમ વખત મેરેથોનનો રૂટ જૂના શહેરી વિસ્તારોનો રાખવામાં આવ્યો છે અને શહેરની તમામ ઐતિહાસિક ઈમારતોને આવરી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ મેરેથોન દોડ તરીકે અનોખી છે કારણ કે તે વડોદરાના સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરે છે. ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની - વડોદરા તેના સ્થાપત્ય અને પુરાતત્વીય વારસા માટે જાણીતી છે. મેરેથોનનો રૂટ વડોદરા શહેરની હેરિટેજ બિલ્ડિંગ પ્રતાપનગર હજીરા, માંડવી ગેટ, ન્યાયમંદિર અને સુરસાગર નજીકથી પસાર થાય છે. વડોદરા શહેરની વિરાસત જાળવતા આ માર્ગો પર દોડવું એ દોડવીરો માટે એક અનોખો અનુભવ બની રહેશે. વડોદરા મેરેથોનના ચેરપર્સન તેજલ અમીને જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ફ્લેગ ઓફ કરાશે. સર સયાજીરાવ ગાયકવાડના સમયથી રમતગમતને પ્રોત્સાહિત કરતું આવ્યું છે, એમ.જી. મોટર ઇન્ડિયાના વડોદરા મેરેથોન સાથે ૬ વર્ષ સુધીના જાેડાણને હાઇલાઇટ કરતાં, એમ.જી. મોટર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ ચાબાએ જણાવ્યું હતું કે, વડોદરા મેરેથોન સાથે અમારી લાંબા સમયથી ચાલતી ભાગીદારી ચાલુ રાખવાનો અમને આનંદ છે.
અમારો પ્લાન્ટ જ્યાં સ્થિત છે તે શહેરના સમૂદાયને ટેકો આપવો તે અમારી પ્રતિબદ્ધતા તેમજ અમારો વિશેષાધિકાર છે. વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોને દેશની ટોપટેન સૌથી મોટી મેરેથોન તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વભરમાંથી મોટી સંખ્યામાં રજિસ્ટ્રેશન આવી રહ્યા છે.