જ્હોન અબ્રાહમની આગામી ફિલ્મ ‘વેદા’માં શર્વરી વાઘનો લીડ રોલ છે. ફિલ્મમાં તમન્ના ભાટિયા પણ મહત્ત્વના રોલમાં છે. ફિલ્મની પ્રમોશન ઈવેન્ટ દરમિયાન જ્હોન અબ્રાહમને પૂછવામાં આવ્યું હતું કે, તેઓ દર વખતે એક્શન જાેનરની ફિલ્મ જ કરે છે. એક્શન સિવાયની કોઈ ફિલ્મ તેમણે લાવવી જાેઈએ? આ પ્રશ્નથી જ્હોન અબ્રાહમે પિત્તો ગુમાવ્યો હતો અન સવાલ પૂછનારાને મૂર્ખ ગણાવ્યો હતો. જેન્ટલમેનની ઈમેજ ધરાવતા જ્હોનનું આ વર્તન ચર્ચામાં છવાયેલું છે અને આ વિવાદ વધુ વકરે તો ફિલ્મ પર અસર થવાની શક્યતા પણ છે. તેથી વિવાદને રોકવા માટે તમન્ના ભાટિયા મેદાને આવી છે. તમન્નાએ જ્હોનની આકરી પ્રતિક્રિયા અંગે થઈ રહેલી ચર્ચાને ‘વેદા’ના બચાવમાં લઈ જવા પ્રયાસ કર્યાે છે. આ ફિલ્મમાં એક્શન કરતાં ઘણું વધારે જાેવા મળશે તેવી ખાતરી આપીને તમન્ના વચલો રસ્તો શોધવા મથામણ કરી રહી છે. તમન્ના ભાટિયાએ એક્સ પોસ્ટમાં જણાવ્યું હતું કે, ‘વેદા’ને તેના કવર પરથી જજ કરશો નહીં. દેશના ફેવરિટ એક્શન હીરો જ્હોન અબ્રાહમ આ જાેનરમાં અભૂતપૂર્વ ફિલ્મ લાવી રહ્યા છે. આ ફિલ્મમાં સ્ટોરીને એક્શન મારફતે કહેવામાં આવી છે. એક્શન જાેનરમાં પણ અર્થસભર ફિલ્મ બની શકે છે, તે ‘વેદા’માં પુરવાર થાય છે. નિખિલ અડવાણી ૬-૭ વર્ષના ગેપ બાદ ફિલ્મ ડાયરેક્ટ કરી રહ્યાં છે અને પોતાના કમબેકને યાદગાર બનાવવામાં તેમણે કોઈકસર રાખી નથી. શર્વરી વાઘની એક્શન દિલધડક છે. ‘વેદા’થી એક્શન ફિલ્મો બાબતે ભારતમા નવા અભિગમનું આગમન થશે તેવો તમન્નાને વિશ્વાસ છે. તેથી ‘વેદા’ને વધુ એક એક્શન ફિલ્મનુ ટેગ મળવું જાેઈએ નહીં. આ ફિલ્મ ૧૫ ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. તેની સીધી ટક્કર ‘સ્ત્રી ૨’ અને ‘ખેલ ખેલ મૈં’ સાથે થશે.