વડોદરા : આદ્યશક્તિ મા જગદંબા, મા શક્તિની ભક્તિ અને આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ. નવરાત્રિ મહોત્સવનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે વડોદરાના માંડવી સ્થિત અંબા માતાના મંદિરે તેમજ પાદરા તાલુકાના રણુ ગામે આવેલ તુલજા ભવાની માતાના મંદિર સહિત માઈમંદિરોમાં દર્શનાર્થે ભક્તોની ભીડ ઉમટી પડી હતી. મંદિરોમાં હેન્ડ સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
કોરોના મહામારીના કારણે રાજ્ય સરકારે કોઈપણ ગરબાના આયોજન પર પ્રતિબંધ મૂકયો છે. પરંતુ નવરાત્રિ મહોત્સવમાં મંદિરોમાં તેમજ માતાજીની મૂર્તિ સ્થાપન કરીને પૂજા-અર્ચના માટે ગાઈડલાઈન જારી કરવામાં આવી છે. આજથી નવરાત્રિ પર્વનો પ્રારંભ થયો છે ત્યારે શહેરના માંડવી સ્થિત પૌરાણિક અંબા માતાના મંદિરે સવારથી જ દર્શનાર્થે ભક્તોની ભીડ જામી હતી. જાે કે, સોશિયલ ડિસ્ટન્સ સાથે ભક્તોએ માતાજીના દર્શન કર્યાં હતાં.જ્યારે પાદરા તાલુકાન રણુ ગામે ઐતિહાસિક મા તુલજા ભવાની માતાના મંદિરે દર વર્ષે નવરાત્રિની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવે છે. નવરાત્રિની આઠમે મેળો ભરાય છે અને દશેરાએ મહાપ્રસાદી હોય છે. પરંતુ આ વર્ષે મેળો અને મહાપ્રસાદીનું આયોજન બંધ રાખવામાં આવ્યું છે. ભક્તો સોશિયલ ડિસ્ટન્સ સાથે માત્ર દર્શન કરી શકશે. આજે પ્રથમ નોરતે તુલજા ભવાની માતાજીના દર્શનાર્થે વહેલી સવારથી જ માઈભક્તો ઉમેટયા હતા. આજે સવારે ૮.૩૦ કલાકે ઘટસ્થાપન કરવામાં આવ્યું હતું. તા.ર૧મીએ લલિતા પંચમી અને તા.ર૩મીએ દુર્ગાષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. મંદિરમાં થર્મલ ગનથી ટેમ્પરેચર ચેકિંગ તેમજ હેન્ડ સેનિટાઈઝર કરાયા બાદ ભક્તોને સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત શહેર-જિલ્લાના વિવિધ માઈમંદિરોમાં પણ દર્શનાર્થે ભક્તોની ભીડ જામી હતી.
પાવાગઢ મહાકાલી માતા અને કારેલીબાગ બહુચરાજી માતાજીના હજારો ભક્તોએ વચ્ર્યુઅલ દર્શન કર્યા
વડોદરા, તા.૧૭
કોરોના મહામારીના કારણે પાવાગઢ મહાકાલી માતાનું મંદિર તેમજ કારેલીબાગ સ્થિત પૌરાણિક બહુચર માતાનું મંદિર નવરાત્રિ પર્વે ભકતોની ભીડને ધ્યાનમાં રાખીને દર્શન માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. પરંતુ ભક્તો માતાજીનું વચ્ર્યુઅલ દરર્શન કરી શકે તે માટે સ્ક્રીન મૂકવામાં આવ્યા છે. આજે પ્રથમ નોરતે મોટી સંખ્યામાં ભક્તોએ માતાજીના વચ્ર્યુઅલ દર્શન કર્યા હતા.કોરોનાની વધતી જતી મહામારીને પગલે આ વખતે પાવાગઢનું મંદિર નવરાત્રિમાં બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને કારણે ભકતોની આસ્થાને ધ્યાનમાં રાખીને અહીં ડિજિટલ એલઈડી સ્ક્રીન મૂકવામાં આવી છે જેના પર દર્શન ભાવિકો કરી શકે. પાવાગઢ તળેટીથી માંચી સુધી જવા માટે એસટી બસો પણ દોડાવવામાં આવી રહી છે. હાલમાં મહાકાલી મંદિર બંધ હોવાને કારણે ભકતોની સંખ્યામાં ઘટાડો જાેવા મળે તેમ લાગી રહ્યું છે. મંદિર ટ્રસ્ટ દ્વારા માંચી ખાતે જ બંધ પેકેટમાં પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પાવાગઢ ખાતે ઉમટેલા દર્શનાર્થીઓના સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે વિશાલ પંડાલ બાંધીને રેલિંગો પણ ઊભી કરવામાં આવી છે.
જ્યારે કારેલીબાગ બહુચરાજી મંદિર પણ ભકતોની ભીડને ધ્યાનમાં રાખીને નવરાત્રિ પર્વ દરમિયાન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભક્તો વચ્ર્યુઅલ દર્શન કરી શકે તે માટે મંદિર પરિસરની બહાર સ્ક્રીન મૂકવામાં આવી છે જેના પર ભકતો દર્શન કરી શકશે.