ઇસ્લામાબાદ-
ખાલિસ્તાની આતંકવાદી અને લશ્કર-એ-તૈયબાના સ્થાપક હાફિઝ સઇદના સહયોગી ગોપાલસિંહ ચાવલાએ જાહેરાત કરી છે કે તેઓ ભારત સરકારના ખેડૂત કાયદાની વિરુદ્ધ પાકિસ્તાનમાં ભારતીય સરહદ પર ટ્રેક્ટર રેલી કાઢશે. ચાવલાની ઘોષણાથી સ્પષ્ટ થઈ ગયું છે કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ભારતના ખેડૂતોના મુદ્દાને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહી છે. આઈએસઆઈ ચાવલાને સમર્થન આપી રહ્યું છે.
ચાવલા ભારતીય ખેડુતોના અસંતોષને ભડકાવવા ટ્રેક્ટર રેલી કાઢવાના છે. આના સમર્થનમાં ચાવલાએ તેમનો બે મિનિટનો વીડિયો પણ જાહેર કર્યો છે. ગોપાલસિંહ ચાવલાએ આ ટ્રેક્ટર રેલીના સમર્થનમાં પાકિસ્તાની લોકોનો ટેકો માંગ્યો છે. તેમણે કહ્યું કે આ ટ્રેક્ટર રેલી નનકાના સાહિબથી શરૂ થઈને ભારતીય સરહદની નજીક વાઘા સરહદ તરફ જશે. આ પહેલીવાર નથી જ્યારે ચાવલાએ ભારતના લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હોય.
ભારતે વર્ષ 2018 માં પાકિસ્તાનને એક ડોઝિયર આપ્યું હતું, જેમાં કહ્યું હતું કે ચાવલા ભારતીયોને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ચાવલાના પાકિસ્તાની આતંકવાદી હાફિઝ સઇદ સાથે ગાઢ સંબંધો છે. પાકિસ્તાનમાં પંજાબના મંત્રી નવજોત સિંહ સિદ્ધુની ગોપાલ ચાવલા સાથેની તસવીરો સામે આવ્યા પછી તેમણે કહ્યું હતું કે ભારત મારા વિશે શું વિચારે છે તેની મને પરવાહ નથી.
એનબીટીએ જ્યારે ચાવલાનો સંપર્ક કર્યો ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું કે, 'ભારત મને આતંકવાદી માને છે, તેથી હા, હું આતંકવાદી છું'. ચાવલાએ મુંબઈ હુમલાનો મુખ્ય સૂત્રધાર હાફિઝ સઇદની નજીક હોવાનું કબૂલ્યું હતું. જ્યારે ચાવલાને પૂછવામાં આવ્યું કે એક તરફ તે સંપ્રદાયની વાત કરે છે અને બીજી બાજુ તેણે હાફિઝ સઇદ જેવા આતંકવાદીઓ સાથે ફોટો પાડ્યો હતો, ત્યારે તેણે કહ્યું હતું કે હાફિઝ સઇદ તેમની અને પાકિસ્તાનીઓની નજરમાં મસીહા છે. ચાવલાએ એમ માનવાનો ઇનકાર કર્યો કે બ્રિટનના કેટલાક ઉગ્રવાદી શીખ સંગઠનોએ પાકિસ્તાનમાં ઓફિસો ખોલ્યા છે.