લો બોલો...કોરોનામાં આ કંપની માત્ર પોતાના નામથી જાણીતી થઇ ગઇ

નવી દિલ્હી

અમેરિકાના એરિઝોના પ્રાંતમાં આવેલા ટેમ્પે શહેરની કોવિડ.ઈન્ક નામની એક કંપની છેલ્લા 40 વર્ષથી વેપાર કરી રહી છે. ગત વર્ષે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને જ્યારે કોવિડ-19ને મહામારી ઘોષિત કરી ત્યારે કંપનીના કર્તા હર્તાઓ ચોંકી ગયા હતા. કંપનીનો મહામારી સાથે કોઈ સંબંધ ન હોવા છતા કોવિડ-19 મહામારી ઘોષિત થઈ ત્યાર બાદ કોવિડ.ઈન્ક કંપનીની ખ્યાતિ ખૂબ જ વધી ગઈ હતી.

કોવિડ.ઈન્ક કંપની ઓડિયો વિઝ્યુઅલ વોલ પ્લેટ્સ અને કેબલ બનાવે છે. તેના સીઈઓ નોર્મ કાર્સનના કહેવા પ્રમાણે પહેલી વખત ફેબ્રુઆરી 2020માં તેમને પોતાની કંપની અને મહામારીનું નામ એક છે તેવી ખબર પડી હતી.

કંપનીના કર્તા હર્તા પહેલા વીડિયો કંપની અથવા તો વીડિયો ફોર શોર્ટ એવું નામ રાખવા માંગતા હતા. પરંતુ 40 વર્ષ પહેલા એવા નામ ધરાવતી અનેક કંપનીઓ હતી. તે સમયે અન્ય નામો શોધવામાં આવ્યા ત્યારે એક કર્મચારીએ કોવિડ નામ રાખવા સૂચન કર્યું હતું જેને માન્ય રાખવામાં આવ્યું હતું.

કાર્સને જણાવ્યું કે, ગત વર્ષથી જ તેમની કંપનીનું નામ સમગ્ર વિશ્વમાં ચર્ચાઈ રહ્યું છે. વિશ્વના સૌથી વધુ ચર્ચિત શબ્દ કોવિડ-19એ તેમની કંપનીને સમગ્ર વિશ્વમાં નોંધપાત્ર બનાવી છે.

મહામારી દરમિયાન કંપની અનેક હાસ્યાસ્પદ અને વિચિત્ર ઘટનાઓની સાક્ષી પણ બની હતી. કંપનીની સામેથી પસાર થતા લોકોને ત્યાં કોવિડ-19નો ટેસ્ટ થાય છે તેમ લાગતું. આ કારણે અનેક લોકો બહાર લાઈનમાં ઉભા પણ રહી ગયા હતા. કેટલાક લોકો નામ બદલી દેવાનું સૂચન પણ કરવા લાગ્યા હતા પરંતુ તેમને તેવી કોઈ જરૂર નથી લાગતી. કાર્સને મજાકના સૂરમાં કહ્યું કે, હા અમે પણ સંક્રમણ ફેલાવીએ છીએ પરંતુ તે અમારી વસ્તુની ગુણવત્તાનું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution