મુંબઇ
કંગનાના જન્મદિવસ પર તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'થલાઈવી'નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ફિલ્મનું ટ્રેલર ચેન્નઈ તથા મુંબઈથી લૉન્ચ કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં કંગનાનો દમદાર અંદાજ જોવા મળ્યો છે.
'થલાઈવી' લિજેન્ડરી એક્ટ્રેસ તથા પછી રાજનેતા બનેલાં જયલલિતાના જીવન પર આધારિત છે. ફિલ્મમાં જયલલિતાના શરૂઆતના સમયનો સંઘર્ષ બતાવવામાં આવ્યો છે અને ત્યારબાદ રાજકારણમાં મળેલી સફળતા પણ બતાવવામાં આવી છે. દેશના પ્રભાવશાળી રાજકારણી બનવા સુધીની વાત કરવામાં આવી છે. આ ફિલ્મ તમિળ, તેલુગુ તથા હિંદીમાં રિલીઝ થશે. ફિલ્મને એ એલ વિજયે ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં અરવિંદ સ્વામી, પ્રકાશ રાજ, મધુ તથા ભાગ્યશ્રી મહત્ત્વના રોલમાં છે.
ટ્રેલરમાં જોઈને અંદાજો કરી શકાય છે કે ફિલ્મના સંવાદો દમદાર હશે, જેમ કે, 'અભી તો સિર્ફ પંખ ફૈલાયેં હૈ, ઉડાન અભી બાકી હૈ', 'સ્વાભિમાન કી ઈસ લડાઈ મેં ગિર સકતે હૈ, જખ્મી હો સકતે હૈ પર અબ પીછે નહીં હટ સકતે હૈ', 'અગર મુજે મા સમજોગે તો મેરે દિલ મેં જગહ મિલેગી અગર મુઝે સિર્ફ ઔરત સમજોગે તો તુમ્હે..'
ટ્રેલરમાં કંગનાને જયલલિતાની ચાલ-બોલી, પહેરવશ અને તે જ અંદાજમાં દરેક કામ કરતી જોવા મળી છે. તેણે ઘણું જ શાનદાર કામ કર્યું છે. સાડા ત્રણ મિનિટના ટ્રેલરમાં કંગનાએ ઘણી જ બારીકાઈથી જયલલિતાને પડદા પર રજૂ કરી છે. ફિલ્મના ટ્રેલર લૉન્ચ પહેલાં પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં કંગના સહિત ફિલ્મના ડિરેક્ટર, અરવિંદ સ્વામી, નાસિર, જીવી પ્રકાશ, સમુથ્રાકણી, થાંબી રમૈયા હાજર રહ્યાં હતાં.
કંગનાની આ ફિલ્મ 23 એપ્રિલે થિયેટરમાં રિલીઝ થશે. આ ફિલ્મ વિબરી મોશન પિક્ચર્સ, કર્મા મીડિયા એન્ટરટેઇનમેન્ટ તથા ઝી સ્ટૂડિયોએ બનાવી છે.