માજી સરપંચની હત્યા બાદ ગામમાં ટેન્શન, ટોળાનો પથ્થરમારો ઃ પોલીસે ફોજ ઊતારી


 શહેરા તાલુકાના ગોકળપુરા ગામે ખેતરમાં ગાયો ચરાવવાના મુદ્દે ત્રણ ભરવાડોએ ખેડૂત દિનેશભાઈને લાકડી વડે માર મારતા મોત થતાં પોલીસે ત્રણ સામે હત્યાનો ગુનો નોધ્યો હતો. જાે કે આરોપીઓના ગામ ઉંજડા ખાતે લોકોએ આક્રોશમાં ભરવાડ ફળિયામાં મકાનની બહાર પતરાના શેડ અને વાહનને નુકશાન પહોંચાડવા સાથે મામલો તંગ બનતા જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો. શુક્રવારના રોજ મૃતકની લાશને ગામની ચોકડી ખાતે લાવતા સ્વજનોએ આરોપીના ઘરની અંદર અંતિમવિધિ કરવાની માગ કરતા અમુક લોકોએ આવેશમાં આવીને પથ્થરમારો કરતાં બે પોલીસ કર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા. પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે ટીયર ગેસના ૮ સેલ છોડયા હતા. સ્થળ પરથી અને આજુબાજુથી ૧૦ કરતાં વધુ લોકોની અટકાયત કરાઈ હતી. પોલીસ દ્વારા હત્યાના ત્રણ આરોપીમાંથી બેને ઝડપી લઈ એકની શોધખોળ હાથ ધરી હતી.

ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખેડૂતની લાશનું પીએમ કર્યા બાદ ગોકળપુરા ગામની ચોકડી ખાતે અંતિમવિધિ માટે લાશ લાવવામાં આવતા ઉપસ્થિત લોકો દ્વારા આરોપીના ઘરની અંદર અંતિમવિધિ કરવાની માંગ કરતા પોલીસે સમજાવવાની કોશિશ કરી રહ્યા હોય ત્યારે અચાનક પથ્થરમારો થતા સ્થળ ઉપર દોડધામ મચી જવા પામી હતી. પોલીસ દ્વારા પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના ૮ જેટલા સેલ છોડવામાં આવા સાથે બે પોલીસ કર્મીઓ પણ પથ્થરમારાથી ઘાયલ થયા હતા. પોલીસે કોમ્બિંગ હાથ ધરીને અન્ય પકડાયેલા લોકો સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધે તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી. જ્યારે પોલીસે આ મામલે ઊંજડા ગામના ત્રણ ભરવાડો સામે માજી સરપંચ દિનેશભાઈની હત્યા મામેલે ગુનો નોંધીનેઆરોપી ચંદુભાઈ ભરવાડ સહિત અન્ય એકને પકડી પાડવા સાથે ત્રીજા આરોપીને શોધવાની તજવીજ હાથધરી હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution