સંઘર્ષના સમયમાં કેટલાક લોકોની પ્રતિભા વધુ નીખરતી હોય છે. જીવનની ટ્રેજેડી તેમને વધુ મજબૂત માણસ બનાવે છે. તેવા લોકો કપરા સમયની સમયની આંખમાં આંખ મેળવી પડકાર ફેંકે છે. જીવનની શતરંજમાં તકલીફોને મ્હાત આપનાર તેવા જ એક વ્યક્તિ છે પદ્મશ્રી રાજકુમારી દેવી.
બિહારના સરૈયા તાલુકામાં આનંદપુરા ગામના અવધેશ ચૌધરી ખેતી કામ કરતા હતાં. સામાન્ય ખેતી કરનાર અવધેશના લગ્ન રાજકુમારી દેવી સાથે થયાં. દંપતીની ઉંમર નાની હતી. રાજકુમારી દેવી લગ્ન બાદ તેમનું શિક્ષણ છોડવા નહતા માંગતા. લગ્ન પછી રાજકુમારી દેવીએ મેટ્રિકની પરીક્ષા પાસ કરી. પરિવાર ખેતી ઉપર નભતો હતો. ખેતીના નામ ઉપર વર્ષમાં એક વાર માત્ર તમાકુનો પાક લેવામાં આવતો હતો. અવધેશ ચૌધરીનો પરિવાર હંમેશા આર્થિક તંગીમાં રહેતો. લગ્નના નવ વર્ષ પછી પણ રાજકુમારી દેવીને કોઈ સંતાન ન થતા પરિવાર નારાજ રહેતો. નિઃસંતાન હોવાને કારણે રાજકુમારી દેવીને ત્રાસ સહન કરવો પડતો. એક સમય તેવો પણ આવ્યો કે તેમને ઘરની બહાર કાઢી મુકવામાં આવ્યાં.
રાજકુમારી દેવીએ તે ક્ષણથી વિચારી લીધું કે હવે પછીની જિંદગી સ્વમાનભેર જીવવી છે. તેમણે પોતે ખેતીકામ કરવાનું શરુ કર્યું. પરિવારના લોકો તમાકુના એક માત્ર પાક ઉપર નભતા હતાં. જેમાં રાજુકુમારી દેવી મદદ કરતા હતા પરંતુ તેની કોઈ કદર થતી નહતી. તેમણે અલગ પધ્ધતિથી ખેતી કરવાનો ર્નિણય લીધો. રાજકુમારી દેવીએ ખેતરના છેડે પપૈયા ઉગાડવાનું શરુ કર્યું. તે સાથે બીજા ફળ પણ ઉગાડવાના શરુ કર્યા. ખેતરના છેડે ઉગતા પપૈયા અને અન્ય ફાળમાંથી રાજકુમારી દેવીએ ઘરે અથાણાં અને જામ બનાવવાનું શરુ કર્યું. હવે તેમણે બનાવેલા અથાણાં અને જામનું વેચાણ કરવું જરૂરી હતું. પરંતુ તેમના ઉત્પાદનો વેંચવા માટે કોઈ તૈયાર ન થયું, રાજકુમારી દેવીને ગમે તે રીતે સ્વાવલંબી બનવું હતું. તેમણે પોતે પોતાના ઉત્પાદનોના વેચવા નીકળવાનું નક્કી કર્યું. રાજકુમારી દેવીને સાયકલ ચલાવતા આવડતી નહતી. તેમણે સાઇકલ ચલાવાનું શીખ્યું. સાઇકલ ઉપર પોતે બનાવેલા અથાણાં અને જામ મૂકી વેચવા માટે ગામેગામ ફરવા લાગ્યાં. શરૂઆતમાં પરિવારે વિરોધ કર્યો પરંતુ રાજકુમારી દેવી તેને તાબે ન થયાં.
વેચાણ માટે લોકો વચ્ચે જતા રાજકુમારી દેવીને અનુભવાયું કે જાે તેમના ઉત્પાદનોની ગુણવત્તા સુધરે તો વધુ સારી કિંમતમાં અથાણાં અને જામ વેચાઈ શકે તેમ છે. કૃષિ યુનિવર્સિટીમાં જઈને તેમણે તપાસ કરી. ખેડૂતો માટે કૃષિ યુનિવર્સીટીમાં યોજાતા તાલીમ વર્ગોમાં જવાનું શરુ કર્યું. ગુણવત્તાયુક્ત ખેતી કઈ રીતે કરી શકાય તેની તાલીમ લીધી. રાજકુમારી દેવીએ તેવી તાલીમ પ્રક્રિયામાં પણ ભાગ લીધો જ્યાં આહારનો સ્વાદ કઈ રીતે વધારી શકાય તેની જાણકારી મળે. કૃષિ યુનિવર્સીટીમાં મળેલી તાલીમના આધારે રાજકુમારી દેવીએ ઓછા સમયમાં વધુ ઉપજ આપે તેવા પાક લેવાનું શરુ કર્યું.
રાજકુમારી દેવીએ બનાવેલા અથાણાં અને મુરબ્બાની માંગ ખુબ વધવા લાગી. તેને કારણે આવક વધી અને કામ પણ વધ્યું. રાજકુમારી દેવીએ ગામની અન્ય મહિલાઓને તાલીમ આપી કામમાં પોતાની સાથે જાેડી. રાજકુમારી દેવીના અથાણાં અને મુરબ્બા બ્રાન્ડના નામથી બજારમાં વેચવા લાગ્યાં. તેમના ઉત્પાદનોનું બજાર સતત વધવા લાગ્યું. એક બાદ એક ત્રણસો જેટલી મહિલાઓને રાજકુમારી દેવી રોજગારી આપવા લાગ્યાં. વર્ષ ૨૦૦૩માં લાલુ પ્રસાદ યાદવ દ્વારા રાજકુમારી દેવીનું જાહેર સન્માન કરવામાં આવ્યું. નીતીશ કુમારે પણ રાજકુમારી દેવીના કામની જગ્યાએ જઈને મહિલાઓને આપવામાં આવતી રોજગારી અને રાજકુમારી દેવીના કામની સમીક્ષા કરી. વર્ષ ૨૦૦૭માં નીતીશ કુમાર દ્વારા રાજકુમારી દેવીને 'કિસાનશ્રી’ સન્માન આપી પુરસ્કૃત કરવામાં આવ્યાં. બિહારમાં આ સન્માન પહેલીવાર કોઈ મહિલાને આપવમાં આવ્યું હતું. લોકો રાજકુમારી દેવીને 'કિસાન ચાચી’ તરીકે ઓળખવા લાગ્યાં.
હાલમાં કિસાન ચાચી રાજકુમારી દેવી અનેક ગામમાં પોતાના સેન્ટર સ્થાપી મહિલાઓને રોજગારી આપી રહી છે. તે હંમેશા કહે છે કે પોતાના પરિવાર માટે ઘરકામ કરતી સ્ત્રીની ત્યાં સુધી કદર નથી થતી જ્યાં સુધી તે ઘરની બહાર નીકળે. મહિલા જયારે તે સાબિત કરશે કે તે પણ રોજગારી મેળવવા માટે સક્ષમ છે ત્યારે પરિવારમાં તેની કદર કરવાનું શરુ થાય છે.