નડિયાદ : નડિયાદ નગરપાલિકામાં કોહરામ મચાવનાર ટેક્સચોરીના કૌભાંડ મામલે માત્રને માત્ર ૩ કર્મચારીઓ સામે ફરિયાદ દાખલ કરી ટાઢું પાણી રેડી દેવાયું હોવાનું નાગરિકોમાં ચર્ચાઈ રહ્યું છે. લાખ્ખો રૂપિયાના ટેક્સની ચોરી કરનારાં એક પણ મોટાં માથાના નામો હજુ સુધીની તપાસમાં ખુલ્યાં નથી! આ કૌભાંડ જ હવે શંકાના દાયરામાં આવી ગયું છે. તો શું ‘સ્પેશિયલ ૨૬’ના સરંક્ષણ માટે ટેક્સચોરીનું તૂત ઊભું કરાયું હતું? શું નટપુર પાલિકામાં ચલકચલાણાનો ખેલ ચાલી રહ્યો છે? આવાં સવાલો નગરમાં ચર્ચાઈ રહ્યાં છે!
૯ ઓક્ટોબર, ૨૦૨૦ના રોજ નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ દ્વારા અચાનક મીડિયાને બોલાવી તેમાં નડિયાદની પ્રજાનાં હક્કના રૂપિયામાં ગોલમાલ થઈ હોવાનો ઈશારો આપી ટેક્સચોરી કૌભાંડનો ફણગો ફૂડ્યો હતો! જાેકે, આ ફણગો ફૂટ્યો એને આજે ૭૫ દિવસ વિતી જવા છતાં અત્યાર સુધી પાલિકાના ૨ આઉટસોર્સિંગ કર્મચારીઓ અને ‘સ્પેશિયલ ૨૬’ પૈકીનો એક કર્મચારી શામેલ હોવાનો ખુલાસો થયાં સિવાય અને તેમની સામે ફરિયાદ સિવાય કોઈ નક્કર પરિણામ મળ્યંુ નથી. તેમજ આ કર્મચારીઓ પાસે પણ પોલીસ પ્રશાસન કે પાલિકા પ્રશાસન ટેક્સની ચોરી કરનારાં નેતાઓ અને ઉદ્યોગપતિના નામ ઓકાવી શકી નથી. તેમજ લાખ્ખો રૂપિયાના ધુમાડા કાઢનારા આ રાજકીય નેતાઓ અને જાણીતાં બિલ્ડરોના નામ સુદ્ધા હજી સામે આવી શક્યાં નથી. આવાં સંજાેગોમાં પાલિકા પ્રશાસન વારંવાર ટેક્સચોરીના કૌભાંડનો ભાંડાફોડ કર્યાનો ગર્વ લેવાનું બંધ કરી તેમાં સંડોવાયેલા મોટાં માથાઓ સામે બાંયો ચઢાવશે કે કેમ? તે પ્રશ્ન લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે.
નગરમાં એક ચર્ચા મુજબ, આ કૌભાંડ ‘સ્પેશિયલ ૨૬’ના કૌભાંડને દબાબવવા માટે ખુદ સત્તાધારી પક્ષ અને હાલના વહીવટદાર/ચીફ ઓફિસર પ્રણવભાઈ પારેખ દ્વારા સામે લાવવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો પણ થઈ રહ્યાં છે. કારણ કે, મ્યુનિસિપલ કમિશનરર દ્વારા ‘સ્પેશિયલ ૨૬’ કૌભાંડમાં કાર્યવાહી માટે કરાયેલાં આદેશનું પાલન કરાવવા પાલિકાના કાયમી અને કાયદેસરના કર્મચારીઓએ ઉપવાસ આંદોલન શરૂ તો કર્યુ, પરંતુ તેમનું આ આંદોલન પરિણામલક્ષી કેમ ન રહ્યું? તેમજ વારંવાર ગણતરીના દિવસોમાં જ આંદોલન પૂરું કરાવી દેવામાં સત્તાધારી પક્ષ અને સાથે જ નગરપાલિકાના મુખ્ય અધિકારીઓનું દબાણ હતું કે કેમ? ઉપરાંત જ્યારે પણ આંદોલન માટે પ્રક્રિયાઓ શરૂ કરાઈ તેવા સંજાેગોમાં ટેક્સચોરીના કૌભાંડમાં સંડોવાયેલાં કર્મચારીઓ પર આવતી આફતો, આ અનેક મુદ્દાઓને લોકો શંકાની નજરે જાેઈ રહ્યાં છે. જેના કારણે ‘સ્પેશિયલ ૨૬’ને જાણે સરંક્ષણ આપવા માટે જ આ કૌભાંડ ઊભૂં કરાયું હોય તેવી પણ લોકચર્ચાઓ ચાલી રહી છે.
બીજીતરફ નડિયાદ નગરપાલિકામાં ‘સ્પેશિયલ ૨૬’ના કૌભાંડમાં અત્યાર સુધી તમામને કરોડો રૂપિયાનો પગાર ચૂકવાઈ ગયો છે. અગાઉના ચીફ ઓફિસરોના હસ્તાક્ષરે પણ તેમને ચૂકવણાં થયાં છે, જ્યારે અત્યારના વહીવટદાર/ચીફ ઓફિસર પ્રણવભાઈ પારેખ દ્વારા પણ તેમને પગાર ચૂકવવામાં આવી રહ્યો છે. ત્યારે હાઇકોર્ટના જજમેન્ટ અને મ્યુનિસિપલ કમિશનરના હુકમની વિરુદ્ધ જઈ કર્મચારીઓને પગાર ચુકવી સરકારી તિજાેરીને ખાલી કરવામાં આવી રહી હોવાના આક્ષેપ પણ થઈ રહ્યાં છે. તો તેનાં માટે જવાબદાર કોણ? આવા અનેક પ્રશ્નો લોકોના મુખે ચર્ચાઈ રહ્યાં છે.
આ ઉપરાંત ટેક્સચોરી કૌભાંડમાં રાતોરાત નડિયાદ નગરપાલિકા દ્વારા ફરિયાદ દાખલ કરી ઊહાપોહ મચાવી દેવામાં આવ્યો, તે રીતે ‘સ્પેશિયલ ૨૬’ કૌભાંડમાં મ્યુનિસિપલ કમિશનરના હુકમનું પાલન કેમ કરવામાં નથી આવતું? જવાબદારો સામે ‘સ્પેશિયલ ૨૬’ કૌભાંડમાં ફરિયાદ ક્યારે નોંધાશે? તેવાં સવાલો પણ ઊઠી રહ્યાં છે.