લગભગ ૨૫૦૦ વર્ષ પહેલાં કૌટિલ્યએ અર્થશાસ્ત્રમાં ભાર મૂક્યો હતો કે કર ઉઘરાવનાર અને કર ચૂકવનાર વચ્ચે સામંજસ્ય જળવાવવું જાેઈએ. કર ચૂકવવાની આવશ્યકતા વિષે કૌટિલ્યએ ઉત્કૃષ્ટ કારણો આપ્યા હતા. જે આજે એકવીસમી સદીમાં પણ એટલા જ ઉપયુક્ત છે. માનવ જીવનના જુદા જુદા પાસાંઓ સમય સાથે બદલાયા છે ત્યારે ૨૫૦૦ વર્ષ પહેલાનું ટેક્સ એડમિનિસ્ટ્રેશન બદલાયું નથી. નાગરિકોને કર ભરવા માટે સતત પ્રોત્સાહિત કરવા છતાં જે રીતે નાગરિકો સ્વયંભૂ કર ભરવા માટે આગળ આવે એવી પરિસ્થિતિ હજી પણ વિકસિત થઈ શકી નથી. હાલના કરદાતાઓ અને સંભવિત કરદાતાઓ વચ્ચે વહિવટી ક્ષમતાઓ સાથે અસરકારક સંવાદ ઊભો થઈ શક્યો નથી. માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં આ પરિસ્થિતિ પ્રવર્તે છે.
સંભવિત કરદાતાઓ સુધી કેવી રીતે પહોંચી શકાય એ માટે ભારતીય કર પ્રશાસન સતત ધ્યાન કેન્દ્રિત કરીને દેશના નાગરિકો નાણાંકીય આદતો સારી પાડે અને વ્યાપક પ્રમાણમાં દેશના કરમાળખાને સમૃદ્ધ કરે એ રીતે સતત પ્રયત્નશીલ છે. દેશની વસતી પણ ૩૬ કરોડથી વધીને ૧૪૦ કરોડ થઈ છે ત્યારે પ્રત્યક્ષ કરની વસૂલાત પણ નવા નવા શિખરો સર કરી રહી છે. દેશના નાગરિકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે સમય સાથે મેળ ખાતો બહુપક્ષીય અભિગમ ભારતીય કર પ્રશાસનનો રહ્યો છે.
૨૦૦૦થી ૨૦૦૫ દરમિયાન કરદાતાઓ સુધી પહોંચવા માટે સતત પ્રયાસ થયા. તેના કારણે સીધા કરવેરાની આવક આ પાંચ વર્ષમાં રૂ. ૬૮,૩૦૫ કરોડથી વધીને રૂ. ૧,૩૨,૭૭૧ કરોડ સુધી વધી. ૨૦૦૬-૨૦૧૦ દરમિયાન કર માળખાનું સરળીકરણ કરીને કર માળખામાં આધુનિક ટેકનોલોજીને લાવવામાં આવી. ટેકનોલોજીના ઉપયોગના કારણે ૨૦૦૬-૨૦૧૦ દરમિયાન સીધા કરવેરાની આવક રૂ. ૧,૬૫,૨૦૫ કરોડથી વધીને રૂ. ૩,૭૮૦૩ કરોડે પહોંચી. ૨૦૧૧થી ૨૦૧૬ દરમિયાન કર માળખાને વિસ્તૃત કરવા માટે પ્રયાસો કરવામાં આવ્યા. તેના કારણે સીધા કરવેરાની આવક ૨૦૧૦-૧૧માં રૂ. ૪,૪૫,૯૯૫ કરોડથી વધીને ૨૦૧૬-૧૭માં રૂ. ૮,૪૯,૭૧૩ કરોડ થઈ અને કરદાતાઓની સંખ્યા ૬.૯૨ કરોડ થઈ. ૨૦૧૭થી ૨૦૨૨ દરમિયાન ભારતીય કર પ્રશાસનને એક નવો વ્યાવસાયિક ઓપ આપવામાં આવ્યો. વ્યાવસાયિક ઓપ આપ્યા પછી સીધા કરવેરાની આવક ૨૦૧૭-૧૮માં રૂ. ૧૦,૦૨,૬૩૫ કરોડથી વધીને ૨૦૨૨-૨૩માં રૂ. ૧૬,૬૩,૬૮૬ કરોડે પહોંચી અને ૭.૭૮ કરોડ રિટર્ન્સ ભરાયા.
ભારતીય કર પ્રશાસન આધુનિક ટેકનોલોજીના ઉપયોગ સાથે ફેસલેસ એસેસમેન્ટ તથા ઓનલાઈન ફરિયાદ નિવારણ જેવી સુવિધાઓ સાથે ઉત્કૃષ્ટ સેવાઓ આપતું થયું. પરંતુ મારો જે પ્રશ્ન છે તે દેશના નાગરિકોની આવક કેટલી વધી તે અંગે છે. કર માળખાને વિસ્તૃત કરવા માટે પ્રયાસોના કારણે રિટર્ન્સ ભરનારાઓની સંખ્યા કુદકે ને ભૂસકે વધી રહી છે. તેમ છતાં સત્ય હકીકત એ છે કે દેશમાં છેલ્લા ચાર વર્ષમાં મધ્યમ વર્ગ અને સમૃદ્ધ વર્ગ વચ્ચેનો તફાવત મોટોને મોટો થઈ રહ્યો છે. શું સમય જતાં મધ્યમવર્ગને વધારે ને વધારે મુશ્કેલીઓમાં મુકાવું પડશે? આ અંગે આજથી જ વિચાર કરવો અતિઆવશ્યક છે અને ગંભીર મનોમંથન માંગે છે.
આવકવેરા વિભાગના આંકડાઓ સાબિત કરે છે કે દેશમાં વાર્ષિક રૂ. ૧૦ લાખથી વધારે કમાતા લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે જ્યારે વાર્ષિક રૂ. ૧૦ લાખ સુધીની આવક ધરાવનાર લોકોની સંખ્યામાં નજીવો વધારો નોંધાયો છે. છેલ્લા ત્રણ વર્ષના આંકડાઓનું વિશ્લેષણ કરતાં જાેવા મળે છે કે વાર્ષિક રૂ. ૦૧ કરોડથી વધારે આવક ધરાવનારાઓની સંખ્યામાં ૧૩૯%નો વધારો નોંધાયો છે તો તેની સામે વાર્ષિક રૂ. ૦૫ લાખ સુધીની કમાણી કરનારાઓમાં માત્ર ૫.૯૮%નો વધારો જાેવા મળ્યો છે. વાર્ષિક રૂ. ૦૫ લાખથી ૧૦ લાખની કમાણી કરનારાઓની સંખ્યામાં ૪૧%નો વધારો નોંધાયો છે.
આવકવેરા વિભાગના આંકડાઓ દર્શાવે છે કે ૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪ના એક જ વર્ષમાં વાર્ષિક રૂ. ૦૧ કરોડથી વધારે આવક ધરાવનારાઓની સંખ્યામાં ૭૦,૦૦૦નો વધારો નોંધાયો છે. એટલે કે દેશમાં છેલ્લા એક વર્ષમાં ૭૦,૦૦૦ નવા કરોડપતિઓ ઉમેરાયા છે. તેવી જ રીતે વાર્ષિક રૂ. ૫૦ લાખથી રૂ. ૦૧ કરોડ સુધીની આવક ધરાવનારાઓની સંખ્યામાં ૪૦%નો વધારો જાેવા મળે છે. કોરોના પછી ઓછી આવક ધરાવતા કુટુંબોમાં ૯૨ લાખનો ઘટાડો થયો છે. છેલ્લા એક વર્ષમાં ઓછી આવકવાળા વ્યક્તિઓ કોરોના પહેલાંની આર્થિક સ્થિતિએ પહોંચવા માટે પ્રયાસરત દેખાઈ રહ્યા છે. કોરોના પછી ઓછી આવકવાળા કરદાતાના જૂથમાં કુલ ૧.૦૫ કરોડ નવા લોકો જાેડાયા છે.
આનું વિસ્તૃત વિશ્લેષણ કરતાં એવું જાેવા મળે છે કે આ જે નવા ૧.૦૫ કરોડ લોકો જાેડાયા છે તેઓ કોરોના પછી તેમની આવક પરત પ્રાપ્ત કરીને ઓછી આવકવાળા કરદાતા તરીકે ફરી એક વખત સામેલ થયા છે. કોરોના દરમિયાન અને કોરોના પછી એક વર્ષ સુધી ઓછી આવકવાળા કરદાતાઓના જુથને સંકટનો સામનો કરવો પડ્યો હતો. આ જૂથના કરદાતાઓને તેમની આવક વધારવા માટે એકથી દોઢ વર્ષનો સમય લાગ્યો હતો. આ જુથથી વિરુદ્ધ કોરોના પછી ઝડપથી વધી રહેલી માંગનો ફાયદો વાર્ષિક રૂ. ૧૦ લાખથી વધારે કમાતા લોકોને થયો છે એ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે. આના કારણે મધ્યમ વર્ગ અને સમૃદ્ધ વર્ગ વચ્ચે ખાઈ વધી રહી છે એ છેલ્લા ત્રણ વર્ષના વિશ્લેષણમાં દેખાઈ રહ્યું છે.
ભારતીય સમાજમાં ગરીબો માટે સરકારની કલ્યાણકારી યોજનાઓ છે જેનો વ્યાપક લાભ ગરીબ વર્ગને થઈ રહ્યો છે. જ્યારે સમાજનો સૌથી વિશાળ એવા મધ્યમ વર્ગની પરિસ્થિતિ કફોડી થતી જઈ રહી છે. મધ્યમ વર્ગના લોકો નથી પૂરા ગરીબ કે નથી સંતોષ પામતા શ્રીમંત. મધ્યમ વર્ગના લોકોને નિયમિત પરંતુ મર્યાદિત એવી નિશ્ચિત આવક હોવાથી તે ગરીબ નથી. આવા લોકો ઉડાઉ ખર્ચ કરી મોજવિલાસનું જીવન જીવી શકતા ન હોવાથી તે પૂરા ધનિક પણ ના ગણાય.
આવકની મર્યાદા મધ્યમ વર્ગના લોકોની સૌથી પહેલી મુશ્કેલી છે. મોટા ગજાના ઉદ્યોગધંધા સ્થાપવા કે ચલાવવાની મૂડી ન હોવાથી મોટા પ્રમાણમાં મધ્યમ વર્ગના લોકો નોકરી કરતા હોય છે અથવા નિયમિત ગુજરાન ચલાવવા પૂરતી રકમ મળે તેવા નાનામોટા વેપારધંધામાં રોકાયા હોય છે. માસિક આવકમાંથી કુટુંબની પ્રાથમિક જરૂરિયાતો એકલી જ પૂરી થતી હોવાથી મધ્યમવર્ગના લોકોને મનોરંજન કે મોજશોખ માટે ખર્ચવા નાણાં બચતાં નથી. તેને બદલે રોજિંદી જરૂરિયાતથી વધારાના કોઈ પણ ખર્ચની જાેગવાઈ ન હોવાથી મધ્યમ વર્ગના લોકો સતત આર્થિક ખેંચમાં જ જીવતા હોય છે. બે ટંક ભોજન, થોડાં કપડાં અને સામાન્ય ઘરવખરી સિવાય એમની પાસે વિશેષ કશું હોતું નથી. એટલે આવકજાવકના બે છેડા માંડ ભેગા કરતા આ લોકોનું જીવન સતત નાણાભીડમાં જ પસાર થતું હોય છે. નથી ગરીબ કે નથી ધનવાન એવા બંને અંતિમોની વચ્ચેની સ્થિતિમાં જીવતા આ મધ્યમવર્ગ ઉપર જ ભારતની રાજનીતિ ર્નિભર છે.
ફુગાવો એટલે કે ભાવવધારાની અસર ગરીબોને વધારે નથી થતી. ગરીબ વર્ગ પોતાની જરૂરિયાતો ઘટાડીને જીવતો રહેવા ટેવાયેલો હોય છે. શ્રીમંતોને મોંઘવારી નડતી નથી. મધ્યમ વર્ગના લોકો નથી રોજિંદી જરૂરિયાતો કે પરંપરાગત ખર્ચ ઘટાડી શકતા કે નથી શ્રીમંતની જેમ ભવિષ્યનો વિચાર કર્યા વિના આંખ મીંચીને ખર્ચી શકતા. આવા લોકો સમાજની પરવા કર્યા વિના નથી ગરીબ બની શકતા કે નથી શ્રીમંત થઈ શકતા. વળી પગાર કે આવક તો પછી વધે છે પણ તે પહેલાં મોંઘવારી આવે છે. એટલે સતત ભીંસમાં આવીને કહેવાતી સામાજિક પ્રતિષ્ઠાને પકડી રાખવા મરણિયો પ્રયાસ કરતા રહે છે.
રાજકીય પક્ષો પણ આવા મધ્યમ વર્ગનું જ શોષણ કરતાં જાેવા મળે છે. ગમે તે રાજકીય પક્ષ હોય, કોઈને મધ્યમ વર્ગની આકાંક્ષાઓ અને અપેક્ષાઓની પડી નથી. દરેક પોતપોતાની રાજનીતિમાં વ્યસ્ત અને મસ્ત છે. મધ્યમ વર્ગનો ધણી મધ્યમ વર્ગ જ છે એ કડવી પણ કરૂણ વાસ્તવિકતા છે જેને ક્યારેય કોઈ નજરઅંદાજ કરી શકશે નહીં.
Loading ...